સેલરી ફ્રોડ કરતાં 185 કર્મચારીઓને કાઢી મૂક્યા એપલે, ઘણા કર્મચારી મૂળ ભારતના છે
Salary Fraud: એપલ દ્વારા હાલમાં જ 185 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. આ કર્મચારીઓ સેલરી ફ્રોડ કરી રહ્યા હતા. એપલ દ્વારા જે ચેરિટી પ્રોગ્રામ કરવામાં આવે છે, તેનો દુરુપયોગ કરી રહ્યા હોવાથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ કર્મચારીઓમાં ઘણા લોકો મૂળ ભારતીય પણ છે. આ ભારતીયો અમેરિકામાં એપલમાં કામ કરતા હતા અને પોલિસીનો દુરુપયોગ કરવાના કારણે તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે.
છ વ્યક્તિઓને કરવામાં આવી ધરપકડ
એપલ દ્વારા નોકરીમાંથી કાઢવામાં આવેલા 185 કર્મચારીઓમાંથી ઘણા ભારતીયો પણ છે. એપલના હેડક્વાર્ટર માં આ કર્મચારીઓ કામ કરતા હતા. તેમના દ્વારા જે ફ્રોડ કરવામાં આવ્યો હતો તેમાં પૈસાનો સમાવેશ થયો હતો. આથી, એમાં જે વ્યક્તિઓના નામ આવ્યા છે, તે છને ધરપકડ વોરન્ટ નીકળી ચૂક્યા છે. જોકે, આ છ વ્યક્તિઓમાં એક પણ ભારતીય નથી.
તેલુગુ ચેરિટી ઓર્ગેનાઇઝેશન
એપલ દ્વારા કાઢવામાં આવેલા કર્મચારીઓમાં વધુ પડતી ભારતીય મૂળની વ્યક્તિઓ તેલુગુ ચેરિટી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલી છે. આ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને એપલના કર્મચારીઓ ફ્રોડ કરતા હતા. આ ફ્રોડ બહાર આવતાં એપલ દ્વારા કડક પગલાં લઈને દરેકને કાઢી મૂકવામાં આવ્યા છે.
કેવી રીતે કરતા હતા ફ્રોડ?
એપલ દ્વારા ચેરિટી પ્રોગ્રામ કરવામાં આવે છે. આથી, આ પ્રોગ્રામ હેઠળ ઓર્ગેનાઇઝેશન અથવા કમ્યુનિટી બંધ બેસતી હોય તેમને ફંડ આપવામાં આવે છે. ચેરિટીના નામે આ જે ફંડ ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવે છે, તેમાંથી આ ફંડ ફરી જે-તે કર્મચારીઓ લઈ લેતા હતા. આથી કંપનીમાંથી ફંડ નીકળતું હતું, પરંતુ એ ફક્ત કર્મચારીઓના ખિસ્સામાં જતા હતા. જો આ આરોપ સાચા હોય તો તેમના પર ટેક્સ ફ્રોડનો પણ કેસ લાગી શકે છે.
એપલની ચુપકી
આ સમાચાર પૂરજોશમાં વહેતા રહ્યા છે, પરંતુ એપલ દ્વારા આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. એપલ જો આ માહિતી આપે, તો તેમના પૂર્વ કર્મચારીઓ પર ટેક્સ ફ્રોડનો પણ કેસ થઈ શકે છે. આ કારણે એપલ આ મામલે ચૂપકીદી ધાર્યું હોય એવું બની શકે છે.