નાસાનું લુનાર લેન્ડર આવતી કાલે ચંદ્રની સપાટીને સ્પર્શ કરશે, કેવી રીતે જોશો?
Moon Landing: નાસાનું બ્લૂ ઘોસ્ટ લુનાર લેન્ડર હવે ચંદ્રને સ્પર્શ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ લેન્ડિંગ આવતી કાલે, એટલે કે રવિવારે બપોરે બે વાગ્યે અને ચાર મિનિટે કરવામાં આવશે. આ લેન્ડરને ફાયરફ્લાય એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ લેન્ડર ચંદ્રની સૌથી મોટી સપાટ જમીન પર લેન્ડ થશે.
લેન્ડિંગ વિશેની વિગત
ધ બ્લૂ ઘોસ્ટને ચંદ્રના મેર ક્રિસિયમ બેસિનના ભાગમાં આવેલા વોલ્કેનિક ફીચરની નજીક મોન્સ લેટ્રેલીમાં લેન્ડ કરવામાં આવશે. મૂન્સની નીયર સાઇડની નોર્થઇસ્ટમાં આ જગ્યા આવેલી છે. આ જગ્યાને પહેલાં એસ્ટ્રોઇડ ઇમ્પેક્ટ સાઇટ તરીકે ઓળખવામાં આવતી હતી. ત્રણ બિલિયન વર્ષ પહેલાં ચંદ્ર પર જ્વાળામુખી ફાટ્યો હતો અને એના કારણે જે બેસિન છે તે લાવાથી ભરાઈ ગયો હતો. એના કારણે આ જગ્યા એકદમ સપાટ થઈ ગઈ છે અને તે જિયોલોજિકલ લેન્ડસ્કેપ બની ગઈ છે. આ લેન્ડર ચંદ્ર પર એક લુનાર દિવસ માટે કામ કરશે, એટલે કે પૃથ્વી પરના 14 દિવસ સુધી કામ કરશે.
લેન્ડર દ્વારા કરવામાં આવશે રિસર્ચ
બ્લુ ઘોસ્ટ આ સમય દરમ્યાન ઘણાં વૈજ્ઞાનિક તપાસો કરશે અને તેની ટેક્નોલોજીનો પણ પરિચય દુનિયાભરના લોકોને કરશે. ચંદ્ર પરની પરિસ્થિતિ કેવી છે તે સમજવા માટે આ લેન્ડરનું રિસર્ચ ખૂબ જ કામ આવશે. આ મિશનમાં નાસા સાયન્સ એન્ડ ટેક્નોલોજીના 10 પેલોડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં અલગ અલગ રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમ કે ચંદ્રના અંદરના ભાગમાં કેટલી ગરમી છે, પલમ-સર્ફેસનું ઇન્ટરેક્ટશન, પૃથ્વીના મેગ્નેટોસ્ફિયરનો એક્સ-રે ઇમેજ, રેગોલિથ સેમ્પલિંગ અને આ સિવાયના પણ અન્ય રિસર્ચ.
મૂન લેન્ડિંગને લાઇવ કેવી રીતે જોશો?
નાસા અને ફાયરફ્લાય આ ઇવેન્ટનું લાઇવ-સ્ટ્રીમ કરશે. બન્નેના સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર એ જોઈ શકાશે. બ્લુ ઘોસ્ટ એક ઇતિહાસ રચવા માટે જઈ રહ્યું છે અને એનું દર્શન લોકો કરી શકે, એ માટે લાઇવ-સ્ટ્રીમનું આયોજન કરવામાં આવ્યું છે. ચંદ્ર પરના આ લેન્ડિંગની સફળતા નાસા અને પ્રાઇવેટ કંપનીઓ વચ્ચેની ભાગીદારીની સફળતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડશે.