Xનો ઉપયોગ કરનારને થશે એક દિવસનો 7.4 લાખ દંડ, બ્રાઝિલમાં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર
X Banned In Brazil: બ્રાઝિલમાં હવે પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતું Xનો ઉપયોગ કરવામાં આવ્યો તો યુઝરને દિવસના 7.4 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. Xના માલિક ઇલોન મસ્કે જ્યારથી ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી તે કોઈને કોઈ વિવાદમાં રહે છે. બ્રાઝિલમાં થોડા દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા Xને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. જો કે હવે કોઈ પણ રીતે એનો ઉપયોગ કરનારા પર દંડ લાગુ કરાયો છે.
કેમ સસ્પેન્ડ થયું X?
ઇલોન મસ્ક અને બ્રાઝિલના સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડ્રે દે મોરાઇસ વચ્ચે ઘણાં સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. બ્રાઝિલમાં એક મહિનાથી Xનો કોઈ રિપ્રેઝેન્ટેટિવ નહોતો. આથી કોર્ટ દ્વારા 24 કલાકમાં તેની નિમણૂક કરવાની સૂચના આપવામાં આવી હતી. આથી સુપ્રીમ કોર્ટના જજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઇલોન મસ્ક જ્યાં સુધી આ નિયમનું પાલન ન કરે ત્યાં સુધી Xને બ્લોક રાખવામાં આવશે.
ઇલોન મસ્કે તેના બચાવમાં કોર્ટમાં કહ્યું હતું કે ‘અમને પોલિટિકલ પાર્ટીની કેટલીક પોસ્ટ સેન્સર કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે, પરંતુ X એવું બિલકુલ નહીં કરે.’
આ સાથે જે એવી પણ ચર્ચા છે કે ઇલોન મસ્કની બ્રાઝિલમાં જે વકીલ હતી એને કોર્ટ દ્વારા આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવી છે. તેમ જ તે વકીલના બેંક અકાઉન્ટને પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. આથી તેને આ કેસ છોડવાની ફરજ પડી હતી. જો કે બ્રાઝિલની શરતોને ઇલોન મસ્કે ન માનતાં Xને ત્યાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: નૈરોબીના આ કાફેમાં રોબોટ આપે છે ભોજન, ટેક્નોલોજી અને ટ્રેડિશનલ સર્વિસનું અદ્ભુત મિશ્રણ
દિવસના 7.4 લાખ રૂપિયાનો દંડ
Xને સસ્પેન્ડ કર્યું હોવા છતાં ઘણાં યુઝર્સ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN)નો ઉપયોગ કરતાં હતાં. જોકે કોર્ટને એ વિશે જાણકારી થતાં જ નવો નિયમ બનાવવામાં આવ્યો છે. VPNનો ઉપયોગ કરીને જે પણ યુઝર Xનો ઉપયોગ કરી રહ્યું હશે તેમને હવે દંડ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે યુઝરને એક દિવસના 7.4 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આથી યુઝર માટે હવે Xનો ઉપયોગ કરવાનું મુશ્કેલ બની ગયું છે.
બ્રાઝિલ સિવાય કયા દેશમાં બેન છે X?
ચીન : 2009થી Xને ચીનમાં બેન કરવામાં આવ્યું છે. ચીનની સેન્સરશિપ પોલિસીના કારણે એ બેન કરવામાં આવ્યું છે.
ઇરાન : 2009થી ઇરાનમાં પણ Xને બેન કરવામાં આવ્યું છે. રાજકીય મતભેદને કાબૂમાં રાખવા માટે ત્યાં Xને બેન કરવામાં આવ્યું છે.
નોર્થ કોરિયા : 2016માં Xને નોર્થ કોરિયામાં બેન કરવામાં આવ્યું હતું. ફોરેન મીડિયા દેશના સમાચાર ન મેળવી શકે એ માટે એને બેન કરવામાં આવ્યું હતું.
તુર્કમેનિસ્તાન : ઇન્ટરનેટ પર કન્ટ્રોલ રાખવા માટે 2018માં Xને ત્યાં બેન કરી દેવામાં આવ્યું હતું.
ઉઝબેકિસ્તાન : સેન્સરશિપને કારણે ત્યાં પણ Xને બેન કરવામાં આવ્યું છે. આ દેશમાં Xને બ્લોક અને અનબ્લોક કરવામાં આવતું રહે છે.
મ્યાનમાર : 2021માં લશ્કરી બળવાને કારણે ત્યાં Xને બેન કરવામાં આવ્યું હતું.
રશિયા : 2022માં રશિયાની સેન્સરશિપ ડિમાન્ડને ફોલો ન કરતાં Xને બેન કરવામાં આવ્યું હતું.