એપ સ્ટોર પર એપલે કરી સાફ-સફાઈ: 135000 એપ્લિકેશન કરી બેન, જાણો કેમ
Apple Apps Banned: એપલ દ્વારા તેના એપ સ્ટોર પર સાફ-સફાઈ કરવામાં આવી છે. એપ સ્ટોર પરથી લગભગ 135000 એપ્લિકેશનને બેન કરવામાં આવી છે. એમાંની મોટાભાગની એપ્લિકેશન યુરોપિયન યુનિયન માર્કેટમાંથી છે. આ એપ્લિકેશન એટલા માટે બેન કરવામાં આવી હતી કારણ કે એમાં જરૂરી ટ્રેડર ઇન્ફોર્મેશન નહોતી. એપ સ્ટોર પર ઘણી એપ્લિકેશન છે અને એપલની પ્રોડક્ટમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે એનો જ ઉપયોગ કરવો પડે છે. જોકે યુરોપિયન યુનિયનમાં થર્ડ-પાર્ટી એપ સ્ટોરની પરવાનગી હવે આપવામાં આવી છે.
એપ સ્ટોરના ઇતિહાસમાં સૌથી વધુ એપ્લિકેશન બેન
એપલના આટલાં વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર એપ સ્ટોર પરથી એક સાથે આટલી એપ્લિકેશન બેન કરવામાં આવી છે. એપલ દ્વારા આજ સુધી આટલાં આકરા પગલાં ક્યારેય નહોતા લેવામાં આવ્યા. જોકે છેલ્લા થોડા વર્ષથી યુરોપિયન યુનિયન એપલની દરેક પોલીસીમાં ખૂબ જ દખલગિરી કરી રહ્યું છે. આ સાથે જ તેઓ નવા-નવા નિયમ લોન્ચ કરતાં રહે છે. આ નિયમ અનુસાર ડેવલપર્સ દ્વારા તમામ માહિતી એપલને આપવી જરૂરી છે. આથી જે પણ એપ્લિકેશનની માહિતી ઓછી હોય અથવા તો આપવામાં નહોતી આવી હોય અથવા તો યોગ્ય ન હોય એ દરેક પર એપલને કાતર ચલાવી છે.
એપલે કેમ આ પગલું લીધું?
યુરોપિયન યુનિયન દ્વારા ટ્રાન્સપરન્સી અને કોન્સ્યુમર પ્રોટેક્શનના નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. આ અનુસાર એપ્લિકેશન ડાઉનલોડ કરનારને દરેક માહિતી હોવી જોઈએ કે એપ્લિકેશન કોણે બનાવી છે, કોના માટે बनाई છે, કેવી રીતે બનાવી છે અને કોના દ્વારા બનાવી છે વગેરે વગેરે. આ કાયદાનું સખત પણે પાલન કરવા માટે એપલ દ્વારા તમામ એપ્લિકેશનને બેન કરવામાં આવી છે જેમાં માહિતી પૂરતી ન હોય. એપ્લિકેશન ડેવલપર્સ દ્વારા જ્યાં સુધી માહિતી આપવામાં ન આવે ત્યાં સુધી એ માહિતી એપલ દ્વારા યૂઝર્સને નહીં આપી શકાય. આ માટે એપલ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
ડેવલપર્સ અને યૂઝર્સ પર શું અસર થશે?
ડેવલપર્સ માટે હવે એ ફરજિયાત થઈ ગયું છે કે તેઓ તેમની એપ્લિકેશનને એપ સ્ટોર પર રિલીઝ કરવા માટે તમામ માહિતી આપે. તેમની પાસે પૂરતી અને ચોક્કસ માહિતી હોવી જરૂરી છે. જો એ નહીં હોય તો હવે એપ્લિકેશન સ્ટોર પર નહીં જોવા મળે. આ કાયદાને કારણે યૂઝર્સને હવે વધુ સુરક્ષિત અને પારદર્શક એપ સ્ટોર જોવા મળશે. તમામ માહિતી હોવાથી હવે એપ સ્ટોર પર ફેક એપ્લિકેશન અને સ્કેમ કરનારી એપ્લિકેશન નહીંવત જોવા મળશે. તેમ જ ડેટા કલેક્ટ કરતી એપ્લિકેશન પણ ઓછી થશે કારણ કે હવે ડેવલપર્સની વેરિફાઇ માહિતી એપ સ્ટોર પર આપવી પડશે.