155 બિલિયન ડોલરની સંપત્તિ: બાળકોને ફક્ત એક ટકા મિલકત વારસામાં આપશે બિલ ગેટ્સ
Bill Gates Fortune: બિલ ગેટ્સ તેમના બાળકોને તેમની મિલકતમાંથી એક ટકા કરતાં પણ ઓછી સંપત્તિ આપવાના છે. તેમની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ સાથે તેમને ત્રણ બાળકો છે - રોરી, જેનિફર અને ફીબી ગેટ્સ. આ બાળકોના પિતા વિશ્વના સૌથી ઘનવાન વ્યક્તિઓમાંના એક છે. માઇક્રોસોફ્ટ જેવું એમ્પાયર ઊભું કરનાર વ્યક્તિના બાળકોની લાઇફસ્ટાઇલ કેવી હશે, એ દરેકને ખબર છે. જોકે આબાળકો પોતાની પિતાની સંપત્તિમાં ભાગ ન લઈ શકે તેવું જણાય છે.
બિલ ગેટ્સનો નિર્ણય
બિલ ગેટ્સે તાજેતરમાં 'ફિગરીંગ આઉટ વિથ રાજ શમાની' પોડકાસ્ટમાં હાજરી આપી હતી. આ પોડકાસ્ટમાં તેમણે પોતાની ધારણા શેર કરી કે તેમના બાળકો તેમના પોતાના દમ પર ઊભા થાય. બિલ ગેટ્સે તાજેતરેથી કહ્યું છે કે તેમની લેગસીને જીવતી રાખવી અને મિલકત સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે દરેક વ્યક્તિ પોતાની માન્યતાઓ અને મૂલ્યોના આધારે નક્કી કરે છે. તેમણે ઉમેર્યું કે, "દરેક વ્યક્તિને તેમની મિલકત અંગે નિર્ણય કરવાનો હક છે. મારા બાળકોને સારું ઉછેર અને ઉતમ ભણતર મળ્યું છે. પરંતુ તેમને મારી મિલકતમાંથી એક ટકા કરતાં ઓછી મિલકત આપવામાં આવશે. હું કોઈ રાજાશાહી ચલાવતો નથી. તેમને માઇક્રોસોફ્ટ માટે કામ કરવા માટે જબરજસ્તી નહીં કરું. તેઓ પોતાની મહેનત અને દમ પર પોતાને સાબિત કરી શકે એ માટે હું તેમને તક આપવા માગું છું."
પોતાની છત્રછાયામાં રાખવા નથી માંગતા
દરેક ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો પ્રશ્ન હોય છે. અમુક લોકો માનતા હોય છે કે પૈસાદાર વ્યક્તિનો છોકરો છે એટલે તેને કંઈ કરવામાં રહેવું નથી. પરંતુ બિલ ગેટ્સ એકદમ વિપરીત વિચારધારા ધરાવે છે. તેમણે કહ્યું, "હું નથી ઇચ્છતો કે મારા બાળકો મારી છત્રછાયામાં રહે. હું નથી ઇચ્છતો કે લોકો કહે કે તેઓ ધનવાન પિતાની સંતાન છે. તેઓ પોતાના દમ પર કામ કરી જાત મહેનતથી ઊભા રહેવું જોઈએ."
કેટલી છે મિલકત?
બિલ ગેટ્સ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના બાળકોને સફળ થવા માટે સમાન તક આપવી જોઈએ. બ્લૂમબર્ગના બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ બિલ ગેટ્સ પાસે 155 બિલિયન અમેરિકન ડોલરની મિલકત છે. આના એક ટકા એટલે કે 1.55 બિલિયન ડોલર થાય છે. જો આ મિલકત ત્રણ ભાઈ-બહેન વચ્ચે વહેંચવામાં આવે તો પણ તેઓ ધનવાન લોકોના ટોચના એક ટકામાં ગણી શકાય છે.
ઘણી એવી વ્યક્તિઓ જેઓ બાળકો સાથે આવું કરી ચૂકી છે
બિલ ગેટ્સ એકમાત્ર બિલિયોનેર નથી, જેઓ બાળકો માટે પૂરી મિલકત છોડી જતા નથી. અગાઉ, સ્ટીવ જોબ્સે તેમના બાળકો માટે ચોક્કસ સંપત્તિ છોડી હતી, જ્યારે બાકીની પૂંજી ફિલાન્થ્રોપી માટે આપી દેવામાં આવી હતી. એમેઝોનના માલિક જેફ બેઝોસ પણ તેમની બાળકો માટે સંપૂર્ણ મિલકત છોડી જતા નથી. સ્ટીવ જોબ્સનું મૃત્યુ 2011માં થયું હતું ત્યારે તેમની પાસે 7 બિલિયન અમેરિકન ડોલરની મિલકત હતી. તેમની વિધવા લોરેન પોવેલ જોબ્સે 2020માં ન્યુ યોર્ક ટાઈમ્સને કહ્યું હતું કે તેમની બાળકોને આ પૈસા માટે એક બિલિયન પણ મળ્યાં નથી.