એપલ હવે ભારતમાંથી આઇફોન એક્સપોર્ટ વધારશે, ચીન પર ટેરિફને પગલે કંપનીના શેરમાં કડાકા પછી નિર્ણય
Apple in CrossFire Between China and USA: એપલ હવે ચીનની જગ્યાએ ભારતથી તેના આઇફોનને અમેરિકા વધુ મંગાવશે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર જે ટેરિફ લાગુ કરવામાં આવ્યા છે તેની સામે ચીને પણ ટેરિફ વધારી દીધા છે. પરિણામે એપલ પર એની અસર થઈ છે અને એ ઓછી થાય એ માટે હવે કંપની ભારતના પ્રોડક્શન કરેલા આઇફોન વધુ મંગાવશે.
25 વર્ષમાં સૌથી વધુ શેર ગબડ્યા
એપલના શેર છેલ્લા 25 વર્ષમાં પહેલી વાર આટલા ગબડતાં જોવા મળ્યાં છે. ત્રણ દિવસની અંદરના એપલના શેરની કિંમતમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાંથી એક્સપોર્ટ કરવામાં આવેલા આઇફોનની કિંમત વધી જશે એ વાતની ચિંતા એપલના ઇવેસ્ટર્સને થઈ રહી હતી. ચીનથી એક્સપોર્ટ કરવામાં આવતી વસ્તુ પર 54 ટકા સુધીનો ટેરિફ લગાવવામાં આવ્યો છે. એપલ હાલમાં કોશિશ કરી રહ્યું છે કે ચીન દ્વારા તેમને આ ટેરિફમાંથી મુક્તી આપવામાં આવે. જોકે ચીન આ વખતે કોઈ દરિયાદિલી દેખાડવા નથી માગતું એવી ચર્ચા છે. આ ટેરિફથી હાલ પૂરતું બચવા માટે એપલ હાલમાં ભારતથી વધુ આઇફોનને અમેરિકા મંગાવશે જેથી તેમણે ટેરિફ ન ચૂકવવો પડે. એપલ હાલમાં તેના ચીનમાં આવેલા પ્લાન્ટ પર કોઈ એક્શન લેવા નથી માગતી કારણ કે દુનિયાભરના દેશમાં આઇફોનને સપ્લાઇ કરવા માટે ચીન ખૂબ જ મહત્ત્વનું છે.
એપલ માટે ભારત બન્યુ વધુ મહત્ત્વનું
એપલ માટે ભારત હાલમાં ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે. 2017થી એપલ ભારતમાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતે ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જોકે આ સમયે ભારત એપલ માટે સંકટની સાંકળ સમાન છે. ચીન અને અમેરિકા વચ્ચેની લડાઈમાં હવે ભારતના યુનિટ પાસેથી એપલ આશા રાખી રહ્યું છે. આ સાથે જ એપ્રિલ પાંચથી આ ટેરિફ વધી જવાના હોવાથી માર્ચના છેલ્લા અઠવાડિયામાં એપલ દ્વારા ભારતમાંથી એપલ અને એને લગતી પ્રોડક્ટ્સના પાંચ કાર્ગો પ્લેન અમેરિકા મંગાવ્યા હતા.
બેન્ક ઓફ અમેરિકાના એનાલિસિસ્ટ વામસી મોહન દ્વારા કહેવામાં આવ્યું હતું કે એપલ આ વર્ષે ભારતમાં 25 મિલિયન આઇફોન પ્રોડ્યુસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. એમાંના દસ મિલિયન લોક માર્કેટ માટે છે. બાકીના આઇફોન મોકલી દેવામાં આવે તો 2025માં અમેરિકાની જે ડિમાન્ડ છે એની અડધી તો ફક્ત ભારતમાંથી જ પૂરી કરી શકાય છે. જો ચીનથી આઇફોન મંગાવવામાં આવશે તો 16 પ્રો પર 300 અમેરિકન ડોલર વધી જશે.
ટેરિફને લઈને ભારત એક માત્ર પસંદ
ડોનાલ્ડ ટ્રમ્પને કારણે જ ટેરિફ વોર શરૂ થઈ છે એમાં એપલ ફસાઈ ગયું છે. ભારત અને ચીન વચ્ચે 28 ટકા ટેરિફનો તફાવત છે. આથી અમેરિકા માટે વધુ પ્રોડક્શન માટે સાઉથ એશિયન દેશ એટલે કે ભારત એક માત્ર પસંદ છે. એક માત્ર પસંદ એટલા માટે કે પહેલાં વિએતનામમાં પણ એ પ્રોડક્શન શરૂ કરવાની આશા હતી. જોકે વિએતનામ પર અમેરિકા દ્વારા 46 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. આથી ચીન અને વિએતનામ વચ્ચે બહુ ખાસ ફરક નથી. આ કારણસર એપલ માટે હવે ભારત એક માત્ર પસંદ રહી છે. જો આ સફળ રહ્યું તો ભારત એપલ માટે ખૂબ જ મહત્ત્વનો અને એના પર વધુ નિર્ભર રહી શકાય એવો દેશ બની શકે છે.
ગ્રાહકની ડિમાન્ડની સામે પડતર કિંમતમાં વધારો
આ ટેરિફની અસર ફક્ત આઇફોનની સપ્લાઇ પર થઈ છે એવું નથી. આઇફોનના હાર્ડવેર પર પણ તેની અસર પડી છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આઇફોન 16 પ્રોના હાર્ડવેર માટે 300 અમેરિકન ડોલરનો ખર્ચ થતો હતો, પરંતુ હવે એ વધીને 850 અમેરિકન ડોલરની આસપાસ થઈ રહ્યો છે. આ કિંમતે એપલના પ્રોફિટ પર મોટા ફટકા પડશે અથવા તો તેમની મોબાઇલની કિંમતમાં વધારો કરવો પડશે. ગ્રાહકોની નારાજગીનો સામનો ન કરવો પડે એ માટે અમેરિકા દ્વારા હાલમાં તેમના ગોડાઉનમાં જૂના ટેરિફ મુજબ આઇફોન સ્ટોક કરી રાખવામાં આવ્યા છે. આ નવા ટેરિફ લાગુ હોવા છતાં થોડાક સમય માટે એપલ જૂની કિંમતે આઇફોન વેચી શકશે. જો પ્રોડક્શન ખર્ચમાં ઘટાડો નહીં થાય તો થોડા સમય બાદ એપલ દ્વારા કિંમતમાં વધારો કરવો જરૂરી બનશે. એપલનો અડધો પ્રોફિટ ફક્ત આઇફોન પરથી આવે છે, જેથી તેને જાળવી રાખવું કંપની માટે અગત્યનું છે.
આ પણ વાંચો: 155 બિલિયન ડોલરની સંપત્તિ: બાળકોને ફક્ત એક ટકા મિલકત વારસામાં આપશે બિલ ગેટ્સ
અમેરિકામાં પ્રોડક્શન શક્ય નથી
અમેરિકા અને ચીન વચ્ચે ગમે એવા સંબંધ હોય, પરંતુ એપલ હજુ પણ ચાઇનિઝ મેન્યુફેક્ચરિંગ કંપની પર નિર્ભર છે. ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, સમગ્ર વિશ્વમાં સપ્લાય થતી આઇફોનની 90% ચીનમાં બને છે. ચીનમાં સપ્લાયર્સ વધુ છે, સરકાર તરફથી પ્રોત્સાહનો મળે છે અને ઓછા પગારમાં ક્વૉલિફાયડ કર્મચારી ઉપલબ્ધ હોવાથી એપલને અહીંથી મોટો ફાયદો થાય છે. એપલનું મેન્યુફેક્ચરિંગ પાર્ટનર ફૉક્સકૉન ચીનમાં ભારી પ્રમાણમાં પ્રોડક્શન કરે છે અને તેને પહોંચી વળવું અન્ય કંપનીઓ માટે સરળ નથી.
ચીનમાં જે ટેરિફ લાગુ છે તેને જોતા એપલ માટે પ્રોડક્શન અન્યત્ર શિફ્ટ કરવું શક્ય નથી. ચીનમાંથી પ્રોડક્શન હટાવીને અમેરિકામાં લાવવું પણ મુશ્કેલ છે. વેડબુશ ફાઇનાન્સિયલ રિસર્ચ ફર્મ મુજબ, જો અમેરિકામાં પ્રોડક્શન શરૂ થાય તો આઇફોનની કિંમત 3500 અમેરિકન ડોલર એટલે કે ત્રણ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ટીમ કૂકના જણાવ્યા અનુસાર, આઇફોનના વિશાળ માપના પ્રોડક્શન માટે અમેરિકા પાસે પૂરતાં એન્જિનિયર્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ નથી.
ટ્રમ્પની સ્ટ્રેટેજીએ એપલને મુશ્કેલીમાં મુકી
ટ્રમ્પ દ્વારા ટેરિફ વોર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તેમના મતે અન્ય દેશો વર્ષોથી અમેરિકાનું શોષણ કરી રહ્યા છે. આથી તે અનફેર ટેરિફને દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે આનો અસર મોટી કંપનીઓ પર પડી રહી છે. આ અગાઉ એપલ આ વોરમાંથી છુટકારો મેળવી ચૂકી હતી, પરંતુ આ વખતે એવી છૂટ ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: શાંઘાઈનું AI ક્લોન કેમ બનાવ્યું ચીને? તેમનાં પ્લાન વિશે જાણવા માટે આ વાંચો...
ભારતને સૌથી મોટો ફાયદો
અમેરિકા અને ચીનની લડાઈમાં ભારતને ફાયદો મળી રહ્યો છે. ભારતમાં હવે સૌથી ઝડપથી વિકસતી સ્માર્ટફોન માર્કેટ છે. મેન્યુફેક્ચરિંગ વધતા રોજગારી અને આર્થિક વૃદ્ધિ થાય છે, જે ભારત માટે શ્રેયસ્કર છે. ભારત સરકાર પણ એપલને મદદ કરી રહી છે. એરપોડ્સ અને આઇપેડ્સ માટે વિયેતનામ આગળ છે, પરંતુ આઇફોન પ્રોડક્શન માટે હવે ભારતનું નામ મોખરે છે.
કિંમત ન વધારવા માટે કોશિશ
એપલ વિવિધ સરકારો સાથે વાતચીત કરી રહ્યું છે જેથી આઇફોનની કિંમતોમાં વધારો ન થાય અને ગ્રાહકોને નારાજગી ન થાય. પરંતુ પોતાનો પ્રોફિટ જાળવવો એ પણ કંપની માટે અતિમહત્ત્વનું છે. ચીન અને ભારત બંને સાથેની ચર્ચાના ઉકેલને સમય જ બતાવશે.