આજથી 43 વર્ષ પહેલાં દુનિયાનું પહેલું ATM મૂકાયું હતું, ભારતમાં જન્મેલા એક વિદેશીએ તેની શોધ કરી હતી
First ATM Launched In USA: પહેલાંના સમયમાં લોકોને બૅન્કમાંથી રૂપિયા ઉપાડવા માટે કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ એટીએમ આવ્યા બાદ બૅન્કોમાં લાઇનો ઘટી અને કામકાજ સરળ બન્યા હતા. એટીએમ આવ્યું ત્યારથી જરૂરિયાતના સમયે ક્યારેય પણ ડેબિટ-એટીએમ કાર્ડનો ઉપયોગ કરી એટીએમ(ઓટોમેટેડ ટેલર મશીન)માંથી રોકડ ઉપાડવા સક્ષમ બન્યા છીએ. આવો જાણીએ કે, દુનિયામાં એટીએમની શરુઆત કેવી રીતે થઈ?
બ્રિટિશ મૂળના વ્યક્તિએ એટીએમની શોધ કરી
ભારતમાં જન્મેલા બ્રિટિશ મૂળના શેફર્ડ બેરેને એટીએમની શોધ કરી હતી. એક વખત તે બૅન્કમાંથી રોકડ ઉપાડવા ગયા અને ત્યાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવુ પડ્યું. જેનાથી પરેશાન થઈને તેઓ કંઈક અલગ કરવાનું વિચારી રહ્યા હતા, ત્યાં જ તેમને ચોકલેટની વેન્ડિંગ મશીન દેખાઈ. જેને જોઈને વિચાર આવ્યો કે, જ્યારે મશીન ચોકલેટ આપી શકે છે, તો પૈસા કેમ નહીં.
ત્યારબાદ બેરેને સંશોધન શરુ કર્યા અને એટીએમનો આવિષ્કાર કર્યો. એટીએમની શરુઆત આજથી આશરે 43 વર્ષ પહેલાં થઈ હતી. અમેરિકામાં વિશ્વનું પ્રથમ કાર્ડ આધારિત એટીએમ 2 સપ્ટેમ્બર, 1969માં લગાવવામાં આવ્યું હતું. આ એટીએમ ન્યૂયોર્કના રોકવિલે સેન્ટરના કેમિકલ બૅન્કમાં શરુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ નૈરોબીના આ કાફેમાં રોબોટ આપે છે ભોજન, ટેક્નોલોજી અને ટ્રેડિશનલ સર્વિસનું અદ્ભુત મિશ્રણ
ભારતમાં પ્રથમ એટીએમ 1987માં
ભારતમાં દેશનું પ્રથમ એટીએમ 1987માં એચએસબીસી બૅન્કે લગાવ્યું હતું. એટીએમની સુવિધાને ધ્યાનમાં લેતાં દેશમાં તેનું નેટવર્ક ઝડપથી વધવા લાગ્યું અને આગામી દસ વર્ષમાં દેશમાં એટીએમની સંખ્યા વધી 1500 થઈ. આજના સમયમાં દેશમાં 2.5 લાખથી વધુ એટીએમ છે.
એટીએમની લોકપ્રિયતા વધી
બૅન્ક દ્વારા વિશ્વનું પ્રથમ એટીએમ શરુ કરવાની સાથે પ્રચાર કરવામાં આવ્યો કે, 2 સપ્ટેમ્બરે અમારી બૅન્ક ખુલશે અને ફરી ક્યારેય બંધ થશે નહીં. ત્યારબાદ એટીએમની લોકપ્રિયતા વિશ્વભરમાં વધવા લાગી. આજના સમયમાં એટીએમ વિશ્વભરમાં લોકપ્રિય બની ચૂક્યું છે. જેનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. તે જુદા-જુદા દેશમાં જુદા-જુદા નામે ઓળખાય છે, યુકેમાં તેને કેશ પોઇન્ટ્સ અને ઓસ્ટ્રેલિયામાં મની મશીનના નામથી ઓળખાય છે.
એટીએમ પણ એડવાન્સ બન્યા
શરુઆતમાં એટીએમમાં ડેબિટ કાર્ડ નંબર, પાસવર્ડ, ઓટીપીની મદદથી રોકડ ઉપાડ શક્ય હતો. પરંતુ ધીમે ધીમે ઇનોવેશન સાથે આજે રોકડ ઉપાડની સાથે જમા કરાવવી, એકાઉન્ટ અપડેટ્સ, કેવાયસી પ્રક્રિયા સહિતના વિવિધ બૅન્કિંગ કામો એટીએમમાં શક્ય બન્યા છે. જેથી હવે બૅન્કમાં ધક્કા ખાવાની જરૂરિયાત લગભગ નહીંવત બની છે.