તમે દિવસ-રાત ધરાર કામ કરતા રહો છો ? સાચવજો
થોડા સમય પહેલાં બેંગલુરુની એક કંપનીમાં જોડાયાના થોડા મહિનામાં એક યુવતીનું
મૃત્યુ થયું - કારણ હતું વધુ પડતું વર્ક પ્રેશર.
આ મુદ્દાએ સમગ્ર ભારતમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. આખા વિશ્વના નાના-મોટા બિઝનેસ
માટે અનેક પ્રકારનાં ટૂલ વિક્સાવનારી દક્ષિણ ભારતની ઝોહો નામની પ્રતિષ્ઠિત કંપનીના
સહ-સ્થાપક અને સીઇઓ શ્રીધર વેમ્બુએ પણ ભારતમાં કોર્પોરેટ કલ્ચરમાં વધી રહેલા
વર્કપ્લેસ સ્ટ્રેસ વિશે ચિંતા દર્શાવી. શ્રીધર પોતે અત્યંત સાદગીભર્યું જીવન જીવે
છે.
તેમણે ભારતના કોર્પોરેટ કલ્ચર વિશે કહ્યું કે આપણે લોકોને બહુ મોટા પ્રેશર
કૂકરમાં નાખીએ છીએ. દુઃખદ વાત એ છે કે એમાંથી કેટલાક સાવ ભાંગી પડે છે, તો કેટલાક ટકી જાય છે, પણ પછી ઉત્સાહ વિના કામ કરતા
રહે છે. તેમણે કહ્યું કે હું ૨૭-૨૮ વર્ષથી કામ કરું
છું અને હજી એટલાં જ વર્ષ કામ કરવાની ઇચ્છા છે. એવું તો શક્ય બને, જો હું તૂટી ન જાઉં.
એમના આ શબ્દો રાત-દિવસ છૂટકે-નાછૂટકે કામ કરતા સૌએ યાદ રાખવા જેવા છે.
ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ સ્ટ્રેસને ચોક્કસ ઘટાડી શકે.