ચાર્જર વગર ફોન વેચવાનુ એપલને ભારે પડી ગયુ, 19 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે
નવી દિલ્હી,તા.7 સપ્ટેમ્બર 2022,બુધવાર
છેલ્લા બે વર્ષથી એપલ કંપની ચાર્જર વગર દુનિયાભરમાં પોતાના આઈફોન વેચી રહી છે.
જોકે હવે એપલને આ નિર્ણય ભારે પડી ગયો છે.બ્રાઝિલ સરકારે એપલ પર ચાર્જર વગર મોબાઈલ વેચવા બદલ 19 કરોડ રૂપિયા એટલે કે 24 લાખ ડોલરનો દંડ ફટકાર્યો છે. સાથે સાથે ચાર્જર વગરના આઈફોન વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
બ્રાઝિલ સરકારનુ કહેવુ છે કે, ચાર્જર વગર ફોન વેચવાનો નિર્ણય ગ્રાહકો સાથે જાણી જોઈને ભેદભાવ કરવા જેવો છે.
ઉલ્લેખનીય છે કે, એપલે 2020માં આઈફોન 12ના લોન્ચિંગ વખતે જાહેરાત કરી હતી કે, આઈફોનની સાથે ચાર્જર આપવામાં નહીં આવે. આ નિર્ણય કાર્બન એમિશન ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. જોકે એપલના આ તર્કને બ્રાઝિલ સરકાર સ્વીકારવા તૈયાર નથી અને તેનુ કહેવુ છે કે, ચાર્જર નહીં આપવાથી પર્યાવરણની સુરક્ષા થાય છે તેવો કોઈ પૂરાવો નથી.