એપલ આઇફોન SE 4ની સાથે 19 ફેબ્રુઆરીએ મેકબૂક, આઇપેડ અને એરટેગ પણ લોન્ચ કરીશે એવી ચર્ચા
Apple iPhone Se 4 Launch Event: એપલ દ્વારા 19 ફેબ્રુઆરીએ આઇફોન SE 4 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ફોનની સાથે મેકબૂક, આઇપેડ અને એરટેગને પણ લોન્ચ કરવામાં આવશે. આ ફોનની ઘણી સમયથી રાહ જોવાઈ રહી હતી. આવતાં અઠવાડિયે લોન્ચ કરવામાં આવશે એવી માહિતી હતી, પરંતુ હવે ટિમ કૂક દ્વારા જ પોસ્ટ શેર કરીને એ વિશે માહિતી આપી દેવામાં આવી છે.
ફાઇનલી હોમ બટનને બાઇ-બાઇ
એપલ આઇફોન SE 4માં હોમ બટનને બાઇ-બાઇ કરી દેવામાં આવ્યું છે. સ્ટીવ જોબ્સ દ્વારા જ્યારે આઇફોન લોન્ચ કર્યો હતો ત્યારે એમાં ફક્ત હોમ બટન હતું. જોકે હવે એ બટનનું છેલ્લું મોડલ SE હતું, જેને પણ હવે બંધ કરી દેવામાં આવ્યું છે. SE 4માં પણ હવે ફેસ આઇડીનો ઉપયોગ કરવામાં આવશે.
સ્ટીવ જોબ્સ દ્વારા જ્યારે આઇફોન લોન્ચ કરવામાં આવ્યો ત્યારે હોમ બટન એક સિગ્નેચર બટન હતું. જોકે ટિમ કૂકે એનિમેશન શેર કરીને જે પોસ્ટ કરી છે એના આધારે એવું લાગી રહ્યું છે કે હોમ બટન હવે નહીં હોય. આ આઇફોનમાં 60Hz OLED ડિસ્પ્લે, A18 ચીપ, 8 GB રેમ અને 48MPનો કેમેરા આપવામાં આવ્યો છે. એમાં એપલનું નવું હોમ બિલ્ટ 5G મોડેમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આઇફોન સાથે થઈ શકે છે અન્ય પ્રોડક્ટ લોન્ચ
ટિમ કૂક દ્વારા ફક્ત પ્રોડક્ટ લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. એમાં SE 4 હોવાના એંધાણ વધુ છે. જોકે આ સપ્ટેમ્બરમાં યોજવામાં આવે એટલી મોટી ઇવેન્ટ નથી, પરંતુ એમ છતાં એમાં આઇફોનની સાથે અન્ય પ્રોડક્ટ પણ લોન્ચ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે. એમાં M4 મેકબૂક એર, M3 આઇપેડ એર અને 11 જનરેશનલ પર આધારિત નવું આઇપેડ લોન્ચ કરવામાં આવી શકે છે.
ટિમ કૂક દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં એપલના લોગોની આસપાસ એક સર્કલ જોવા મળી રહ્યું છે. આથી એવી પણ ચર્ચા છે કે એરટેગમાં પણ ઘણા બદલાવ કરવામાં આવ્યાં હોઈ શકે છે. જોકે એપલ ફક્ત આઇફોન SE 4 જ લોન્ચ કરે એવું પણ બની શકે છે.
આ પણ વાંચો: રોમેન્સ સ્કેમને કેવી રીતે ઓળખશો? એનાથી બચવા માટે આટલું જાણો...
અન્ય પ્રોડક્ટ
એપલ દ્વારા આ ઇવેન્ટમાં જો મેકબૂક અને આઇપેડ લોન્ચ ન કરવામાં આવે તો એ માટે અલગથી ઇવેન્ટ રાખવામાં આવશે અને એ માર્ચની આસપાસ હોઈ શકે છે. મેકબૂક, આઇપેડ અને એરટેગની સાથે એપલ પહેલી વાર ડિસ્પ્લેવાળું સ્માર્ટ હોમ લોન્ચ કરી શકે છે. આ સાથે જ પ્રો લેવલના ડેસ્કટોપ કમ્પ્યુટર પણ લોન્ચ કરવામાં આવશે.