એપલે લોન્ચ કર્યો iPhone 16e: 59,900થી શરૂ થાય છે કિંમત, પ્રો સિરીઝ જેવા છે તમામ ફીચર્સ
iPhone 16e Launch: એપલ દ્વારા તેમની આઇફોનની રેન્જમાં નવું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડલનું નામ આઇફોન 16e રાખવામાં આવ્યું છે. 16eને પહેલાં આઇફોન SE4 રાખવામાં આવશે એવી ચર્ચા હતી. જોકે આ બજેટ મોબાઇલને પણ હવે આઇફોન 16 સિરીઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 59,900થી શરૂ થાય છે. આઇફોન 16eને 21 ફેબ્રુઆરીથી પ્રી-ઓર્ડર કરી શકાશે અને 28 ફેબ્રુઆરીથી એની ડિલીવરી શરૂ કરવામાં આવશે.
પ્રોસેસર અને મોડેમ
એપલ દ્વારા આ ડિવાઇઝમાં પણ એપલ 16 સિરીઝની ચીપ એટલે કે A18 ચીપનો સમાવેશ કર્યો છે. આ સાથે જ એપલે પહેલી વાર તેમણે પોતે બનાવેલું 5G મોડેમ એપલ C1 નો સમાવેશ કર્યો છે. આ એક સેલ્યુલર મોડેમ છે અને એની મદદથી ઇન્ટરનેટની સ્પીડમાં ખૂબ જ વધારો જોવા મળશે. આ સાથે જ A18 ચીપ અને એપલ C1 મોડેમને લઈને આઇફોનની બેટરી લાઇફમાં પણ ખૂબ જ વધારો જોવા મળશે. સાથે જ આઇફોનનું પર્ફોર્મન્સ પણ ખૂબ જ સારું છે.
ડિસ્પ્લે અને બેટરી
આ આઇફોનમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે, જેમાં OLED ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં એડ્જ-ટૂ-એડ્જ ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે જે HDR વીડિયો, વીડિયો ગેમ્સ અને નાના ફોન્ટમાં શબ્દ હોય એ વાંચવા માટે પણ ઉત્તમ છે. આઇફોન 11 કરતાં છ કલાક વધુ અને આઇફોનની તમામ SE મોડલ કરતાં 12 કલાક વધુ બેટરી બેકઅપ આપે છે. આ આઇફોનમાં સિક્યોરિટી માટે ફેસઆઇડી છે અને ચાર્જીંગ માટે યુએસબી સી ટાઇપનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પર્ફોર્મન્સ અને કનેક્ટિવિટી
આઇફોન 16eમાં 6-કોર CPU છે. આઇફોન 11ની A13 બાયોનિક ચીપ કરતાં આ ફોનની ચીપ 80 ટકા ફાસ્ટ કામ કરે છે. 4-કોર GPU અદ્ભુત ગ્રાફિક્સ માટે આપે છે જેના કારણે હાઇ-રિઝોલ્યુશન ગેમ પણ ખૂબ જ સારી અને અટકવા વગર ચાલશે. એપલ દ્વારા જે મોડમ બનાવવામાં આવ્યું છે એ કનેક્ટિવિટી માટે ખૂબ જ અદ્ભુત છે અને ઓછી બેટરીનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ હોય કે સેલ્યુલર એમાં સારી કનેક્ટિવિટી જોવા મળશે અને બેટરીનો પણ ઓછો ઉપયોગ થશે.
એપલ ઇન્ટેલિજન્સ, એક્શન બટન અને કેમેરા
એપલના નવા આઇફોનમાં એપલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બજેટ ફોન હોવા છતાં એમાં એપલ ઇન્ટેલિજન્સ કામ કરે છે એટલે કે એક લાખ રૂપિયાના ફોનમાં જે ફીચર્સ છે એ તમામ આ મોબાઇલમાં પણ જોવા મળશે. લખવા માટેના ટૂલની સાથે ફોટો માંથી કંઈ કાઢી નાખવું હોય એ માટેનું ક્લીનઅપ ટૂલ પણ આપવામાં આવ્યું છે અને ChatGPT નો પણ ઉપયોગ કરી શકાશે. આઇફોન 16 સિરીઝમાં સાઇલેન્ટ બટનની જગ્યાએ હવે એક્શન બટન આવી ગયું છે. આ બટનનો ઉપયોગ પણ બજેટ આઇફોનમાં કરવામાં આવ્યો છે. આથી એપલના હાઇએન્ડ આઇફોનમાં જેટલાં ફીચર્સ છે એ તમામ આ આઇફોનમાં પણ આપવામાં આવ્યાં છે.
આઇફોન 16e માં 2-ઇન-1 કેમેરા સિસ્ટમ છે. એમાં 48 મેગાપિક્સલનો ફ્યુઝન કેમેરા છે. આ કેમેરા સાદા ફોટાની સાથે પોર્ટ્રેટ પણ લેશે અને નાઇટ મોડ ફોટોગ્રાફી પણ એટલી જ સારી રીતે કરશે. આ ફોનના કેમેરામાં 2x ટેલીફોટો હોવાથી યૂઝર્સ ઓપ્ટિકલ ઝૂમ પણ કરી શકશે અને 4K વીડિયો પણ શૂટ કરી શકાશે. આ ફોનમાં 12 મેગાપિક્સલનો ટ્રૂ-ડેપ્થ સેલ્ફી કેમેરા છે.
કિંમત
આ આઇફોનની કિંમત 59,900 થી શરૂ થાય છે જે 128 જીબી માટે છે. બ્લેક એન્ડ વાઇટ બે જ કલરમાં ઉપલબ્ધ આ આઇફોનના 256 જીબી મોડલની કિંમત 69,900 અને 512 જીબી માટે 89,900 રૂપિયા છે. આ ફોન સાથે પણ બોક્સમાં ફક્ત એક યુએસબી સી કેબલ આપવામાં આવે છે.