એપલે વોચ અને આઇફોનને સૌથી મોટી ડિસ્પ્લે સાથે લોન્ચ કર્યા, એરપોડ્સ સીરિઝ 4 અને અન્ય પ્રોડક્ટને પણ ધમાકેદાર લોન્ચ કરી
Apple Launch event: એપલે ગઈ કાલે કેલિફોર્નિયામાં કંપનીના હેડક્વાર્ટરમાં આવેલા સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલ વોચ સીરિઝ 10, એરપોડ્સ સીરિઝ 4 અને આઇફોન સીરિઝ 16ને લોન્ચ કરી હતી. આઇફોનની ઘણાં સમયથી રાહ જોવામાં આવી રહી હતી જેને આખરે લોન્ચ કરી દેવામાં આવ્યાં છે. આ તમામ પ્રોડક્ટ 20 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે જેનું પ્રી-બૂકિંગ શરૂ થઈ ગયું છે.
એપલ વોચ 10
સૌથી પહેલાં એપલ વોચને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એપલ વોચની ખાસિયત એ છે કે સૌથી મોટી ડિસ્પ્લે હોવા છતાં તેને ફક્ત 30 મિનિટમાં 80 ટકા ચાર્જ કરી શકાશે. તેમ જ વજનમાં પણ તે એકદમ હલકી છે. આ વોચને ત્રણ કલરમાં લોન્ચ કરવામાં આવી છે. તેમ જ એમાં નવા બેલ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. S10 ચીપની સાથે આ વોચમાં ઘણાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વોચને watchOS 11 સાથે રિલીઝ કરવામાં આવશે. આ ઓપરેટિંગ સિસ્ટમ પોતે જ યુઝરની મૂવમેન્ટને મોનિટર કરશે અને એ મુજબ પોતે શીખી કાર્ય કરશે. આ સીરિઝની સ્ટાર્ટિંગ પ્રાઇઝ 399 છે જે GPS મોડલ છે. તેમ જ સેલ્યુલર મોડલની સ્ટાર્ટિંગ પ્રાઇઝ 499 ડોલર છે.
એપલ વોચ અલ્ટ્રા 2
આ એપલ વોચને ખાસ એથ્લિટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ એપલ વોચ પર્ફોર્મન્સ આધારિત છે અને ટાઇટેનિયમનું હોવાથી એ સ્ક્રેચ રેસિસટન્ટ છે. આ એપલ વોચમાં ઓફલાઇન મેપ્સની સાથે પાણીની ઊંડાઈ કેટલી છે એ પણ જાણી શકાશે. એમાં ડેપ્થ સેન્સરની સાથે ઓટોમેટિક સ્ટ્રોક ડિટેક્શન પણ છે. આથી કોઈ એથલિટને કંઈ થયું તો એ તરત જણાવી દેશે. એપલ વોચ અલ્ટ્રા 2ના હાઇલાઇટ એનો સેટિન બ્લેક કલર છે. આ વોચની પ્રાઇઝ 799 ડોલર છે.
એરપોડ્સ 4 અને પ્રો 2
એપલે એરપોડ્સ 4ને બે વર્ઝનમાં રિલીઝ કર્યાં છે. બજેટ એરપોડ્સ 4ની કિંમત 129 ડોલર રાખવામાં આવી છે. જોકે એક્ટિવ નોઇઝ કેન્સલેશન સાથે આવતાં એરપોડ્સની કિંમત 179 ડોલર રાખવામાં આવી છે. આ એરપોડ્સમાં ટ્રાફિક અને એરપ્લેનનો અવાજ આવતો હોય એ તમામ અવાજ સામે વાળી વ્યક્તિને નહીં સંભળાય. તેમ જ એનો ઉપયોગ કરનાર યુઝરને પણ એ અવાજ નહીં સંભળાય. આ એરપોડ્સના કેસ વાયરલેસ છે અને ‘ફાઇન્ડ માય’ ફીચર માટે એમાં બિલ્ટ ઇન સ્પીકર આપવામાં આવ્યું છે. એરપોડ્સ પ્રો 2માં હિયરીંગ એઇડ ફીચર આપવામાં આવ્યું છે. સાંભળવામાં તકલીફ પડતી હોય એવી વ્યક્તિને વધુ સારી રીતે સંભળાઈ શકશે. એરપોડ્સ પ્રો 2માં હેડફોનની સાથે વધુ કામ કરી શકે એ રીતની તેની ક્ષમતા વધારવામાં આવી છે. આ એરપોડ્સ પ્રો 2ની પ્રાઇઝ 249 ડોલર છે.
એરપોડ્સ મેક્સ
એરપોડ્સ મેક્સનું અપગ્રેડેડ વર્ઝન નવા કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં મિડનાઇટ, બ્લુ, પર્પલ ઓરેન્જ અને સ્ટારલાઇટનો સમાવેશ થાય છે. આ હેડફોનમાં એક્ટિવ નોઇઝ કેન્સલેશન, ટ્રાન્સપરન્સી મોડ અને એક્સટેન્ડેડ બેટરી લાઇફ પણ છે. આ એરપોડ્સની ખાસિયત એ છે કે એમાં દરેક પ્રકારના સાઉન્ડ સંભળાશે. તેમ જ જો લાઉડ અવાજ હશે તો એ ઓટોમેટિક અવાજને ધીમો કરી નાખશે જેથી યુઝરના કાનને નુક્સાન ન થાય. એરપોડ્સ મેક્સની કિંમત 549 ડોલર છે.
આઇફોન 16 સીરિઝ
એપલે આઇફોન 16ના ચાર મોડલ લોન્ચ કર્યાં છે. આઇફોન 16માં A18 પ્રોસેસર 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 48 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલનો બેક કેમેરાનો સમાવેશ કર્યો છે. 8 જીબી રેમ ધરાવતા આ આઇફોનની સ્ક્રીન 6.10 ઇન્ચની છે. એમાં બેસિક સ્ટોરેજ 128 જીબી છે. આ આઇફોનની કિંમત 799 ડોલર છે.
આઇફોન 16 પ્લસમાં A18 પ્રોસેસર 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 48 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલનો બેક કેમેરાનો સમાવેશ કર્યો છે. 128 જીબી સ્ટોરેજ ધરાવતા આ આઇફોનની સ્ક્રીન 6.70 ઇન્ચની છે. આ આઇફોનની કિંમત 899 ડોલર છે.
આઇફોન 16 પ્રોમાં A18 pro પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 12 મેગાપિક્સલનો ફ્ર્ન્ટ કેમેરાની સાથે 48 મેગાપિક્સલના, 12 મેગાપિક્સલ અને 48 મેગાપિક્સલનો બેક કેમેરા છે. આઠ જીબી રેમ ધરાવતા આ આઇફોનની સ્ટોરેજ 256 જીબીથી શરૂ થાય છે. આ આઇફોનની કિંમત 999 ડોલર છે.
આઇફોન 16 પ્રો મેક્સમાં A18 pro પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 12 મેગાપિક્સલનો ફ્ર્ન્ટ કેમેરાની સાથે 48 મેગાપિક્સલના, 12 મેગાપિક્સલ અને 48 મેગાપિક્સલનો બેક કેમેરા છે. આઠ જીબી રેમ ધરાવતા આ આઇફોનની સ્ટોરેજ 256 જીબીથી શરૂ થાય છે. આ મોબાઇલની ડિસ્પ્લે એપલની અત્યાર સુધીની આઇફોનની સૌથી મોટી ડિસ્પ્લે છે. આ આઇફોનની કિંમત 1199 ડોલર છે. આ આઇફોનને કેમેરા એક્શન બટન અને નવા કલર સાથે રિલીઝ કરવામાં આવ્યાં છે.