ફેન્સને સરપ્રાઇઝ આપી શકે છે એપલ: આગામી અઠવાડિયે લોન્ચ કરી શકે છે આઇફોન SE 4
Apple iPhone SE 4: એપલ આઇફોન SE 4 ઘણાં સમયથી ચર્ચામાં છે અને આગામી અઠવાડિયામાં લોન્ચ થઈ શકે એવી ચર્ચા છે. એપલ તેના ફેન્સને સરપ્રાઇઝ આપવા માગે છે અને એથી જ એ તેને આ રીતે રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યું છે. એપલ તોની ડિવાઇઝને લોન્ચ કરવા માટે ઇવેન્ટનું આયોજન કરે છે, પરંતુ હજી સુધી એ વિશે કોઈ ઇનવાઇટ મોકલવામાં નથી આવ્યું.
સોફ્ટ લોન્ચ કરવાનું પ્લાનિંગ?
મોટાભાગની કંપનીઓ તેમના ફ્લેગશિપ મોડલને લોન્ચ કરવા માટે ઇવેન્ટનું આયોજન કરે છે, પરંતુ દરેક મોડલ માટે ઇવેન્ટ નથી રાખતી. કંપની ઘણી વાર સોફ્ટ લોન્ચ પણ કરે છે. સોફ્ટ લોન્ચ એટલે કે ઇવેન્ટનું આયોજન નથી કરતી, પરંતુ પ્રેસ રિલીઝ અથવા તો પોતાની વેબસાઇટ પર જ લોન્ચ કરી દે છે. એપલ પણ SE 4ને સોફ્ટ લોન્ચ કરે એવા એંધાણ છે. બ્લૂમબર્ગના માર્ક ગર્મનના જણાવ્યા મુજબ એપલ આગામી અઠવાડિયે આ ફોન લોન્ચ કરશે. ત્રણ વર્ષ બાદ એપલ SE સીરિઝ લઈને આવી રહ્યું છે.
SEની શરૂઆત
એપલ દ્વારા SEની શરૂઆત 2016માં કરવામાં આવી હતી. આ એક બજેટ આઇફોન છે. એમાં એપલના બેસિક ફીચર્સ મળે છે. એવા ઘણાં યૂઝર્સ છે જેઓ વધુ પૈસા ખર્ચવા માટે સમર્થ નથી. આથી તેમના માટે એપલ દ્વારા બજેટ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનની સીરિઝમાં હવે ચોથો ફોન લોન્ચ થવાની તૈયારીમાં છે. આ મોબાઇલમાં એક જ રીયર કેમેરા છે અને SE 4માં પણ એક જ રીયર કેમેરા હશે.
SE 4ના સ્પેસિફિકેશન
આઇફોન SE 4માં 6.1 ઇંચની OLED ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇફોનના લેટેસ્ટ મોડલની જેમ એમાં પણ ડાયનામિક આઇલેન્ડનો સમાવેશ કરવામાં આવશે. એની ડિઝાઇન આઇફોન 14 જેવી હશે અને ડિસ્પ્લેમાં નોચ પણ એના જેવો જ હશે. આ ફોનમાં પણ હવે ફેસ આઇડી આવી રહ્યું છે. એપલ હવે ફિંગરપ્રિન્ટ સેન્સર અને હોમ બટન આ મોબાઇલમાંથી પણ કાઢી રહ્યું છે. આઇફોન 16 અને 16 પ્લસમાં જે પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ જ A18 ચિપસેટનો એમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડિવાઇઝમાં પણ હવે ટાઇપ સી ચાર્જિંગ આપવામાં આવી રહ્યું છે.
SE 4માં 48 મેગા પિક્સલનો રિયર કેમેરા અને 24 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એપલ દ્વારા એમાં ક્વાલકોમ મોડેમનો ઉપયોગ કરવામાં આવશે અને એના કારણે સારી કનેક્ટિવીટી મળી શકે છે. આ મોબાઇલમાં એપલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. દરેક કંપની તેમના દરેક મોડલમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરી રહી છે. જો એનો સમાવેશ SE 4માં કરવામાં ન આવ્યો તો આ મોડલ નિષ્ફળ રહી શકે છે અને કંપની એવું રિસ્ક નહીં લે.
આ પણ વાંચો: એન્ડ્રોઇડ યુઝર્સ માટે સરકારની ચેતવણી: જાણો યુઝર્સે શું ધ્યાન રાખવાની જરૂર છે…
SE 4ની કિંમત શું હશે?
એપલ દ્વારા 2022માં SE 3ની કિંમત 40000ની આસપાસ રાખવામાં આવી હતી. જોકે SE 4ને થોડો મોંઘો રાખવામાં આવી શકે છે. આ ફોનમાં એપલ ઇન્ટેલિજન્સ હોવાથી એની કિંમત વધુ હોવાની શક્યતા છે. આ કિંમત 40000થી 50000ની વચ્ચે હોવાની સંભાવના છે.