સિરી પ્રાઇવસી કેસમાં એપલ ચૂકવશે 815 કરોડ, હજારો યુઝર્સને મળી શકે છે 1700 રૂપિયા
Apple Case Settlement: એપલ દ્વારા 95 મિલિયન ડૉલર એટલે કે 815 કરોડ રૂપિયા સેટલમેન્ટ માટે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એપલની વોઇસ આસિસ્ટન્ટ સિરીના પ્રાઇવસી કેસમાં હવે સેટલમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ કેસ સિરી દ્વારા યુઝરની પ્રાઇવસીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું કહેવામાં આવ્યું છે.
શું છે કેસ?
એપલ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે સિરી દ્વારા યુઝરની પ્રાઇવસીનું ઉલ્લંઘન કરવામાં આવે છે. એપલ આઇફોન અને સિરીનો સમાવેશ જે-જે ડિવાઇઝમાં કરવામાં આવે છે, એ તમામ યુઝર્સ રિપોર્ટ કરી રહ્યા હતા કે તેમની વાતચીતને સિરી દ્વારા સાંભળવામાં આવે છે. આ વાતચીતને એ થર્ડ પાર્ટી એટલે કે એડ્વરટાઇઝમેન્ટ કંપનીને મોકલતા હતા, જેના પરિણામે યુઝર્સને તેમની વાતચીત અનુસાર જ એડ્સ આવતી હતી.
કેવી રીતે પ્રાઇવસી સાથે ચેડા થયા?
એપલની તે પ્રોડક્ટ્સ, જેમાં સિરી છે, એ તમામ ડિવાઇઝમાં જે પણ યુઝર્સે સિરી એક્ટિવેટ કર્યું હતું, તેમની પ્રાઇવસી સાથે ચેડા થયા હતા. એપલ દ્વારા ‘હે સિરી’ જ્યારથી શરુ કરવામાં આવ્યું એટલે કે 2014ની 17 સપ્ટેમ્બરથી 2024ની 31 ડિસેમ્બર સુધી, આ તમામ યુઝર્સના ડેટાને રૅકોર્ડ કરવામાં આવ્યા હતા. યુઝર્સ પાસે જ્યારે ફોન હોય અને તેમણે કોઈ પણ વસ્તુ વિશે વાત કરી હોય, તો તેમને એ વિશેની એડ્સ આવતી હતી. આ એડ્સ આવવાનું કારણ એપલ દ્વારા જે રેકોર્ડિંગ કરવામાં આવતું હતું તે હતું. આ રેકોર્ડિંગ યુઝર્સ સિરીને એક્ટિવેટ ન કરે તો પણ થઈ રહ્યું હતું. તેમ જ યુઝરની કોઈ પણ પરવાનગી નહોતી લેવામાં આવી. આથી એ વિશે ઘણા યુઝર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.
એપલનું સેટલમેન્ટ
એપલના વકીલ દ્વારા આ વિશે કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી, પરંતુ તેમણે એટલું કહ્યું છે કે એપલ દ્વારા કોઈ ગેરકાયદેસરનું કામ નહોતું કરવામાં આવ્યું. આમ છતાં, એ કેસને સેટલમેન્ટ માટે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. એપલ દ્વારા 95 મિલિયન ડૉલર એટલે કે 815 કરોડ રૂપિયા ચૂકવવાની તૈયારી દેખાડવામાં આવી છે. જોકે, આ સેટલમેન્ટ માટે હજી ડિસ્ટ્રિક્ટ જજ જેફ્રી વાઇટના હસ્તાક્ષર બાકી છે.
કોને મળશે સેટલમેન્ટની રકમ?
સિરી વિશે ફરિયાદ જે પણ વ્યક્તિએ કરી હશે, તેમને જ આ રકમ ચૂકવવામાં આવશે. આઇફોન, આઇવોચ અને આઇપેડના કરોડો યુઝર્સ છે, પરંતુ ફક્ત હજારો યુઝર્સને જ આ રકમ ચૂકવવામાં આવશે. એ પણ એ જ યુઝર્સને, જેમણે ફરિયાદ કરી હોય અને તેમની ડિવાઇઝમાં સિરી એક્ટિવેટ હોવી જોઈએ. આથી, એક યુઝરને અંદાજે 1700 રૂપિયા મળશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
કેસ કરનાર કંપનીને અલગથી મળશે પૈસા?
એપલની સામે જે કંપની અને જે વકીલો દ્વારા કેસ કરવામાં આવ્યો હતો, એ કંપની હવે પૈસા માગી રહી છે. આ કેસ માટે 28.5 મિલિયન ડૉલર અને કેસ માટે જે ખર્ચ થયો એ એક મિલિયનની આસપાસ છે. આથી, અંદાજે 30 મિલિયન ડૉલર માગવા જઈ રહી છે એવું કહેવાય છે.
એપલને થશે નુક્સાન?
એપલ માટે આ સેટલમેન્ટ સમુદ્રમાંથી એક ટીપું પાણી કાઢવા બરાબર છે. એપલ દ્વારા છેલ્લા વર્ષમાં 93.74 બિલિયન ડૉલરનો નફો કરવામાં આવ્યો છે. તેની સામે કંપની ફક્ત 95 મિલિયન ચૂકવી રહી છે. આથી, આ સેટલમેન્ટ માટે એપલને કોઈ નુક્સાન નથી. જો કેસ કોર્ટમાં ગયો હોત તો એપલે ઘણી વધારે રકમ ચૂકવી પડી હોત, પરંતુ હવે જો જજ દ્વારા સેટલમેન્ટ પર સાઇન કરી દેવામાં આવશે તો એપલ માટે એ ફાયદાની વાત છે.
ગૂગલ પર નજર
એપલના કેસનું સેટલમેન્ટ થવાના ચાન્સ વધી ગયા છે, પરંતુ હવે ગૂગલ પર સૌની નજર છે. કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ગૂગલ પર પણ તેના વોઇસ આસિસ્ટન્ટ માટે આ પ્રકારનો કેસ પેન્ડિંગ છે. એપલ પર જે કંપનીએ કેસ કર્યો હતો એ જ કંપનીએ ગૂગલ પર પણ કર્યો છે. આથી, આ કેસનું શું થાય એ જોવું રહ્યું. તેમજ ગૂગલ પર એન્ટી-ટ્રસ્ટ કેસ પણ ચાલી રહ્યો છે. તેની હિયરિંગ એપ્રિલમાં છે.