એરપોડ્સમાં પણ આવશે કેમેરા: આસપાસ શું છે એ ચકાસી AI જવાબ આપશે યુઝર્સને
Apple Airpods with Camera: એપલ હાલમાં નવા એરપોડ્સ પર કામ કરી રહ્યું છે. આ એરપોડ્સમાં હવે કેમેરાનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા છે. એપલ બહુ જલદી એરપોડ્સ પ્રો 3 લોન્ચ કરશે, પરંતુ તેમાં આ કેમેરા ટૅક્નોલૉજીનો સમાવેશ કરવામાં નહીં આવે. ત્યારબાદ જે નવા એરપોડ્સ આવશે, તેમાં એનો સમાવેશ કરવામાં આવશે. આ માહિતી બ્લૂમબર્ગના માર્ક ગર્મેન દ્વારા આપવામાં આવી છે.
એરપોડ્સમાં હશે AI
નવા એરપોડ્સમાં હવે કેમેરાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કનેક્ટ કરવામાં આવશે. યુઝર્સની આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે, તેની મદદથી યુઝર્સને તમામ માહિતી પૂરી પાડવામાં આવશે. સ્માર્ટ ગ્લાસ જે કામ કરે છે, તે તમામ કામ આ એરપોડ્સ દ્વારા કરવામાં આવશે. એટલે કે હવે યુઝર્સે એરપોડ્સની સાથે સ્માર્ટગ્લાસ લેવાની જરૂર નહીં પડે. આ ટૅક્નોલૉજીને વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.
2027માં થઈ શકે છે લોન્ચ
એપલ દ્વારા આ ટૅક્નોલૉજીને 2027 પહેલાં રિલીઝ કરવામાં આવે, એવા ચાન્સ ખૂબ જ ઓછા છે. એપલ એરપોડ્સ પ્રો 4માં આ ટૅક્નોલૉજીનો સમાવેશ કરવામાં આવી શકે છે. હાલમાં એપલ દ્વારા એરપોડ્સ પ્રો 2 માર્કેટમાં છે અને આ સિરીઝમાં એરપોડ્સ પ્રો 3ને આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે, એપલ માર્કેટમાં ટકી રહેવા માટે નવી નવી ટૅક્નોલૉજીનો સમાવેશ કરી રહી છે અને એટલા માટે જ વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ પર પણ કામ કરી રહી છે.
આ પણ વાંચો: યુક્રેનના બદલે ફક્ત મારી સામે ફાઈટ કરો, રશિયન પ્રમુખ પુતિનને મસ્કનો ખુલ્લેઆમ પડકાર
ફીચરને બનાવવામાં આવશે વધુ ઍડ્વાન્સ
માર્ક ગર્મેનના હિસાબે, હાલ એપલ તેમના ફીચર્સને વધુ ઍડ્વાન્સ બનાવવા પર ફોકસ કરી રહ્યું છે. iOS 18 જે ફીચર્સ આપ્યા છે, તેને વધુ સારા બનાવવામાં આવશે. હવે એપલ iOS 19માં એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સનો વધુ સમાવેશ કરવા જઈ રહ્યું છે. આથી નવા ફીચર્સ ઓછા જોવા મળી શકે છે. એપલ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં અત્યારે જે પણ ફીચર્સ છે, તેને એપલ ઇન્ટેલિજન્સ સાથે જોડવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.