iOS 19માં એપલ લોન્ચ કરશે AI ડોક્ટર: ઓપરેટિંગ સિસ્ટમ પણ પારદર્શક બનાવવાની તૈયારી
New iOS 19: એપલ હાલમાં તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 19ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એપલ દ્વારા વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ 2025ને નવમી જૂને શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઇવેન્ટમાં નવી iOS 19ને લોન્ચ કરવામાં આવશે. એમાં એપલ દ્વારા હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે અને એ માટે હવે AI ડોક્ટરને લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. દરેક યુઝરના હેલ્થને ટ્રેક કરવા માટે અને યુઝરને ચોક્કસ માહિતી આપવા માટે આ ફીચર મદદરૂપ રહેશે. બ્લૂમબર્ગના માર્ક ગર્મેન દ્વારા આ માહિતી વિશે જણાવવામાં આવ્યું છે.
AI ડોક્ટર શું છે?
એપલ દ્વારા હવે યુઝરના હેલ્થ ડેટા પર ફોકસ કરવાની જગ્યાએ, તેમને હવે જરૂરી માહિતી આપવાની સાથે, તેમના માટે શું જરૂરી છે એના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ માટે હવે iOS 19માં AI ડોક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરનું કોડનેમ પ્રોજેક્ટ મલબેરી રાખવામાં આવ્યું છે. હેલ્થ એપ્લિકેશનને સંપૂર્ણપણે બદલી નાખવાની સાથે એમાં AI ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે. હેલ્થ ડોક્ટર, જે રીતે ડેટા કલેક્ટ કરીને જે તે વ્યક્તિને ફિટનેસ માટે શું જરૂરી છે તે ધ્યાનમાં રાખીને ચોક્કસ સલાહ આપે છે અને કેવી રીતે ફિટનેસ સુધારવી વગેરે જેવી માહિતી આપે છે, એ પોષણ કેટલું જરૂરી છે અને કેટલું લેવું એ દરેક બાબતો જણાવી શકશે.
વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તરીકેની સેવા
એપલ દ્વારા iOS 19માં AI ડોક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વર્ચ્યુઅલ ડોક્ટર તરીકે કામ કરશે. આઈફોન, એપલ આઈવોચ અને અન્ય હેલ્થ ટ્રેકિંગ એસેસરીઝના તમામ ડેટાને કલેક્ટ કર્યા બાદ, એપલ તેની પોતાની મશીન લર્નિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને યુઝર માટે એક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તૈયાર કરશે. આ AI ડોક્ટર હેલ્થ એપ્લિકેશનમાં જોવા મળશે અને તે યુઝરના આસિસ્ટન્ટની જેમ પણ કામ કરશે. યુઝરની હાર્ટની પેટર્ન, સુવાનો સમય અને એક્ટિવિટી જેવી દરેક બાબતોનો તેમાં સમાવેશ કરવામાં આવશે.
આ પણ વાંચો: OpenAIએ ચેટજીપીટીના પ્રતિબંધ હટાવ્યા: પ્રચલિત વ્યક્તિના ફોટા પણ જનરેટ કરી શકાશે
AIને ટ્રેનિંગ માટે ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી
એપલ દ્વારા તેના AI મોડલને ટ્રેન કરવા માટે ડોક્ટરોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ કંપની મેડિકલ પ્રોફેશનલ્સ, સ્લીપ સાયન્સ, ન્યુટ્રિશન, ફિઝિકલ થેરાપી, કાર્ડિયોલોજી અને મેન્ટલ હેલ્થ સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ સાથે સંપર્કમાં છે અને તેમની મદદ લેવામાં આવી રહી છે. આ દરેક એક્સપર્ટનો ઉપયોગ તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલને તૈયાર કરવામાં થઈ રહ્યો છે. આ AI ડોક્ટરને આ માટે જરૂરી શિક્ષણ ડોક્ટરો દ્વારા આપવામાં આવી રહ્યું છે, જેથી તે જે જવાબ આપે તે એકદમ ચોક્કસ અને વિશ્વસનીય હોય.
ફૂડ ટ્રેકિંગ સર્વિસ
એપલ દ્વારા તેની હેલ્થ એપમાં ભોજન કેટલું ખાધું અને એમાંથી કેટલું પોષણ મળ્યું, એ તમામ માહિતી ભેગી કરવા માટે ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરને એપલના કર્મચારીઓ દ્વારા "હેલ્થ પ્લસ" તરીકે ઓળખવામાં આવી રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આથી આ ફીચર યુઝર્સને ફ્રીમાં મળશે કે એ માટે અલગથી સબ્સ્ક્રાઇબ કરવું પડશે, એ વિશે કોઈ માહિતી નથી. જો કે દિવસ દરમ્યાન કેટલું પોષણ મળ્યું એ નોંધ રાખવા માટે આ ફીચર ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને એથલિટ્સ માટે આ સારું ફીચર છે.
પારદર્શક ઇન્ટરફેસ
એપલ દ્વારા iOS 19માં ટ્રાન્સપરન્ટ ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. iOS 19માં એકદમ તાજું લૂક જોવા મળશે. એમાં બટન, મેનુ અને નોટિફિકેશન બેનર દરેક વસ્તુ ટ્રાન્સપરન્ટ હશે. આ ફીચરનું કોડનેમ "સોલેરિયમ" રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. એપલ દ્વારા કેમેરા અને મેસેજ એપ્લિકેશનને પણ સંપૂર્ણપણે બદલી કાઢવામાં આવી છે. કેમેરામાં દરેક સેટિંગ્સ હવે નીચે મૂકી દેવામાં આવી છે.
છેલ્લે 2013માં iOS 7માં ખૂબ જ મોટો બદલાવ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી ઓપરેટિંગ સિસ્ટમમાં આટલો મોટો ફેરફાર ઘણાં વર્ષોથી કરવામાં નથી આવ્યો. જો કે આ બદલાવ કેવો છે એ તો હવે 9 જૂનના કૉન્ફરન્સમાં જ ખબર પડશે.