2035ના પહેલા સ્પેસ સ્ટેશનનું નામ ભારતીય અંતરિક્ષ સ્ટેશન હશે

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
2035ના પહેલા  સ્પેસ સ્ટેશનનું નામ  ભારતીય અંતરિક્ષ સ્ટેશન હશે 1 - image


- ઇસરોના ચેરમેન એસ.સોમનાથની મહત્વની જાહેરાત 

- ભારતના અવકાશયાત્રીઓ  અંતરિક્ષ સંશોધન અને પ્રયોગો કરશે

બેંગલુરુ/મુંબઇ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ૨૦૩૫માં સ્પેસ સ્ટેશન તરતુ મૂકશે. આ સ્પેસ સ્ટેશનનું નામ હશે  ભારતીય અંતરિક્ષ સ્ટેશન.

ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે થોડા સમય પહેલાં એવી  વિશેષ  માહિતી  આપી હતી કે ભારત ૨૦૩૫માં  પોતાનું સ્પેસ સ્ટેશન  તરતું મૂકશે. આ સ્પેસ સ્ટેશનનું નામ  ભારતીય અંતરિક્ષ સ્ટેશન હશે. ભારતીય અંતરિક્ષ સ્ટેશન પૃથ્વી ફરતે ગોળગોળ ફરતું રહેશે. આપણા ભારતીયઅંતરિક્ષ સ્પેસ સ્ટેશનનો હેતુ  અંતરિક્ષ સંશોધન, અંતરિક્ષ સંશોધન માટેની અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવી,  લાંબા સમયગાળા માટે  સમાન અવકાશયાન મોકલવાં વગેરે હશે. 

એસ.સોમનાથે એવી માહિતી પણ આપી  હતી કે સ્પેસ સ્ટેશનની યોજના આમ તો આવતાં ૨૦ વર્ષ માટેની છે.આમ છતાં એક વખત આપણા ગગનયાન પ્રોજેક્ટને  ઉજળી સફળતા મળે ત્યારબાદ અમારું બધું ધ્યાન આ ભાવિ સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં હશે.વળી, આ ભાવિ  ભારતીય અંતરિક્ષ સ્ટેશનને તૈયાર કરવાની મહત્વાકાંક્ષી યોજનાના શરૂઆતના તબક્કે તેનાં ક્રિટીકલ મોડયુલ્સ અને તેની ખાસ પ્રકારની સિસ્ટમ તૈયાર થશે.ઉપરાંત, આ ભાવિ સ્પેસ સ્ટેશનમાં તબક્કાવાર ભારતના  અવકાશયાત્રીઓ સાથે મળીને અંતરિક્ષ સંશોધનના પ્રયોગો કરશે. વળી,માઇક્રોગ્રેવિટી સાયન્સ, મટિરિયલ્સ સાયન્સ, લાઇફ સાયન્સ વગેરે જેવા  અંતરિક્ષ સંશોધનના પ્રયોગો માટે  ઉત્તમ  પ્રકારની આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે. 

ચંદ્રયાન-૩ની ઝળહળતી સફળતા સાથે જ  આંતરરાષ્ટ્રીય  સ્તરે ઇસરોના વિજ્ઞાનીઓની અને એન્જિનિયરોની ટેકનિકલ સિદ્ધિની અને કાબેલિયતની ભરપૂર પ્રશસા થઇ રહી છે. 

નાસા 2031માં તેના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિષ્ક્રિય કરશે : ખર્ચ એક અબજ ડોલરથશે 

બીજીબાજુ અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)  તેના  છેલ્લાં ૨૫ વર્ષથી  અફાટ અંતરિક્ષમાં ગોળ ગોળ  ઘુમતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ૨૦૩૧ના અંત સુધીમાં સંપૂર્ણપણે   નિષ્ક્રિય કરશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિષ્ક્રિય કરવા માટે  નાસાને લગભગ એક(૧) અબજ ડોલર જેટલો મહાખર્ચ થવાની પણ શક્યતા છે.

નાસાનાં સૂત્રોએ એવી માહિતી  આપી હતી કે એક સૂચન ઇન્ટરનેશનલ  સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)ને પૃથ્વી પર પાછું લાવીને પછી તેને નિષ્ક્રિય કરવાનું પણ છે. આઇ.એસ.એસ.નું કદ  ફૂટબોલના વિશાળ  મેદાન જેટલું છે. તેનું કુલ વજન ૪૫૦ ટન છે.

 ઇન્ટરનેશનલ  સ્પેસ સ્ટેશને (આઇ.એસ.એસ.)૨૦૨૩ની ૨૦, નવેમ્બરે  તેની અંતરિક્ષ યાત્રાનાં ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે. ૧૯૯૮ની ૨૦,નવેમ્બરે પૃથ્વીની નીચેની ભ્રમણ કક્ષામાં તરતા મૂકાયેલા ઇન્ટરનેશન  સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટમાં અમેરિકાની  અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા),  યુરોપિયન  સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.), જાપાનની જે.એ.એકસ.એ., સોવિયેત રશિયાની રોસ્કોસ્મોસ, કેનેડાની સી.એસ.એ. એમ  કુલ પાંચ  દેશની અંતરિક્ષ સંશોધન સંસ્થાઓ જોડાયેલી છે. આઇ.એસ.એસ.માં   નાસાનું  ટેકનિકલ  યોગદાન વધુ  છે.


Google NewsGoogle News