પાણી પર તરતી 'વીજળી': એશિયાના સૌથી મોટા ફ્લૉટિંગ સોલરપાવર પ્લાન્ટનું સફળ ટ્રાયલ
Image Twitter |
Asia s largest floating solar power plant project MP : મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલા ઓમકારેશ્વર ડેમના બેકવોટરમાં એશિયાનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પેનલ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. અહીં પાણી પર તરતા સોલાર પાવર પ્લાન્ટની પાવર લાઈનનું ટ્રાયલ ગુરુવારે પૂર્ણ થયું હતું. તે પછી અહીં સ્થિત 100 મેગાવોટ ક્ષમતાનું પ્રથમ ફ્લોટિંગ ટ્રાન્સફોર્મર ચાર્જ થયા પછી યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કર્યું છે. સફળ ટ્રાયલ પછી કેલવાખુર્દ ગામ પાસે બેકવોટરમાં આવેલ એમ્પ કંપનીના પાવર પ્લાન્ટ સુધી સફળતાથી વીજ પુરવઠો સપ્લાય પહોંચી ગયો છે.
આગામી બે-ત્રણ દિવસમાં જ લગભગ 50 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ જશે
તાજેતરમાં માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે એમ્પ કંપનીના પ્લાન્ટમાં અન્ય ઉપકરણોના પણ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે. તે પછી પહેલા તબક્કામાં આગામી બે-ત્રણ દિવસમાં જ લગભગ 50 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે અહીંથી ખંડવા જિલ્લાના છૈગાંવ માખન ગ્રીડ સુધી વીજળીનો સપ્લાઈ કરવામાં આવે છે. આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી MPPMCL દ્વારા રાજ્યમાં જ્યાં પણ તેની જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચાડવામાં આવશે.
ત્રીજું ટ્રાન્સફોર્મર પણ લગાવવામાં આવી રહ્યું છે
આ વિશાળ ફ્લોટિંગ સોલાર પેનલ પ્રોજેક્ટના એન્જિનિયરોના જણાવ્યા પ્રમાણે પહેલા ટ્રાન્સફોર્મરનું ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજા ટ્રાન્સફોર્મરની ટેસ્ટિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, એટલે હવે આગામી દિવસોમાં તેને ચાર્જ કરવામાં આવશે. આ સાથે જ અહીં પ્રોજેક્ટ સંબંધિત ત્રીજું ટ્રાન્સફોર્મર પણ લગાવવામાં આવી રહ્યું છે, જે પણ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યાર પછી રાજ્યને સૌર ઉર્જાથી વીજળી મળવાનું શરૂ થઈ જશે.
આગામી અઠવાડિયાથી ઉત્પાદન શરૂ થવાની સંભાવના
ખંડવાના અધિક કલેક્ટર કાશીરામ બડોલે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, પાણી પર એશિયાના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. કુલ 100 મેગાવોટ પાવરનું ઉત્પાદન કરવાનો ઉદ્દેશ્ય છે. આશા છે કે તે આવતા અઠવાડિયાથી શરુ થાય તેવી શક્યતા છે. શરુઆતના ટેસ્ટિંગમાં 50 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે.