Get The App

હાર્ટ પેશન્ટ માટે નવી ટૅક્નોલૉજી: હાર્ટ ફેલ થતાં આર્ટિફિશિયલ હાર્ટ બચાવી શકશે જીવન

Updated: Mar 12th, 2025


Google News
Google News
હાર્ટ પેશન્ટ માટે નવી ટૅક્નોલૉજી: હાર્ટ ફેલ થતાં આર્ટિફિશિયલ હાર્ટ બચાવી શકશે જીવન 1 - image


Artificial Heart Can Save Life: રિસર્ચ કરનારાઓને હાલમાં એક ખૂબ જ અદ્ભૂત સફળતા મળી છે. એક વ્યક્તિનું હાર્ટ ફેઇલ થઈ ગયું હતું, અને રિસર્ચરોએ તેને આર્ટિફિશિયલ ટાઇટેનિયમથી બનાવેલું હાર્ટ લગાવ્યું, જેનાથી તે વ્યક્તિને નવું જીવન મળ્યું છે. આ વ્યક્તિની ઉંમર 40 વર્ષથી વધુ છે, અને તેને હાર્ટ ડોનર મળે ત્યાં સુધી તેના માટે આર્ટિફિશિયલ હાર્ટ લગાવવામાં આવ્યું હતું. આ હાર્ટ 100થી વધુ દિવસ સુધી કાર્યરત રહ્યું, અને એ દરમિયાન તે વ્યક્તિ એકદમ સાજો હતો.

અમેરિકા-ઓસ્ટ્રેલિયાની કંપનીએ બનાવ્યું આર્ટિફિશિયલ હાર્ટ BiVACOR નામની અમેરિકન-ઓસ્ટ્રેલિયાની કંપની દ્વારા આ હાર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાનો આ નાગરિક પહેલો વ્યક્તિ છે, જે આર્ટિફિશિયલ હાર્ટ સાથે હૉસ્પિટલની બહાર જીવન વિતાવી શક્યો હતો. તે પહેલો એવો દર્દી છે, જેના આર્ટિફિશિયલ હાર્ટ અને ડોનર હાર્ટના ટ્રાન્સપ્લાન્ટ માટે આટલા દિવસ લાગ્યા હતા. સિડનીની વિન્સેન્ટ હૉસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કાર્ડિયોલોજિસ્ટ અને આ રિસર્ચના નેતૃત્વ કરનાર પ્રોફેસર ક્રિસ હેવર્ડ કહે છે, ‘આ પ્રોજેક્ટ માત્ર ઓસ્ટ્રેલિયાના નહીં પરંતુ સમગ્ર દુનિયાના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં નવો મકામ સ્થાપિત કરશે.’

આર્ટિફિશિયલ હાર્ટ કેવી રીતે કામ કરે છે?

ક્વીન્સલેન્ડમાં જન્મેલા ડૉક્ટર ડેનિયલ ટિમ્સે ટોટલ આર્ટિફિશિયલ હાર્ટ (TAH)ની શોધ કરી છે. આ હાર્ટ વિશ્વનું પ્રથમ એવું રોટરી બ્લડ પંપ છે, જેને ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. આ હાર્ટ માનવ હાર્ટને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે અને રિપ્લેસમેન્ટ તરીકે કાર્યરત રહી શકે છે. BiVACOR દ્વારા વિકસિત આ હાર્ટમાં માત્ર એક જ મોટર છે, જેને ચુંબકની મદદથી ચિપ્રિત કરવામાં આવ્યું છે, જેથી તે હવામાં સ્થિર રહી શકશે અને બ્લડનું સરક્યુલેશન સુનિશ્ચિત કરશે. આ હાર્ટ ટાઇટેનિયમથી બનાવવામાં આવ્યું છે અને તેમાં કોઈપણ વાલ્વ અથવા મિકેનિકલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે તેને વધુ ટકાઉ અને લાંબા સમય સુધી કાર્યરત બનાવે છે.

આ હાર્ટ શારીરિક હાર્ટના બે પમ્પિંગ ચેમ્બરને પણ બદલી શકે છે. આ આર્ટિફિશિયલ હાર્ટ લાગુ કરનારા વ્યક્તિને આનો કોઈ અહેસાસ પણ ન થયો. તે સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યો હતો, ખરીદી માટે શોપિંગ જતો હતો, અને રોજિંદા જીવનની ક્રિયાઓમાં ભાગ લેતો હતો. ડેનિયલ ટિમ્સ કહે છે, ‘તે મારી સાથે કહેતો હતો કે આપણે એક દિવસ ડ્રિંક કરવા જવું જોઈએ.’ તેણે આ ટૅક્નોલૉજી માટે હિમ્મત દાખવી, જેનું મુખ્ય કારણ આ હતું કે, જો આ સફળ થશે તો ઘણા દર્દીઓમાં આ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરી શકાશે.

ટીનેજરમાં પણ બેસાડી શકાય છે આર્ટિફિશિયલ હાર્ટ

આ ડિવાઇસ એટલી નાની છે કે બાર વર્ષના બાળકમાં પણ તેને ઇન્સ્ટોલ કરી શકાય છે. આ આર્ટિફિશિયલ હાર્ટનું વજન ફક્ત 650 ગ્રામ છે. તે એક્સટર્નલ રિચાર્જેબલ બેટરીથી કાર્યરત રહે છે, અને તેને પેશન્ટની છાતી પર લગાવેલી વાયર દ્વારા ચાર્જ કરવામાં આવે છે. આ બેટરી ચાર કલાક ચાલે છે અને બેટરી ખૂટી જતાં પહેલા પેશન્ટને ઍલર્ટ મોકલે છે, જેથી બેટરીને ફરી ચાર્જ કરી શકાય. આ હાર્ટને FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા પણ ટેસ્ટ કરવામાં આવ્યું છે.

હાર્ટ પેશન્ટ માટે નવી ટૅક્નોલૉજી: હાર્ટ ફેલ થતાં આર્ટિફિશિયલ હાર્ટ બચાવી શકશે જીવન 2 - image
પ્રોફેસર ડેનિયલ ટિમ્સ

આ હાર્ટને કેમ ગેમ ચેન્જર માનવામાં આવે છે?

હાર્ટની બીમારી દુનિયાની સૌથી મોટી બીમારી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા મુજબ, દર વર્ષે દુનિયામાં 18 મિલિયન લોકોના પ્રાણ હાર્ટની બીમારીને કારણે જતા રહે છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી લોકોના પ્રાણ બચી શકે છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ છે કે, નવા હાર્ટ એટલે કે ડોનરની જરૂર પડે છે. આ માટે યોગ્ય ડોનર મળવો અત્યંત મુશ્કેલ છે, અને હજારો લોકોમાં માત્ર થોડાકને તે માટે આશા મળે છે. ઓસ્ટ્રેલિયન સરકારના આંકડા મુજબ હાર્ટ ફેલ થવાના કેસમાં વધારો થયો છે. હવે દર વર્ષે દુનિયાભરમાં 23 મિલિયન લોકોના જીવ એના કારણે જાય છે, જે અગાઉ 18 મિલિયન હતા. આ આંકડાની સામે, ફક્ત 6000 દર્દીઓને જ હાર્ટ ડોનર મળે છે.

જોકે, BiVACOR આર્ટિફિશિયલ હાર્ટના કારણે દર્દીઓ માટે હવે નવી આશાની કિરણ પ્રગટ થઈ છે. તેઓ હવે માનવ હાર્ટ પર નિર્ભર રહેવા કરતા આ હાર્ટની મદદથી પણ જીવી શકે છે. ઓસ્ટ્રેલિયાની એક વ્યક્તિની છ કલાક ચાલેલી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ડૉક્ટર પોલ જેન્ઝ કહે છે, ‘આ એક ગેમ ચેન્જર છે. હાર્ટને લઈને જે સમસ્યાઓ હતી એ હવે આ ટૅક્નોલૉજી દ્વારા હલ થઈ શકે છે.’ પ્રોફેસર ક્રિસ હેવર્ડ કહે છે, ‘આગામી દાયકામાં આ આર્ટિફિશિયલ હાર્ટ માનવ હાર્ટને બદલી શકે તેમ છે. જે દર્દીઓને તાત્કાલિક હાર્ટની જરૂર હોય અને હાર્ટની રાહ જોવી શક્ય ન હોય તેમને માટે આ હાર્ટ જીવનદાન સમાન સાબિત થઈ શકે છે.’

અત્યાર સુધીની સિદ્ધિઓ 

દુનિયાભરમાં અત્યાર સુધી ફક્ત છ આર્ટિફિશિયલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. છેલ્લા વર્ષમાં આ પૈકીના પાંચ ઓપરેશન અમેરિકામાં કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પહેલાં ડોનર મળ્યા હતા. અગાઉના રૅકોર્ડ મુજબ, સૌથી વધુ સમય માટે આર્ટિફિશિયલ હાર્ટ સાથે જીવતો દર્દી માત્ર 27 દિવસ માટે રહ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાની આ વ્યક્તિ 100થી વધુ દિવસ આ હાર્ટ પર નિર્ભર રહીને જીવી શક્યો હતો.

આ પણ વાંચો: આત્મનિર્ભર બનવાની કોશિશ કરી રહ્યું છે મેટા: NVIDIAની ચિપની જગ્યાએ હવે પોતે બનાવી રહી છે ક્સટમ ચિપ

આ ટૅક્નોલૉજીનું ભવિષ્ય શું છે?

આટલું વલણ પ્રાથમિક છે. મેલબોર્નની મોનેશ યુનિવર્સિટીના આર્ટિફિશિયલ હાર્ટ ફ્રોન્ટિયર પ્રોગ્રામ હેઠળ આ પહેલો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની સરકારે મેડિકસ રિસર્ચ ફંડમાંથી આ પ્રોજેક્ટ માટે 50 મિલિયન અમેરિકન ડૉલરની ગ્રાન્ટ આપી હતી, જેમાંથી 17.5 મિલિયન ફક્ત BiVACOR ટ્રાયલ માટેના છે.

આ રિસર્ચમાં વધુ બે નવા ડિવાઇસ પર પણ કામ ચાલી રહ્યું છે, જે માનવ જીવન બચાવવા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના હેલ્થ મિનિસ્ટર માર્ક બટલરે આ ફંડિંગની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે આ નવી ટૅક્નોલૉજી હાર્ટ ફેલ થવાની સમસ્યા હલ કરવા ઉપરાંત, મેડિકલ ડિવાઇઝ મેન્યુફેક્ચરિંગમાં ઓસ્ટ્રેલિયાને વૈશ્વિક સ્તરે આગેવાન બનાવશે.

Tags :
Human-HeartArtificial-HeartAustraliaMedical-ResearchNew-TechnologySave-LifeHeart-FailBiVACOR

Google News
Google News