આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નૈયા પાર કરશે કે ડૂબાડશે, જાણો ફાયદા અને ગેરફાયદા

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Artificial Intelligence
all Image freepic

Artificial Intelligence : છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ટેકનોલોજીની દુનિયામાં અત્ર-તત્ર-સર્વત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છવાઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં એના સારા-નરસા પાસાંની ચર્ચા થાય છે. તો ચાલો જાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ‘એ ટુ ઝેડ’. 

શું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? 

સાવ સાદી ભાષામાં કહીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એટલે ‘કૃત્રિમ બુદ્ધિ’. એવી બુદ્ધિ જે કમ્પ્યુટર સંચાલિત છે અને સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર પડે એવી બૌદ્ધિક પ્રક્રિયાઓ (જેમ કે, તર્ક કરવાની ક્ષમતા) કરીને એને સોંપવામાં આવેલું ચોક્કસ પ્રકારનું કાર્ય કરી આપે છે. 

એ પોતાના અગાઉના કામના પરિણામોમાંથી શીખે છે, એના આધારે નવા કામ બહેતર ઢંગથી પાર પાડે છે અને નિર્ણયો લેવાની તથા અનુકૂલન સાધવાની ક્ષમતા વિકસાવે છે. AI સિસ્ટમો સરળ નિયમો આધારિત અલ્ગોરિધમ્સથી લઈને જટિલ ન્યુરલ નેટવર્ક જેવી ઘણી વિવિધતા પર કામ કરે છે.

આધુનિક ટેક્નોલોજીનો અભિન્ન ભાગ એવી AI ને કારણે ઉદ્યોગો અને રોજિંદા જીવનમાં ક્રાંતિ આવી છે. AI એ માણસમાત્રનું વર્ચ્યુઅલ સહાયક છે, જે એને મળેલી અઢળક માહિતી (ડેટા)ને ‘સમજી’ને ‘નિર્ણય લેવાની આગવી ક્ષમતા’ ધરાવે છે. ઓછા સમયમાં વધુ વિકલ્પો આપીને અને વધુ ઝડપે કામ કરીને એ વપરાશકર્તાનો સમય અને જહેમત બચાવે છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નૈયા પાર કરશે કે ડૂબાડશે, જાણો ફાયદા અને ગેરફાયદા 2 - image

AI એ નાણાંથી લઈને હેલ્થકેર સુધીના અનેક ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે, અને જ્યાં પણ એનો પ્રવેશ થયો છે ત્યાં એણે જે-તે ક્ષેત્રની કાર્યક્ષમતા વધારી છે અને એવા એવા નવીનતમ વિકલ્પો રજૂ કર્યા છે, જે ભૂતકાળમાં અશક્ય ગણાવાયા હતા. એક સાથે ખૂબ બધા ડેટા પર પ્રક્રિયા કરવાની અને ચોકસાઇપૂર્વક કામ કરવાની તેની ક્ષમતાને લીધે વ્યાપારી ક્ષેત્રે અને અંગત વપરાશમાં પણ એ અત્યંત મહત્ત્વપૂર્ણ સહાયક બનીને ઉભર્યું છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નૈયા પાર કરશે કે ડૂબાડશે, જાણો ફાયદા અને ગેરફાયદા 3 - image

AI ના ફાયદા અનેક

1. કામગીરીને સુવ્યવસ્થિત કરે છે   

પુનરાવર્તન પામતી વિગતો અને ડેટા-સઘન હોય તેવા કાર્યોને જાતે જ સમજીને AI કામગીરીને સુવ્યવસ્થિત કરે છે, જેનાથી માનવીય ભૂલોમાં ઘટાડો થાય છે અને ઉત્પાદકતામાં વધારો થાય છે.

2. સમય બચાવે છે

AI થાક્યા વિના ચોવીસ કલાક કામ કરી શકે છે, જે માણસમાત્ર માટે અશક્ય છે. સતત ઉપલબ્ધતા ઉપરાંત પ્રશ્નોના તાત્કાલિક જવાબ આપતું હોવાથી AI સમય બચાવવામાં સિંહફાળો આપે છે.

3. નિષ્પક્ષ નિર્ણય લે છે

કોઈપણ ટેકનિકલ કામ કરતી વખતે માણસના પૂર્વગ્રહો અને સાચી-ખોટી માન્યતાઓ એના નિર્ણયને પ્રભાવિત કરતી હોય છે. AIને આવી મર્યાદા નડતી નથી. વ્યક્તિગત પૂર્વગ્રહોના પ્રભાવમાં આવ્યા વિના AI એને અપાયેલા ડેટા/વિગતોને આધારે નિર્ણયો લે છે. જેમ કે, લોન માટે મંજૂરી આપવી. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નૈયા પાર કરશે કે ડૂબાડશે, જાણો ફાયદા અને ગેરફાયદા 4 - image

4. પુનરાવર્તન પામતા કાર્યોનું ઓટોમેશન કરીને માનવ ઊર્જા બચાવે છે

માણસો માટે કંટાળાજનક ગણાય એવા ડેટા એન્ટ્રી અને ડેટા વિશ્લેષણ જેવા કાર્યો AI થાક્યા કે કંટાળ્યા વિના અને માણસ કરતાં વધુ ઝડપે કરી આપે છે. જેને લીધે માણસો પોતાની ઊર્જા વધુ વ્યૂહાત્મક કાર્યો માટે ખર્ચી શકે છે.

5. ખર્ચ ઘટાડે છે

AI ની સગવડ શરૂઆતમાં મોંઘી પડે છે ખરી, પણ એની એક સાથે એકથી વધુ કાર્ય કરવાની ક્ષમતા અને ઝડપ જેવા હકારાત્મક પાસાંને લીધે લાંબે ગાળે AIની સેવા કિફાયતી સાબિત થાય છે. 

6. ડેટા સંપાદન અને વિશ્લેષણમાં સચોટ પરિણામ આપે છે

ખૂબ બધી માહિતી પર એક સાથે અને ઝડપથી કામ કરવા છતાં AI સચોટ પરિણામ આપે છે, જેને લીધે વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં સરળતા રહે છે અને વ્યવસાય ઝડપથી વિકાસ પામે છે.

AIના આટઆટલા ફાયદા પછી તેના ગેરફાયદા પણ છે

1. AI ખર્ચાળ સગવડ છે

AI ના સંશોધન અને વિકાસમાં નોંધપાત્ર ખર્ચ થતો હોય છે, જેને લીધે નાના વ્યવસાયો (સ્ટાર્ટઅપ્સ)ને એ પરવડી શકે એમ નથી હોતું. 

2. AI બેરોજગારી નોતરે છે

જે કામ માટે અનેક માણસોની જરૂર પડતી હોય એવા કામ એક AI સિસ્ટમ એકલેહાથે કરી નાંખતું હોવાથી AI કામદારોની નોકરી ખાઈ જતું હોય છે. આમ, AI ઓટોમેશન મોટી સંખ્યામાં બેરોજગારોનું સર્જન કરે છે. 

3. ભાવનાત્મક બુદ્ધિનો અભાવ

એ તો દેખીતું છે કે AI માં માનવીય લાગણીઓ અને સર્જનાત્મકતાનો અભાવ હોય, જેને કારણે સામાજિક અને કળાત્મક (આર્ટ) ક્ષેત્રોમાં જે નાવીન્ય અને સહાનુભૂતિ માણસનું મગજ આણી શકતું હોય છે, એ AI કરી શકતું નથી. ઉદાહરણ તરીકે, કુદરતી આપદા વેઠતા માનવ સમુદાયને મદદ કરતી વખતે એક માણસ જે અંતઃસ્ફૂરણા અને અનુકંપા દાખવી શકે, એ AI ન દાખવી શકે. આ AI ની બહુ મોટી મર્યાદા છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નૈયા પાર કરશે કે ડૂબાડશે, જાણો ફાયદા અને ગેરફાયદા 5 - image

4. AI ની કાર્યક્ષમતા સમય જતાં ઘટી શકે

AI સિસ્ટમના અસરકારક વપરાશ માટે એના હાર્ડવેર અને સોફ્ટવેરની મરમ્મત અને અપગ્રેડેશન કરતાં રહેવું પડે છે, અન્યથા એના કામ પર પ્રતિકૂળ અસર પડતી હોય છે. આ મેઇન્ટેનન્સ ખર્ચાળ સાબિત થઈ શકે છે. 

5. AI ની શીખવાની ક્ષમતા મર્યાદિત છે

ગમે એમ તોય AI બનાવટ તો છે માણસના હાથ અને મગજની જ. એટલે એનું અપગ્રેડેશન પણ માણસે જ કરવું પડે, AI આપોઆપ ન કરી શકે. એટલે માણસની દેખરેખ અને તાલીમ વિના AI સિસ્ટમ્સને નવા પડકારોને ઝીલવા અથવા ભૂતકાળની ભૂલોમાંથી જાતે શીખવામાં તકલીફ પડી શકે છે.

6. AI ને નૈતિક પ્રશ્નો નડી શકે છે 

ગોપનીયતા અને AI-સંચાલિત ક્રિયાઓ માટેની જવાબદારી બાબતે નૈતિક પ્રશ્નો ઊભા થઈ શકે છે. જે ન થાય એ માટે AI ને મજબૂત નિયમનકારી માળખું અને નૈતિક માર્ગદર્શિકા પૂરાં પાડવા પડે છે.

AI કયા ક્ષેત્રે કેટલું કારગર?

હેલ્થકેર ક્ષેત્રે

AI અલ્ગોરિધમ દર્દીના લક્ષણો અને મેડિકલ હિસ્ટ્રીને આધારે એને થનારા સંભવિત રોગની વહેલી આગાહી કરી શકે છે, પોતાના ડેટાને આધારે દર્દીની સારવારના પરિણામોમાં સુધારો લાવી શકે છે, અને નિદાનની ભૂલોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

ગ્રાહક સેવા ક્ષેત્રે 

AI દ્વારા સંચાલિત વર્ચ્યુઅલ ચેટબોટ્સ (સહાયકો) ગ્રાહકને તાત્કાલિક સહાય પૂરી પાડે છે, નિયમિતપણે પૂછપરછ હાથ ધરે છે, અને જરૂરિયાત મુજબ જટિલ મુદ્દાઓ માનવ એજન્ટો સામે મૂકી શકે છે, જેને પરિણામે ગ્રાહક સેવા સંબંધિત કાર્યક્ષમતામાં વધારો થાય છે.

ફાઇનાન્સમાં છેતરપિંડી બાબતે

ચોક્કસ પ્રકારની પેટર્નને આધારે AI નાણાકીય વ્યવહારોમાં ગેરરીતી શોધી કાઢે છે, જેને લીધે છેતરપિંડી થાય એ પહેલાં જ હસ્તક્ષેપ કરી શકાય અને નાણાકીય નુકસાન થતું અટકાવી શકાય છે.

અનુમાનિત વિશ્લેષણ કરવા બાબતે

AI મોડલ્સ એને મળેલા ભૂતકાળના ડેટાના આધારે ભવિષ્યના વલણો અને વર્તણૂંકોની આગાહી કરે છે, જે વ્યવસાયિક નિર્ણયો લેવામાં અને વ્યૂહરચનાઓ ઘડવામાં મદદરૂપ થાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નૈયા પાર કરશે કે ડૂબાડશે, જાણો ફાયદા અને ગેરફાયદા 6 - image

AI વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

1. AI થી કયા ઉદ્યોગોને સૌથી વધુ ફાયદો થાય છે?

હેલ્થકેર, ફાઇનાન્સ, રિટેલ અને મેન્યુફેક્ચરિંગ જેવા ઉદ્યોગોમાં AI વ્યાપકપણે અપનાવવામાં આવે છે.

2. માનવ-નોકરીઓનું સ્થાન AI લઈ શકે છે?

હા, જે કામ કરવામાં ઘણાબધા માણસોની જરૂર પડે છે, એ કામ AI એકલપંડે કરી શકે છે. જોકે, AI પોતાના મેન્ટેનન્સ સંબંધિત નવી નોકરીઓનું સર્જન પણ કરે છે, માટે AIને કારણે નોકરી ગુમાવનારને એના મેઇન્ટેનન્સ બાબતે પ્રશિક્ષિત કરીને એમને એ નવી નોકરી આપી શકાય છે.

3. AI ગ્રાહક સેવાને કેવી રીતે સુધારી શકે?

AI-સંચાલિત ચેટબોટ્સ 24/7 સેવા આપે છે, એકના એક પ્રશ્નોના જવાબ કંટાળ્યા વિના આપે છે અને જટિલ મુદ્દાને માનવ એજન્ટો સામે રજૂ કરે છે. આ રીતે એ ગ્રાહક સેવા ઝડપી બનાવે છે. 

4. AI સાથે સંકળાયેલ નૈતિક ચિંતાઓ (Ethical Concerns) શું છે?

AI સાથે સંકળાયેલ નૈતિક ચિંતાઓમાં ડેટાની ગોપનીયતા, પૂર્વગ્રહયુક્ત અલ્ગોરિધમ્સ અને માનવ-રોજગાર પર AIને કારણે પડતી પ્રતિકૂળ અસરનો સમાવેશ થાય છે.

5. શું AI સર્જનાત્મક હોઈ શકે છે?

AI પાસે જે ડેટા હોય એને આધારે એ કામમાં શક્ય એટલું નાવીન્ય લાવવાના પ્રયાસ કરી શકે છે. જોકે, માણસ પાસે હોય એવી આંતરસ્ફૂરણા અને મૌલિકતાનો AIમાં અભાવ હોય છે.

નિષ્કર્ષ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના બુદ્ધિગમ્ય ઉપયોગથી ભવિષ્યની યોજનાઓ ઘડી શકાય છે અને વ્યાવસાયિક પ્રગતિ ઝડપથી સાધી શકાય છે. ઓટોમેશન અને ડેટા-આધારિત નિર્ણય લેવામાં AI ખૂબ મદદરૂપ થઈ શકે છે, પણ એને લીધે ઉદભવતી નૈતિક અને સામાજિક અસરો બાબતે પણ સાવચેતીપૂર્વક વિચારવાની જરૂર છે. AI ના સંભવિત ફાયદા અને ગેરફાયદાઓને ધ્યાનમાં રાખીને વ્યવસાયિકો અને ઉપભોક્તાઓ આ પરિવર્તનકારી તકનીકનો અસરકારક ઉપયોગ કરી શકે છે.



Google NewsGoogle News