એમેઝોન પ્રાઇમ વીડિયો યુઝર માટે દુખના સમાચાર : 2025થી એકાઉન્ટની લિમિટ પાચ ડિવાઇસ સુધી
Amazon Prime Video: એમેઝોન પ્રાઇમ વીડિયો યુઝર માટે દુ:ખના સમાચાર છે, ખાસ કરીને એ લોકો માટે જેઓ અન્ય વ્યક્તિનું પ્રાઇમ વીડિયો એકાઉન્ટ વાપરે છે. એમેઝોન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હવે પ્રાઇમ વીડિયોની સ્ટ્રીમિંગ સર્વિસ પર રિસ્ટ્રિક્શન્સ લગાવી રહ્યા છે. આ રિસ્ટ્રિક્શન્સ વર્ષોથી નેટફ્લિક્સ દ્વારા લાગુ કરવામાં આવી છે, પરંતુ એમેઝોન એનું અમલ હવે કરી રહ્યું છે. આગામી વર્ષની શરૂઆતથી એટલે કે જાન્યુઆરી 2025થી આ રિસ્ટ્રિક્શન્સ લાગુ થશે.
હાલમાં કેટલા યુઝર ઉપયોગ કરી શકે છે?
હાલમાં, એમેઝોન પ્રાઇમ વીડિયો યુઝર માટે કોઈ રિસ્ટ્રિક્શન નથી. એટલે કે, એક એકાઉન્ટ પરથી 10 ડિવાઇસમાં લોગ ઇન કરી શકાય છે. આ સાથે જ કઈ ડિવાઇસમાં લોગ ઇન કરવું એનું પણ કોઈ રિસ્ટ્રિક્શન નથી. યુઝર તેમની ઇચ્છા પ્રમાણે મોબાઇલ, ટેબલેટ, લેપટોપ કે ટીવી કોઈ પણ ડિવાઇસ પર લોગ ઇન કરી શકે છે.
નવી પૉલિસી
એમેઝોન પ્રાઇમ વીડિયોએ નવી પૉલિસી લોન્ચ કરી છે, જે 2025ની જાન્યુઆરીથી લાગુ થશે. આ પૉલિસી હેઠળ, એક એકાઉન્ટ પર વધુમાં વધુ પાંચ ડિવાઇસ લોગ ઇન કરી શકાશે. આ પાંચ ડિવાઇસમાં વધુમાં વધુ બે ટીવી લોગ ઇન કરી શકાશે. આથી, જે ઘરમાં બે કરતાં વધુ ટીવી હોય તેમને એક કરતાં વધુ પ્રાઇમ વીડિયો સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે. યુઝર પોતાની ડિવાઇસને સેટિંગમાં જઈને મેનેજ કરી શકે છે.
નવી પૉલિસીનું કારણ
આ નવી પૉલિસી પાછળનું કારણ એમેઝોન દ્વારા તેમની સર્વિસને વધુ સારી બનાવવાનું છે. એમેઝોનનું માનવું છે કે એક જ એકાઉન્ટ પર અનેક યુઝર એક્ટિવ હોવાથી બેન્ડવિથ પર અસર પડી રહી છે. આથી, જો યુઝર ઓછા હશે તો બેન્ડવિથ વધુ સારી રહેશે અને જેમણે ખરેખર એકાઉન્ટ ખરીદ્યું છે તેમને વધુ સારી સર્વિસ મળશે. વીડિયો બફરિંગ પણ ઓછું થશે અને વધુ ક્લિયર પિક્ચર જોવા મળશે.
યુઝર પર અસર
એમેઝોનની નવી પૉલિસીનો પ્રત્યેક યુઝર પર અસર પડશે. ફ્રી યુઝર્સનો ઉપયોગ બંધ થઈ જશે, અને જેઓએ સબ્સ્ક્રિપ્શન ખરીદ્યું છે તેઓને પણ મુશ્કેલી પડી શકે છે. બે કરતાં વધુ ટીવી કે પાંચ કરતાં વધુ ડિવાઇસ વાપરતા યુઝર્સ માટે આ ચેલેન્જિંગ છે. તેમને એક ડિવાઇસને લોગ આઉટ કરીને અન્ય ડિવાઇસમાં લોગ ઇન કરતા રહેવું પડશે. એમેઝોન હવે એડ્સ પણ લાવી રહ્યું છે, જેથી સબ્સ્ક્રિપ્શન ધરાવતા યુઝર્સને પણ એડ્સ જોવી પડશે. એમેઝોન દ્વારા આ સાથે એ પણ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ એક અન્ય સબ્સ્ક્રિપ્શન લોન્ચ કરશે જે એડ્સ-ફ્રી હશે.
સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ
એમેઝોનના પ્લાન્સ અનેક છે. પહેલો પ્લાન ₹299નો છે, જે એક મહિના માટે છે. ત્રણ મહિના માટેનો પ્લાન ₹599નો છે અને એક વર્ષ માટે ₹1,499નો છે. આ ઉપરાંત બજેટ ફ્રેન્ડલી પ્લાન પણ છે, જેમાં એક જ ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે. આ પ્લાન એક વર્ષ માટે ₹799નો છે. તેમજ શોપિંગ એડિશન માટે આ પ્લાન ₹399નો છે, જે ફક્ત શોપિંગ માટે છે.