એપલ પર લાગ્યો નકલનો આરોપ: ફ્રી એપ્લિકેશનના ફીચર્સને કોપી કરીને ચાર્જ કર્યા પૈસા
Apple Invites App: એપલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ જે ઇવેન્ટ-પ્લાનિંગ એપ માટે યૂઝર્સ પાસેથી પૈસા ચાર્જ કરે છે એ તમામ ફીચર્સ તેમણે ફ્રી એપ્લિકેશનમાંથી કોપી કર્યા છે. એપલ દ્વારા ‘ઇનવાઇટ્સ’ નામની એપ લોન્ચ કરવામાં આવી છે. આ એક ઇવેન્ટ્સ પ્લાનિંગ એપ છે. આ એપ્લિકેશન ફક્ત આઇફોન યૂઝર્સ માટે છે જેઓ આઇક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરીને ઇનવાઇટ્સ બનાવી અને તેને શેર કરી શકે છે. આ ઇનવાઇટ જેમને મોકલવામાં આવે છે એ યૂઝર્સ પાસે એપલ ડિવાઇસ ન હોય અને આઇક્લાઉડ સબસ્ક્રિપ્શન ન હોય તો પણ તેઓ તે પર જવાબ આપી શકે છે. આ ફીચર્સ તેમણે ફ્રી એપ્લિકેશન ‘પાર્ટીફુલ’માંથી કોપી કર્યા હોવાનો આરોપ છે.
એપ્લિકેશનના ફીચર્સ
આ એપ્લિકેશન દ્વારા જે પણ વ્યક્તિ ઇવેન્ટ હોસ્ટ કરી રહ્યો હોય તે લિંક દ્વારા ઇનવાઇટ મોકલી શકે છે. આ સાથે જ કોણ-કોણ આવી રહ્યું છે એના રિસ્પોન્સને ટ્રેક કરી શકાય છે. ઇનવાઇટ્સ જે વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યું હોય એ પર્સનલાઇઝડ ઇનવાઇટ પણ બનાવી શકે છે. આ ઇનવાઇટ્સમાં ફોટો અને વીડિયો શેર કરવા માટેનું આલ્બમ પણ બનાવી શકાય છે. આ ઇનવિટેશન બનાવતી વખતે હોસ્ટ તેની ફોટો લાઇબ્રેરી અથવા તો એપ્લિકેશનમાં ઉપલબ્ધ હોય તે ફોટોને બેકગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરી શકે છે.
મેપ્સ અને વેધરની અપડેટ્સ
‘ઇનવાઇટ્સ’ એપમાં એપલનું ઇમેજ પ્લેગ્રાઉન્ડ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર દ્વારા હોસ્ટ AI જનરેટ ફીચર્સનો પણ સમાવેશ કરી શકે છે. જોકે આ માટે સપોર્ટેડ ડિવાઇસ હોવી જરૂરી છે. આ ઇવેન્ટ ક્યાં રાખવામાં આવી છે એનો મેપ અને એ સમયે ત્યાં વેધર કેવું હશે તેની અપડેટનો પણ સમાવેશ કરી શકાય છે. એપલ મ્યુઝિક સબસ્ક્રાઇબર્સ માટે એક વધુ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ આ સાથે એક કોલોબ્રેટિવ પ્લેલિસ્ટ પણ બનાવી શકે છે જેને યુઝર્સ સીધા એપ્લિકેશનમાંથી એક્સેસ કરી શકે છે.
એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે શું જરૂરી છે?
એપલ ‘ઇનવાઇટ્સ’નો ઉપયોગ કરવા માટે યુઝર પાસે આઇક્લાઉડ પ્લસ સબસ્ક્રિપ્શન હોવું જરૂરી છે. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે એક મહિનાના ઓછામાં ઓછા 75 રૂપિયા ચૂકવવા પડે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે આઇફોનમાં iOS 18 હોવું જરૂરી છે. ત્યાર બાદનું કોઈ પણ વર્ઝન હશે તો તે કામ કરશે. બીજી તરફ ‘પાર્ટીફુલ’ને 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એને ખાસ કરીને યુવાન અને ટીનેજરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. એને ખૂબ જ પોપ્યુલરિટી પણ મળી હતી. જોકે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે કોઈ પણ સબસ્ક્રિપ્શનની જરૂર નથી પડતી. તેનો ઉપયોગ ફ્રીમાં કોઈ પણ યુઝર કરી શકે છે.
‘ઇનવાઇટ્સ’માં છે વધુ કન્ટ્રોલ
એપલ દ્વારા ‘ઇનવાઇટ્સ’માં એપલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી યુઝર્સ તેને જે લખવું હોય તે વધુ સારી રીતે લખી શકે છે. આ સાથે જ એપલ દ્વારા તેમાં વધુ કન્ટ્રોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર્સ પાસે સંપૂર્ણ કન્ટ્રોલ હશે કે આ ઇનવિટેશન પરની માહિતી યૂઝર્સ કેવી રીતે જોઈ શકે. તેમાં ઇવેન્ટને લીવ અને રિપોર્ટ કરવાનું ફીચર પણ આપવામાં આવ્યું છે. એપલના સિનિયર ડિરેક્ટર ઓફ વર્લ્ડવાઇડ પ્રોડક્ટ માર્કેટિંગ ફોર એપ્સ એન્ડ આઇક્લાઉડ, બ્રેન્ટ ચિયુ-વોટ્સન કહે છે, ‘એપલ ‘ઇનવાઇટ્સ’ની મદદથી ઇવેન્ટ માટેનું ઇનવાઇટ જ્યારે બનાવવામાં આવે છે ત્યારથી જ ઇવેન્ટમાં જાન આવી જાય છે.’