વર્ષ 2024 સુધી Appleએ યુરોપમાં એન્ડ્રોઈડ ફોન જેવું જ ચાર્જિંગ પોર્ટ આપવું પડશે
- યુરોપિયન યુનિયનનું માનવું છે કે, તેનાથી ગ્રાહકોને સરળતા રહેશે, તેમના પૈસા બચશે તથા દેશમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ ઘટાડવામાં પણ મદદ મળશે
નવી દિલ્હી, તા. 08 જૂન 2022, બુધવાર
યુરોપિયન યુનિયને વિશ્વની દિગ્ગજ સ્માર્ટફોન ઉત્પાદક કંપની એપલને ભારે મોટો આંચકો આપ્યો છે. યુરોપિયન યુનિયનના (EU) દેશ અને સાંસદો મંગળવારના રોજ મોબાઈલ ફોન, ટેબલેટ અને કેમેરા માટે સિંગલ ચાર્જિંગ પોર્ટ મુદ્દે સહમત થયા હતા. આ કારણે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બનાવતી Apple સહિતની તમામ કંપનીઓએ વર્ષ 2024 સુધી યુરોપમાં વેચાણ માટેના તમામ iPhones પરનું કનેક્ટર બદલવું પડશે. મતલબ કે, ડિવાઈસ મેન્યુફેક્ચર્સે વર્ષ 2024 સુધી નવી શરતોનું પાલન કરવું પડશે.
યુરોપિયન યુનિયનના કમિશનર થિએરી બ્રેટને આ અંગેની જાણકારી આપતી ટ્વિટમાં લખ્યું હતું કે, 'અમે #CommonCharger' પર એક ડીલ કરી છે. યુરોપિયન યુનિયનનું માનવું છે કે, તેનાથી ગ્રાહકોને સરળતા રહેશે, તેમના પૈસા બચશે તથા દેશમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ ઘટાડવામાં પણ મદદ મળશે.
યુરોપિયન યુનિયનના ઉદ્યોગ પ્રમુખ થિએરી બ્રેટને જણાવ્યું હતું કે, 'આજે સવારે અમે જે સોદો કર્યો છે તેના કારણે યુઝર્સને આશરે 250 મિલિયન યુરો (આશરે 2,075 કરોડ રૂપિયા)ની બચત થશે.'
Apple માટે આંચકારૂપ
આ કાયદાના કારણે એન્ડ્રોઈડ સ્માર્ટફોન બનાવતી કંપનીઓને કોઈ ખાસ સમસ્યા નહીં નડે પરંતુ એપલ કંપનીને ખૂબ મુશ્કેલી પડી શકે છે. હકીકતે Apple અનેક વર્ષોથી પોતાના iPhones, iPads, AirPods તથા અન્ય એસેસરીઝ માટે પોતાના લાઈટનિંગ પોર્ટનો ઉપયોગ કરતું આવ્યું છે. તેવામાં EUનો આ નિર્ણય Apple માટે પડકારજનક રહેશે કારણ કે, આગામી સમયમાં કંપનીઓ પોતાના તમામ iPhone મોડલને USB-C પોર્ટ સાથે આપવા પડશે.
USB-C ચાર્જિંગ પોર્ટવાળા iPhone પર કામ ચાલુ
ગત મહિને છપાયેલા એક અહેવાલ પ્રમાણે Apple પહેલેથી જ USB-C ચાર્જિંગ પોર્ટવાળા iPhone પર કામ કરી રહ્યું છે જે આગામી વર્ષથી શરૂ થઈ શકે છે. Apple જ્યારે નવા iPhones લોન્ચ કરે છે ત્યારે સામાન્ય રીતે જૂના iPhones પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેથી લાખો ગ્રાહકો સસ્તા વેરિએન્ટનું ઓપ્શન પસંદ કરે છે.
વર્ષ 2019ના એક અભ્યાસ પ્રમાણે વર્ષ 2018માં મોબાઈલ ફોન સાથે જે ચાર્જર્સ વેચાયા હતા તેમાંથી અડધામાં USB માઈક્રો-B કનેક્ટર હતું જ્યારે 29%માં USB-C કનેક્ટર અને 21%માં લાઈટનિંગ કનેક્ટર હતું.