APK ફાઇલ દ્વારા કરવામાં આવી રહ્યાં છે સ્કેમ, જાણો કેવી રીતે થાય છે અને એનાથી કેવી રીતે બચશો?

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
APK ફાઇલ દ્વારા કરવામાં આવી રહ્યાં છે સ્કેમ, જાણો કેવી રીતે થાય છે અને એનાથી કેવી રીતે બચશો? 1 - image


Apk Scam: સ્કેમ કરનારા હાલમાં એન્ડ્રોઇડ યુઝરને ટાર્ગેટ કરી રહ્યાં છે. આ માટે તેમની પાસે ઘણાં રસ્તાઓ છે, પરંતુ એમાનો એક છે APK ફાઇલ. આ APK ફાઇલ યુઝર પાસે તેમના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાવે છે અને પછી યુઝરના પૈસા ખાતામાંથી ચોરી લે છે. આથી APK ફાઇલ દ્વારા કરવામાં આવતા ફ્રોડને ઓળખવું ખૂબ જ જરૂરી છે. આ માટે સ્કેમ કરનાર વ્યક્તિ ખૂબ જ દિમાગ ચલાવે છે એથી યુઝરે પણ એટલા ચતૂર બની એ ઓળખવું જરૂરી બને છે કે ફોન પર સામેની વ્યક્તિ જે છે એ ખરેખર બેન્કમાંથી છે કે પછી સ્કેમ કરનાર છે.

APK ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી દૂર રહેવું

યુઝર પર ઘણી રીતે APK ફાઇલ મોકલવામાં આવે છે. વોટ્સએપ દ્વારા ફાઇલ મોકલવામાં આવે છે અથવા તો ટેક્સટ મેસેજ દ્વારા લિન્ક સેન્ડ કરવામાં આવે છે. હાલમાં જ એક વ્યક્તિને ફોન આવ્યો હતો કે તેમને પંજાબ નેશનલ બેન્કમાં ખૂબ જ ચાર્જિસ લાગી રહ્યાં છે. આ માટે એક ફીચરને ઓન કરી દેતાં એ ચાર્જિસ ઓછા થઈ જશે. આ માટે ફોન પર સામેની વ્યક્તિ ગાઇડ કરે છે કે યુઝરના ફોનમાં એપ્લિકેશન હોય તો આ રીતે ફીચર ઓન કરો. જોકે હકિકતમાં એવું કોઈ ફીચર હોતું નથી આથી યુઝરને એ મળતું પણ નથી. આ સમયે ફોન પર સામેની વ્યક્તિ કહેશે કે એપ્લિકેશનમાં પ્રોબ્લેમ હશે અથવા તો આઉટડેટેડ હશે. આથી તે નવી APK ફાઇલ યુઝરને સેન્ડ કરશે. આ રીતે જ્યારે પણ APK ફાઇલ સેન્ડ કરવામાં આવે એટલે સમજવું કે સ્કેમ થઈ રહ્યો છે. કોઈ પણ બેન્ક આ રીતે APK ફાઇલ સેન્ડ નથી કરતી.

આ પણ વાંચો: તમે પણ UPI સ્કેમ્સને ઓળખી શકો છો, જાણો કેવી રીતે તેનાથી બચી શકાય

APK ફાઇલ દ્વારા કરવામાં આવી રહ્યાં છે સ્કેમ, જાણો કેવી રીતે થાય છે અને એનાથી કેવી રીતે બચશો? 2 - image

ખોટી પરમિશન માગવી

APK ફાઇલને ઇન્સ્ટોલ કરવાની સાથે જ યુઝર પાસે એક પછી એક વિવિધ પરમિશન માગશે. કેમેરા, કોલ, મેસેજ, કોન્ટેક્ટ, લોકેશન જેવી વિવિધ પરમિશન માગતા સમજી લેવું કે આ ખોટી એપ્લિકેશન છે. કોઈ પણ બેન્કની એપ્લિકેશન આટલી બધી પરવાનગી નથી માગતી. તેમ જ આ એપ્લિકેશનની સાઇઝ ખૂબ જ નાની હશે. એથી એ જોઈને પણ ખબર પડી જશે કે ઓરિજિનલ બેન્ક એપ્લિકેશન છે કે નહીં. બને ત્યાં સુધી પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવનો આગ્રહ રાખવો. તેમ જ ફોનમાં એન્ટિવાઇરસ એપ્લિકેશન હશે તો એ તરત જણાવી દેશે કે એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં કરવી કારણ કે એમાં વાઇરસ છે.

કેવી રીતે કરવામાં આવે છે સ્કેમ?

યુઝરને જ્યારે પણ આ રીતે APK ફાઇલ ઇન્સ્ટોલ કરવા કહે છે ત્યારે એમાં વાઇરસ હોય છે. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની સાથે જ સ્કેમ કરનારને મેસેજ અને ફોન અને કોન્ટેક્ટ સહિત દરેક વસ્તુની પરવાનગી મળી ગઈ હોય છે. આથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તો યુઝર પાસેથી વન ટાઇમ પાસવર્ડ માગવાની પણ જરૂર નથી પડતી અને યુઝરનું એકાઉન્ટ સ્કેમ કરનાર ખાલી કરી નાખે છે. આથી APK ફાઇલથી દૂર રહેવાની સાથે કોઈ પણ લિન્ક પણ ઓપન નહીં કરવી.


Google NewsGoogle News