3 જાન્યુઆરીએ સવારે 6:08 વાગે પૃથ્વી સૂર્યથી સૌથી નજીક હોવાની અદભુત ઘટના બની

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
3 જાન્યુઆરીએ સવારે 6:08 વાગે પૃથ્વી સૂર્યથી સૌથી નજીક હોવાની અદભુત ઘટના બની 1 - image


- સમગ્ર પૃથ્વીવાસીઓ માટે પેરીહેલિયન ડે ગણાય છે

- પૃથ્વી  તેની ધરી પર 23.5 ડિગ્રીએ ઝૂકેલી અવસ્થામાં રહીને લંબગોળ ભ્રમણકક્ષામાં રહીને તેના પિતૃ તારા સૂર્યની પ્રદક્ષિણા કરે છે

મુંબઇ : ૨૦૨૪ની ૩,જાન્યુઆરીનો દિવસ સમગ્ર પૃથ્વીવાસીઓ માટે  પેરીહેલિયનડે ગણાય છે. પેરીહેલિયન ડે એટલે કે આજના  દિવસે  પૃથ્વી તેના પિતૃ તારા સૂર્યથી સૌથી નજીકના અંતરે હશે.પૃથ્વી તેની ધરી પર ૨૩.૫ ડિગ્રીએ ઝૂકેલી અવસ્થામાં રંહીને  ગોળ ગોળ ફરતી ફરતી તેના પિતૃ તારા સૂર્યનારાયણની પણ ગોળ ગોળ પ્રદક્ષિણા કરતી રહે છે.

પૃથ્વી તેની ભ્રમણકક્ષામાં ફરતી ફરતી સૂર્યથી સૌથી નજીકના અંતરે આવે ત્યારે તે સ્થિતિને ખગોળ શાસ્ત્રની ભાષામાં પેરીહેલિયન કહેવાય છે. 

આજે ૨૦૨૪ની ૩,જાન્યુઆરીએ સવારે ૬ :૦૮ વાગે (મુંબઇના સમય મુજબ)પૃથ્વી સૂર્યથી ૧૪૭,૧૦૦,૬૩૨ કિલોમીટરના સૌથી નજીકના અંતરે હતી. આ જ રીતે પૃથ્વી તેની ભ્રમણકક્ષામાં ફરતી ફરતી સૂર્યથી સૌથી દૂરના અંતરે જાય ત્યારે તે સ્થિતિને ખગોળશાસ્ત્રની ભાષામાં એેફિલિયન કહેવાય છે.હવે પૃથ્વી ૨૦૨૪ની ૫,જુલાઇએ સવારે ૧૦:૩૬ વાગ ે(મુંબઇના સમય મુજબ) સૂર્યથી સૌથી દૂરના એટલે કે ૧૫૨,૦૯૯,૯૬૮ કિલોમીટરના અંતરે હશે.

પેરીહેલિયન મૂળ ગ્રીક શબ્દ છે.ગ્રીક ભાષામાં પેરી એટલે નજીક અને હેલિયોસ એટલે સૂર્ય.આ જ રીતે એફેલિયન એટલે એવું બિંદુ જ્યાં કોઇપણ આકાશીપીંડ તેની ભ્રમણ કક્ષામાં ફરતો ફરતો સૂરજથી સૌથી દૂરના અંતરે જાય.

વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ડો.જે.જે.રાવલે તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસના આધારે ગુજરાત સમાચારને કહ્યું હતું કે પૃથ્વી ખરેખર તો સૂર્ય ફરતે સંપૂર્ણ ગોળાકાર નહીં પણ દીર્ઘગોળાકાર ભ્રમણકક્ષામાં રહીને પ્રદક્ષિણા કરતી રહે છે.હવે પૃથ્વીની આ લંબગોળાકાર ભ્રમણ કક્ષામાં બે બિંદુઓ હોય. પેરિહેલિયન વખતે આમાંનું એક બિંદુ સૂર્યથી સૌથી નજીક  હોય જ્યારે એક બિંદુ સૂર્યથી સૌથી દૂરના અંતરે હોય.

બહુ મહત્વનો અને આશ્ચર્યનો મુદ્દો તો એ છે કે આજે પૃથ્વી સૂર્યથી સૌથી નજીકના અંતરે(પેરીહેલિયન) હોવા છતાં  ગરમીને બદલે ઠંડી  એટલે કે શિયાળો હોય છે. રહસ્ય એ છે કે પૃથ્વી તેની ધરી પર ૨૩.૫ ડિગ્રીએ ઝૂકેલી અવસ્થામાં રહીને ગોળ ગોળ ફરતી રહે છે.આ પરિસ્થિતિમાં પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂરજથી દૂર  રહે. પરિણામે  ઉત્તર ગોળાર્ધમાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડવાથી તેનાં કિરણોનું  તેજ ઘણું ઘણું ઘટી જાય અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય.જ્યારે   દક્ષિણ ગોળાર્ધ સૂર્યથી  નજીક હોવાથી તેનાં કિરણો સીધાં પડવાથી ત્યાં ઉનાળો હોય.

 આ જ રીતે પૃથ્વી ફરતી ફરતી સૂર્યથી સૌથી દૂરના અંતરે (એફિલિયન) જાય ત્યારે તેનો ઉત્તર ગોળાર્ધ  નજીક રહે.એટલે સૂરજનાં તેજ  કિરણો સીધાં પડવાથી ત્યાં ઉનાળો હોય, જ્યારે દક્ષિણ ગોળાર્ધ દૂર રહેવાથી સૂર્યનાં કિરણો ત્રાંસાં પડવાથી ત્યાં શિયાળો-ઠંડી-હોય.    

 બીજું મહત્વનું રહસ્ય એ છે કે પેરીહેલિયન દર વર્ષે એક જ દિવસે કે એક જ તારીખે ન આવે. દર વર્ષે જુદો દિવસ અને જુદી તારીખ હોય.  સામાન્ય રીતે  પેરીહેલિયનની સ્થિતિ ૨૧,ડિસેમ્બર (આ દિવસે પૃથ્વી પરનો દિવસ સૌથી ટૂંકો હોય) નાં બે સપ્તાહ બાદ સર્જાઇ  છે.

હવે ૨૦૨૫ની ૪,જાન્યુઆરીએ પૃથ્વીની પેરીહેલિયન  સ્થિતિ હશે અને ૪,જુલાઇએ એફિલિયન હશે. ૨૦૨૬ની ૩,જાન્યુઆરીએ પેરીહેલિયન અને ૬,જુલાઇએ અફિલિયન હશે. જોકે ૨૦૨૮માં ૫,જાન્યુઆરીએ પેરીહેલિયન હશે જ્યારે ૪,જુલાઇએ અફિલિયન હશે.


Google NewsGoogle News