એપલ હવે લાવશે વિવિધ પ્રકારની સ્માર્ટહોમ પ્રોડક્ટ્સ
એપલ કંપનીને આપણે અત્યાર સુધી આઇફોન,
આઇપેડ, આઇપોડ, મેકબુક જેવાં ડિવાઇસિસ માટે
ઓળખીએ છીએ. પરંતુ કંપની હવે ધીમે ધીમે અન્ય પ્રકારની પ્રોડક્ટ્સ લોન્ચ કરવા આગળ
વધી રહી છે.
ગયા વર્ષની શરૂઆતમાં એપલે વિઝન પ્રો હેડસેટ લોન્ચ કર્યા, જેને આંખ પર પહેરીને ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) ટેકનોલોજીની મદદથી આપણે અલગ
પ્રકારના કમ્પ્યૂટિંગ કે એન્ટરટેઇનમેન્ટનો લાભ લઈ શકીએ છીએ (મેટા કંપનીએ લોન્ચ
કરેલા સ્માર્ટ ગ્લાસમાં આ વર્ષે એઆર ડિસ્પ્લે ઉમેરાય તેવી શક્યતા છે, તે જોતાં તે એપલને જબરી હરીફાઈ આપે તેવી પૂરી શક્યતા છે).
હવે સમાચાર છે કે એપલ કંપની સ્માર્ટ હોમ પ્રોડક્ટ ડેવલપ કરવા તરફ આગળ વધી રહી
છે.
એ મુજબ કંપની આ વર્ષે એઆઇ પાવર્ડ સ્માર્ટહોમ હબ લોન્ચ કરે તેવી શક્યતા છે. ઘણે
અંશે આઇપેડ જેવા આ ડિવાઇસમાં છ ઇંચનો ડિસ્પ્લે હશે અને હોમ એપ્લાયન્સિસ કંટ્રોલ
કરી શકે તેવી એક નવી ઓપરેટિંગ સિસ્ટમથી તે ઓપરેટ થશે. આ ડિવાઇસમાં ફેસટાઇમ અને
વીડિયો પ્લેનો પણ ઉપયોગ કરી શકાશે.
સ્માર્ટહોમ પ્રોડક્ટ્સમાં આગળ વધતાં એપલ હોમ સિક્યોરિટી કેમેરા લોન્ચ કરે તેવી
પણ શક્યતા છે. એ જ રીતે આ જ વર્ષમાં કદાચ એપલની સ્માર્ટ ડોરબેલ પણ આવી જશે. આ
ડોરબેલ હાલના ડોરલોક સાથે કનેક્ટેડ રહેશે અને તે ડોરબેલ ઉપરાંત, સ્માર્ટલોકનું પણ કામ આપશે.
જેમ અત્યારે આપણે પોતાના ફેસ આઇડીથી આઇફોન અનલોક કરી શકીએ છીએ તેમ મકાનમાલિક આ
ડિવાઇસ સામે પોતાનો ચહેરો ધરશે એ સાથે ઘર અનલોક થઈ જશે. અત્યારે એમેઝોન રિંગ તથા
ગૂગલ નેસ્ટ જેવી પ્રોડક્ટ આવી જ સગવડ આપે છે. જોકે રાબેતા મુજબ એપલની સ્માર્ટ હોમ
પ્રોડક્ટ શરૂઆતમાં યુએસમાં લોન્ચ થશે. ભારતમાં આવતાં તેને વાર લાગશે.