હવે એપલ ફોટોશોપ સોફ્ટવેરને ચેલેન્જ કરશે, જાણીતી કંપની ખરીદવાની વ્યૂહરચના ઘડી
Apple To Buy New Comapny: એપલ હવે ફોટો એડિટિંગ એપ્લિકેશન પિક્સેલમેટર ખરીદવાની કોશિશ કરી રહ્યું છે. આ એક સોફ્ટવેર કંપની છે જેની એપ્લિકેશન પિક્સેલમેટર ખૂબ જ પ્રસિદ્ધ છે. આ એપ્લિકેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ બહુ જલદી એપલ સાથે હાથ મિલાવશે. એપલ દ્વારા ઘણી કંપનીઓને એક પછી એક ખરીદવામાં આવી છે. તેઓ હવે તેમના પોર્ટફોલિયોમાં વધુ એક કંપનીનો ઉમેરો કરવા જઈ રહ્યાં છે.
પિક્સેલમેટર કંપનીની શરૂઆત
પિક્સેલમેટર કંપની 17 વર્ષ પહેલાં બે ભાઈઓ સૌલિયસ અને ઐડાસ ડેલિડે દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેઓ લિથુઆનિયાના છે. તેમણે મેક, આઇપેડ અને આઇફોન માટે આ એપ્લિકેશન બનાવી છે.
એડોબ ફોટોશોપ જેવા ફીચર્સ
પિક્સેલમેટરના બે વર્ઝન છે: સિમ્પલ અને પ્રો. પ્રો વર્ઝનમાં એડોબ ફોટોશોપ અને ઇલસ્ટ્રેટર જેવા ફીચર્સ છે. તેમાં લેયર અને વેક્ટરનો ઉપયોગ કરીને ફોટોને એડિટ કરી શકાય છે. એમાં એપલના આઇક્લાઉડ, શોર્ટકટ અને આઇપેડ પેન્સિલનો પણ ઉપયોગ કરી શકાય છે. પિક્સેલમેટર પ્રોની મેકમાં કિંમત 4,999 રૂપિયા છે અને આઇપેડ અને આઇફોનમાં 999 રૂપિયા છે.
એપલના યુઝર્સ માટે શું બદલાશે?
એપલ દ્વારા આ એપ્લિકેશન ખરીદવાથી યુઝર્સને હાઇ-એન્ડ ફોટો એડિટિંગ ટૂલ મળશે. એપલ પાસે તેની પોતાની ફોટો એપ્લિકેશન છે, પરંતુ પિક્સેલમેટરમાં વધુ ફીચર્સ છે જે યુઝર્સને વધુ સારી રીતે ઉપયોગ કરવા મળશે. હાલ, એપલએ તેની ફાઇનલ કટ પ્રો અને લોજિક પ્રોને સબસ્ક્રિપ્શન દ્વારા ઉપયોગ કરવાનું લોન્ચ કર્યું છે, પહેલા આ એપ્લિકેશનને લાઇફટાઇમ માટે ખરીદવું પડતું હતું, પરંતુ હવે એક મહિના માટે પણ ઉપયોગ કરી શકાશે. આથી, પિક્સેલમેટરને પણ વધુ યુઝર્સ માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે. અત્યાર સુધી આ એક ઇન્ડિપેન્ડન્ટ એપ્લિકેશન હોવાને કારણે ઘણા યુઝર્સ તેને ખરીદતા નહોતા, પરંતુ એપલ સાથે જોડાતા હવે લોકો તેને ખરીદતા અચકાશે નહીં.
આ પણ વાંચો: ChatGPTમાં નવીન અપગ્રેડ: OpenAIએ સર્ચ ફીચર દ્વારા ગૂગલને આપી મોટી ચેલેન્જ
પિક્સેલમેટરનું ભવિષ્ય
એપલ દ્વારા તેને ખરીદી લીધા બાદ, આ એપ્લિકેશન ઇન્ડિપેન્ડન્ટ રહેશે કે તેના ફીચર્સનો સમાવેશ ફોટો એપ્લિકેશનમાં કરવામાં આવશે એ એક સવાલ છે. એપલ દ્વારા 2018માં શઝામને ખરીદવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ઇન્ડિપેન્ડન્ટ રાખવામાં આવ્યું છે. જોકે પિક્સેલમેટર સાથે શું કરવામાં આવશે તે જોવા બાબત હશે.