ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો એપલનો પ્લાન: 2025 સુધી અમેરિકાના બધા આઇફોન બનશે ઇન્ડિયામાં
Apple Planning to Shift iPhone Production in India: એપલ હવે અમેરિકામાં જે પણ આઇફોન વેચવામાં આવે છે, એને ભારતમાં બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં વેચાતા તમામ આઇફોન ભારતના હશે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લાગુ કરવામાં આવેલા ટૈરિફને કારણે કંપની દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. ભારત હાલમાં 30 મિલિયનની આસપાસ આઇફોન મેન્યુફેક્ચર કરે છે, પરંતુ 2026 સુધીમાં આ આંકડો ડબલ થઈને 60 મિલિયન સુધી પહોંચી જશે.
એપલ માટે અમેરિકા મહત્વનું માર્કેટ છે
એપલ માટે અમેરિકા ખૂબ જ મહત્વનું માર્કેટ છે. એપલ કંપની અમેરિકામાં સ્થિત છે. ત્યાં આઇફોન ડિઝાઇન થાય છે, અને તેની મેન્યુફેક્ચરિંગ ચીન સહિત ઘણા દેશોમાં થાય છે. વિશ્વના જેટલા પણ આઇફોન વેચાય છે, એના 28% ફક્ત અમેરિકામાં વેચાય છે. ટ્રમ્પ દ્વારા ચીન માટે લાગુ કરાયેલા ટૈરિફના કારણે આઇફોનની કિંમતે વધારો ટાળવા હવે ભારતમાંથી આઇફોનની શિપિંગ કરવામાં આવી રહી છે. એપલ દ્વારા આ નિર્ણય કાયમી લીધો છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો અગાઉ જેવા હતા તેવા હવે નથી. ભવિષ્યને ધ્યાનમાં રાખીને એપલ હવે સંપૂર્ણપણે ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અમેરિકાએ હવે સેમિકન્ડક્ટર પર ટૈરિફ લગાવવાનું વિચારી રહ્યું છે, જેનાથી એપલની તમામ પ્રોડક્ટ પર અસર થશે.
નાણાકિય વર્ષના અંત સુધીના બિઝનેસ પરની અસર
એપલ દ્વારા આ વર્ષે માર્ચમાં જ્યારે નાણાકિય વર્ષ પૂરું થયું ત્યારે 22 બિલિયન અમેરિકન ડોલરની કિંમતના આઇફોન ભારતમાં બનાવવામાં આવ્યા છે. 2023-24ના નાણાકિય વર્ષની સરખામણીમાં 2024-25માં 60%નો વધારો જોવા મળ્યો છે. 2025-26માં આ આંકડો વધુ વધશે તેવી આશા છે. દુનિયામાં બનેલા આઇફોનમાંથી 20% આઇફોન હવે ભારતમાં બને છે. આ આંકડો ઝડપથી વધી રહ્યો છે, અને વર્ષના અંત સુધીમાં વધુ વધારો જોવા મળશે. આ પ્રોડક્શન ફોક્સકોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
એપલની મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેટેજીમાં મોટો ફેરફાર
એપલની મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેટેજી માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. અત્યાર સુધી એપલ ચીન પર સંપૂર્ણપણે નિર્ભર હતું, પરંતુ હવે એ ભારત તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. એપલ હવે ભારતની પ્રોડક્શન-લિંક ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ લઈ શકે છે, જેનાથી કંપનીને વર્ષે $2.7 બિલિયનનો ફાયદો થશે. આ પગલાની સાથે ભારત અન્ય કંપનીઓને પણ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
શેર માર્કેટમાં ઘટાડો
ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયના કારણે એપલના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાંય વર્ષોમાં એપલના શેરમાં આવો ઘટાડો ન નોંધાયો હતો. ફક્ત ત્રણ દિવસમાં એપલની માર્કેટ વેલ્યુ 700 મિલિયન ડોલર જેટલી ઘટી ગઈ. ચીનમાં કંપનીની મેન્યુફેક્ચરિંગને કારણે આ ઘટાડો જોવા મળ્યો હતો, અને આઇફોન મોંઘા પડતાં શેર્સ પર નકારાત્મક અસર થઈ હતી.
સંપૂર્ણ પ્રોડક્શન શિફ્ટ કરવું પડકારરૂપ છે
આઇફોનના એસેમ્બલી માટેની અંતિમ પ્રોસેસ સિવાય ઘણી બાબતમાં એપલ ચીન પર નિર્ભર છે. સર્કિટ જેવા ઘટકો માટે ચીનની સેટઅપનો ઉપયોગ થાય છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ચીનથી દસ ટકા પ્રોડક્શન શિફ્ટ કરવા માટે આઠ વર્ષ જેટલો સમય લાગી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કંપનીઓને તેમના જ દેશમાં મેન્યુફેક્ચર કરવા પ્રોત્સાહન આપ્યું છે, પરંતુ આઇફોન માટે અમેરિકામાં જોઈએ એટલું લેબર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ નથી. આથી, હવે અમેરિકા માટે ભારત પ્રથમ પસંદગી છે.
આ પણ વાંચો: ડોક્ટર્સ શોધી કાઢે એના એક વર્ષ પહેલાં ચેટજીપીટીએ મહિલાના બ્લડ કેન્સરનું નિદાન કર્યું
કંપની પોતાનો રિપોર્ટ જાહેર કરશે
એપલ આગામી અઠવાડિયામાં પોતાની રિપોર્ટ જાહેર કરશે, જેમાં કંપનીના બિઝનેસ અને પ્રોફિટ વિશે માહિતી હશે. એક્સપર્ટ્સનું માનવું છે કે ટૈરિફ સંબંધિત અનેક પ્રશ્નો કંપની પર ઉઠાવાશે. તેમ જ કંપની માટે ભારત કેટલું મહત્ત્વનું છે. જોકે એક વાત નક્કી છે કે એપલ એટલે કે ખાસ કરીને અમેરિકા માટે હવે મેડ ઇન ઇન્ડિયા આઇફોન મળશે.