એપલની WWDC 9 જૂને શરુ થશે, શું નવું જોવા મળશે?
Apple WWDC 2025: એપલ દ્વારા તેમની વાર્ષિક વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC) 2025 9મી જૂને આયોજિત કરવામાં આવી છે. અમેરિકાના કુપર્ટિનોમાં આવેલા એપલ પાર્કમાં આ ઇવેન્ટ 9 જૂનથી 13 જૂન સુધી ચાલશે. પહેલા દિવસે ટિમ કૂક દ્વારા કીનોટ્સ પ્રસ્તુત કરવામાં આવશે. આ ઇવેન્ટને ઘણા પ્લેટફોર્મ્સ પર લાઇવ પણ પ્રસારિત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં આઇફોન, આઇપેડ, એપલ વોચ, મેકબૂક, વિઝન પ્રો અને એપલ ટીવીના નવા સોફ્ટવેર વિશે ચર્ચા કરવામાં આવશે.
શું નવું જોવા મળી શકે?
એપલ કીનોટ ઇવેન્ટમાં આઇફોન માટે iOS 19, આઇપેડ માટે iPadOS 19, મેકબૂક માટે macOS 16, એપલ ટીવી માટે tvOS 19, એપલ વોચ માટે watchOS 12 અને વિઝન ગ્લાસ માટે visionOS 3 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરશે. આ ઇવેન્ટમાં ઓનલાઇન સેશન અને લેબ્સનો સમાવેશ થશે જ્યાં ડેવલપર્સ આ નવા સોફ્ટવેરને લોકો સુધી પહોંચે એ પહેલાં ટેસ્ટ કરી શકશે.
iOS 19માં શું બદલાવ આવશે?
iOS 19માં ઇન્ટરફેસમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવશે. એપલની તમામ ઍપ્લિકેશન્સ અને તેમના લૂકમાં આ સુધારા જોવા મળશે. એપલ દ્વારા કન્ટ્રોલ સેન્ટરમાં ફોકસ મોડ્સનો સમાવેશ કરવાના છે, જેને સંપૂર્ણ રીતે કસ્ટમાઇઝ કરી શકાશે. નવા વિજેટ્સ અને સ્માર્ટ સજેશન્સનો સમાવેશ પણ કરવામાં આવશે. visionOS 3 પર સૌની નજર છે, કેમ કે તેમાં કેમેરા એપમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. ફોટો અને વીડિયો મોડ્સમાં વધુ કન્ટ્રોલ્સ પ્રદાન કરાયા છે.
એપલ ઇન્ટેલિજન્સ અને સિરી થશે વધુ ઍડ્વાન્સ
WWDC 2025માં એપલ દ્વારા એપલ ઇન્ટેલિજન્સ અને સિરીને વધુ ઍડ્વાન્સ બનાવવામાં આવી છે, એવી જાહેરાત કરવામાં આવશે. 2024માં આ ફીચર્સ વિશે વાત કરવામાં આવી હતી, પરંતુ તેને હજી અમલમાં મૂકવામાં આવ્યા નથી. સિરીને વધુ ઍડ્વાન્સ બનાવવા માટેના પડકારો અંગે ચર્ચા થશે. એપલ દ્વારા આ ઇવેન્ટમાં નવી iOS 19માં આ ફીચર્સ વિસ્તૃત રીતે પ્રસ્તુત કરાશે.
macOS 16માં ટચસ્ક્રીનનો સમાવેશ?
macOS 16માં મેકબૂક માટે ટચસ્ક્રીન સપોર્ટનો સમાવેશ થવાની અપેક્ષા છે. ટચસ્ક્રીન મેક વિશે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. જો એપલ આ દિશામાં વાસ્તવિક કામ કરી રહ્યું હોય, તો તે વિશે macOS 16માં આડકતરી રીતે માહિતી આપવામાં આવી શકે છે. જોકે, મેકબૂક ટચસ્ક્રીન 2027 સુધી ઉપલબ્ધ થશે એવું ધારવાનું નથી. આ ઉપરાંત watchOS 12માં વધુ હેલ્થ-ટ્રેકિંગ ફીચર્સ ઉમેરવામાં આવશે.