ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષયાત્રી થઈ રહ્યા છે બીમાર, કારણ જાણી તમે પણ ચોંકી જશો...
Astronauts falling Sick: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષયાત્રીઓ જાય ત્યારે બીમાર થવું સામાન્ય થઈ ગયું છે. આ લોકોને વિવિધ પ્રકારની બીમારીઓ પણ થઈ રહી છે. જેમ કે, ચામડી લાલ થવાથી લઈને વિચિત્ર એલર્જી સુધીની ઘણી મુશ્કેલીઓનો તેઓ સામનો કરી રહ્યા છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે અંતરિક્ષમાં આવેલી લેબોરેટરીમાં પૂરતાં પ્રમાણમાં કિટાણુઓ ન હોવાના કારણે તેઓ બીમાર થઈ રહ્યા છે. પૃથ્વી પર માટી અને પાણીમાં કેટલાક બેક્ટેરિયા જોવા મળે છે. જોકે અંતરિક્ષમાં તે ન હોવાથી તકલીફ થઈ રહી છે. અંતરિક્ષ વધુ પડતું સ્વચ્છ હોવાથી તેમનામાં બીમારી જોવા મળી રહી છે. સ્વસ્થ રહેવા માટે કેટલાક બેક્ટેરિયાની પણ જરૂર પડે છે, જે અંતરિક્ષમાં જોવા મળતાં નથી.
બેક્ટેરિયાની અછત
મનુષ્યમાં અથવા તેમના શરીર પર રહેલા બેક્ટેરિયા સામાન્ય રીતે તેમની સાથે અંતરિક્ષમાં પણ ટ્રાવેલ કરે છે. જો કે પૃથ્વી પર માટી, પાણી, અને વિવિધ વસ્તુઓમાં રહેલા માઇક્રોબ્સ, એટલે કે અન્ય બેક્ટેરિયા, અંતરિક્ષમાં જોવા મળતાં નથી. આથી, આ બેક્ટેરિયાઓનું બેલેન્સ ન જળવાઈ રહેતાં મનુષ્યના શરીર પર તેની પ્રતિક્રિયા સ્વરૂપ અસર જોવા મળે છે. વધુ પડતી સાફસુથરી જગ્યાએ પણ મનુષ્યને બીમારી થઈ શકે છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે થોડા બેક્ટેરિયાને અંતરિક્ષમાં લઈને જવાય તો આરોગ્ય પર તેની સકારાત્મક અસર પડી શકે છે.
બંધ વાતાવરણને કારણે થતી બીમારી
યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના સેન ડિએગોમાં આવેલી માઇક્રોબાયોમ ઇનોવેશન સેન્ટરના પ્રોફેસર રોબ નાઇટ જણાવે છે કે પૃથ્વી પર ખુલ્લા વાતાવરણથી જે રીતે મનુષ્યને ફાયદો થાય છે તે અંતરિક્ષમાં બંધ વાતાવરણથી શક્ય નથી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બધું બંધ હોવાથી આરોગ્યપ્રદ માઇક્રોબ્સ જોવા મળતા નથી. છેલ્લા 25 વર્ષમાં 280 જેટલા અંતરિક્ષયાત્રીઓ અંતરિક્ષમાં ગયા છે. તેથી, તેમની સ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે અને મર્યાદિત બેક્ટેરિયાને અંતરિક્ષમાં કેવી રીતે મોકલવા તે અંગે ચર્ચા ચાલી રહી છે.
કેવી રીતે શક્ય છે?
રિસર્ચ ટીમના મતે પૃથ્વી પરના ઘરોની તુલનામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વધુ બંધ હોય છે. સ્ટેશનમાં જે બેક્ટેરિયા મળી આવે છે તે સીધા ઇમ્યુન સિસ્ટમને અસર કરે છે. અંતરિક્ષયાત્રીઓ અને માઇક્રોબાયોલોજિસ્ટ કેથલીન રુબિન્સ તેમજ અન્ય ક્રૂ મેમ્બર્સ દ્વારા અત્યાર સુધી 700થી વધુ વિવિધ જગ્યાઓમાંથી સ્પેસ સ્ટેશનના બેક્ટેરિયાના નમૂના લેવામાં આવ્યા છે. મોટાભાગના બેક્ટેરિયા માનવ શરીર પર રહેલા જોવા મળ્યા છે.
આ પણ વાંચો: એપલની WWDC 9 જૂને શરૂ થશે, શું નવું જોવા મળશે?
રહેવાની વ્યવસ્થાને કારણે થતી ચામડીની બીમારી
કેથલીન રુબિન્સના જણાવ્યા અનુસાર સ્પેસ સ્ટેશનમાં રહેવાની શરતોને કારણે અંતરિક્ષયાત્રીઓને ચામડી સંબંધિત બીમારીઓ થઈ રહી છે. તેમજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સ્નાન માટે પૂરતું પાણી ઉપલબ્ધ નથી. તેઓ પાણીનો ખૂબ ઓછો ઉપયોગ કરે છે અને કપડાં ધોવાના યંત્રોની ગેરહાજરીને કારણે બે અઠવાડિયા સુધી એક જ કપડાં પહેરી રાખે છે. રહેવાની આ વ્યવસ્થાને કારણે તેમના આરોગ્ય પર વધુ અસર થાય છે.