ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ બનાવ્યું બાયોકોમ્પ્યુટર: સાયન્સ, મેડિસિન્સ અને AI માટે બની શકે છે ગેમચેન્જર
Human Cells in BioComputer: ઓસ્ટ્રેલિયાની એક કંપની દ્વારા દુનિયાનું પહેલું બાયોકોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં સિલિકોનની સાથે હ્યુમન સેલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બાયોટેકનોલોજી માટે આ ખૂબ જ મોટી વાત છે. ઓસ્ટ્રેલિયાની કંપની કોર્ટિકલ લેબ્સ દ્વારા દુનિયાનું પહેલું બાયોકોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ CL1 રાખવામાં આવ્યું છે. સિલિકોન હાર્ડવેરની સાથે હ્યુમન બ્રેઇન સેલ હોવાથી અદ્ભુત ન્યુરલ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.
આ સિસ્ટમને બાર્સીલોનામાં લોન્ચ કરવામાં આવી છે. કોર્ટિકલ લેબ્સ દ્વારા આ ટેક્નોલોજીને સિન્થેટિક બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ નામ આપવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે AI કરતાં પણ આ ટેક્નોલોજી વધુ સસ્ટેનેબલ છે અને ઓછી એનર્જીનો ઉપયોગ કરે છે. તેમ જ AI કરતાં વધુ સારી રીતે વસ્તુને સમજી વિચારી શકે છે. ચેટજીપીટી જેવા લાર્જ લેન્ગવેજ મોડલ કરતાં આ ટેક્નોલોજી વધુ સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વર્ષોના રિસર્ચ પરથી બનાવવામાં આવી ટેક્નોલોજી
કોર્ટિકલ લેબ્સના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ડોક્ટર હોન વેન્ગ ચોન્ગ આ વિશે કહે છે, ‘છ વર્ષથી કોર્ટિકલ લેબ્સ જે વિઝન જોઈ રહ્યું હતું, એને આ કોમ્પ્યુટરના દ્વારા પૂરું કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ઘણાં ક્રિટિકલ સિદ્ધિઓ મેળવી છે, અને લઈને અમે ખુબ જ ખુશ છીએ. ખાસ કરીને જર્નલ ન્યુરલમાં અમે જે રિસર્ચ કર્યું છે, એમાં ગેમની દુનિયામાં એ કેવી રીતે ફંક્શન કરે છે, એ શોધવામાં આવ્યું હતું. અમારું લાંબા ગાળાનું મિશન છે કે અમારી ટેક્નોલોજી કોઈ પણ વધુ પડતાં હાર્ડવેર અથવા તો સોફ્ટવેર વગર કોઈ પણ રિસર્ચર અથવા તો કંપની ઉપયોગ કરી શકે. CL1 આ મિશનનો જ એક ભાગ છે.’
ક્લાઉડ આધારિત સર્વિસ
CL1નો સૌથી મોટો ફાયદો એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે એ છે. કોર્ટિકલ લેબ્સ દ્વારા આ બાયોકોમ્પ્યુટરને ફિઝિકલ અને ક્લાઉડ આધારિત સર્વિસ એમ બન્ને રીતે વેચવામાં આવી રહ્યું છે. ક્લાઉડ આધારિત સર્વિસને કારણે કંપનીઓ સિન્થેટિક બાયોલોજિકલ ઇન્ટેલિજન્સને દુનિયાના કોઈ પણ ખૂણે બાયોકોમ્પ્યુટિંગ સેટઅપ વિના પણ ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે.
સાયન્સ, મેડિસિન અને AI માટે ગેમચેન્જર
CL1નો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવી શકે છે. કોઈ નવા ડ્રગ એટલે કે મેડિસિનની શોધ કરવાથી લઈને ક્લિનિકલ ટેસ્ટિંગ અને રોબોટિક ઇન્ટેલિજન્સ વગેરે માટે આ બાયોકોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાય છે. 2022માં કોર્ટિકલ લેબ્સ દ્વારા એક સેલ્ફ-અડોપ્ટિંગ ન્યુરલ નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. એમાં 8 લાખ હ્યુમન અને ઉંદરના ન્યુરન્સનો ઉપયોગ પોન્ગ રમવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારથી કંપની સતત તેમની ટેક્નોલોજીમાં નવી-નવી શોધ કરી રહી છે. કોર્ટિકલ લેબ્સના ચીફ સાયન્ટિફિક ઓફિસર બ્રેટ કેગન કહે છે, ‘અમે એને જીવનના એક અલગ પાંસા તરીકે જોઈએ છીએ. ઇન્ટેલિજન્સ પ્રત્યે આ એક મિકેનિકલ અને એન્જિયરીંગ એપ્રોચ છે. અમે બાયોલોજિકલ ન્યુરન્સ અને ઇન્ટેલિજન્સને ભેગા કરીને એનો ઉપયોગ અલગ રીતે કરી રહ્યા છીએ.’
AI અને બાયોલોજિકલ કોમ્પ્યુટિંગ
CL1 સિસ્ટમનો આધાર લેબમાં બનાવવામાં આવેલા ન્યુરોન્સ પર નિર્ભર કરે છે. આ ન્યુરોન્સના નેટવર્કના સ્ટ્રક્ચરમાં 59 ઇલેક્ટ્રોડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ન્યુરલ સિસ્ટમને રિયલ ટાઇમમાં એક્ટિવેટ અને કન્ટ્રોલ કરે છે. સિન્થેટિક બાયોલોજિકલ ઇન્ટેલિજન્સને ખૂબ જ કોમ્પેક્ટ અને લાઇફ-સપોર્ટ યુનિટ બનાવવામાં આવ્યું છે. એને એડ્વાન્સ સોફ્ટવેર ઇન્ટરફેસ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. અનિમ વેવ્સ માટેની ફિલ્ટરેશન સિસ્ટમ, મીડિયા સ્ટોરેજ સિસ્ટમ, સર્ક્યુલેશન પમ્પ, ગેસ મિક્સિંગ અને ટેમ્પરેચર કન્ટ્રોલ ફીચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કંપની હાલમાં CL1નું એક નેટવર્ક યુનિટ બનાવવાની યોજના બનાવી રહી છે. એમાં 30 બાયોકોમ્પ્યુટરના યુનિટનો સમાવેશ કરવામાં આવ્યો છે. દુનિયાનું આ પહેલું બાયોકોમ્પ્યુટર સર્વર હશે. આગામી થોડા મહિનામાં આ સિસ્ટમ ઓનલાઇન થઈ જશે. આ સર્વરના ચાર સ્ટેક ફક્ત કમર્શિયલ ઉપયોગ માટે રાખવામાં આવશે. એક CL1 યુનિટ પાછળ 35000 અમેરિકન ડોલરનો ખર્ચ થાય છે.
આ પણ વાંચો: આઇપેડ એર બાદ મેકબૂક એર લોન્ચ કર્યું એપલે: ₹99,900થી શરૂ થાય છે કિંમત
બીમારીનું રિસર્ચ અને મેડિસિન ડેવલપમેન્ટ
CL1ની સૌથી અદ્ભુત એપ્લિકેશન મેડિકલ રિસર્ચ છે. ખાસ કરીને ન્યુરોલોજિકલ બીમારી જેવી કે એલિપ્સી અને અલઝાઇમર જેવી બીમારી માટે રિસર્ચ કરવા માટે ઉત્તમ છે. મનુષ્યના દિમાગની અંદર જે પણ ચાલી રહ્યું હોય, એની તમામ માહિતી આ કોમ્પ્યુટર આપી શકે છે. એના કારણે કઈ બીમારી માટે કયું ડ્રગ બનાવવું એ માટે સચોટ માહિતી મળી શકે છે. આ બાયોકોમ્પ્યુટરની મદદથી કોઈ પણ દવાની ટેસ્ટિંગ પહેલાં એ ખૂબ જ ચોક્કસ હોય અને અસરકારક હોય એનું ધ્યાન રાખી શકાશે. આથી ક્લિનિકલ ટેસ્ટ દરમ્યાન પ્રાણીઓ પર ઓછું નિર્ભર રહેવામાં આવશે.