DRDOની વધુ એક સિદ્ધિ, પૃથ્વી-2 ન્યુક્લિયર અને ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ
DRDO Successful Tested Prithvi-2 Nuclear And Interceptor Missile: ડીઆરડીઓ(Defence Research and Development Organisation)એ આજે બાલાસોર જિલ્લાના અબ્દુલ કલામ દ્વીપ પરથી એક અલગ પ્રકારની મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. લોન્ચ પેડ-3 પરથી પહેલા પૃથ્વી-2 ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી. ત્યારબાદ ઈન્ટરસેપ્ટર મિસાઈલ AD-1 લોન્ચ કરવામાં આવી. આ ટેસ્ટ સાંજે 4:15 વાગ્યે કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ માટે આસપાસના10 ગામોના 10,581 લોકોને અન્ય સ્થળ પર શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ફરી એક વાર દુનિયા થંભી ગઈ
ઈન્ટરસેપ્ટર મિસાઈલ એટલે શું?
AD-1 એ સમુદ્ર આધારિત એન્ડો-એટ્મોસ્ફેરિક બીએમડી ઈન્ટરસેપ્ટર મિસાઈલ છે. આ મિસાઈલ પાકિસ્તાન કે ચીન તરફથી આવનારી બેલેસ્ટિક મિસાઈલને વાતાવરણની નજીક નષ્ટ કરી દેશે. આ મિસાઈલના બે પ્રકાર છે. પહેલું AD-1 અને બીજું AD-2. આ બંને મિસાઈલ દુશ્મનની આઈઆરબીએમ મિસાઈલને ઈન્ટરસેપ્ટ કરી શકે છે. એટલે કે તે 5000 કિમીની રેંજ ધરાવતી મિસાઈલને પણ નષ્ટ કરી શકે છે. આ મિસાઇલો અમેરિકાની ટર્મિનલ હાઇ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) મિસાઇલ જેવી સંરક્ષણ પ્રણાલી ધરાવે છે. આ મિસાઈલની ઝડપ 5367 કિમી પ્રતિ કલાક છે
દુશ્મનની મિસાઈલને રસ્તામાં જ નષ્ટ કરી દેશે
જેવો દુશ્મન મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવે કે તુરંત જ આ મિસાઈલ જવાબી કાર્યવાહીના ભાગરૂપે ઓટોમેટિક સામે હુમલો કરે છે. તે જમીનથી 1000 થી 3000 કિલોમીટરના અંતરે તેમની સાથે અથડાશે અને તેનો નાશ કરી દેશે. તેને આઈઆરબીએમ મિસાઇલોનો નાશ કરવાના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે. આઈઆરબીએમ મિસાઈલની રેન્જ 3 થી 5 હજાર કિલોમીટર છે. જો ચીન આટલા દૂરથી મિસાઈલ છોડશે તો ભારતીય સેના કે નૌકાદળ તેને રસ્તામાં જ નષ્ટ કરી દેશે.
લાંબા અંતરની ઇન્ટરસેપ્ટર મિસાઇલ દુશ્મનોને હંફાવશે
AD-2 એ લાંબા અંતરની ઇન્ટરસેપ્ટર મિસાઇલ છે, જે લોંગ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલો તેમજ એરક્રાફ્ટના નીચા એક્સો-એટ્મોસ્ફેરિક અને એન્ડો-એટ્મોસ્ફેરિક ઇન્ટરસેપ્શન બંને માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે બે ચરણો ધરાવતી ઘન મોટર દ્વારા સંચાલિત મિસાઈલ છે. આ મિસાઈલ સ્વદેશી રીતે વિકસિત અદ્યતન કંટ્રોલ સિસ્ટમ, નેવિગેશન અને ગાઈડન્સ એલ્ગોરિધમથી સજ્જ છે.
આ પણ વાંચો: ગૂગલ મેપ્સમાં જાહેરાતોનો ઓવરડોઝ
હવે જાણીએ પૃથ્વી-2 મિસાઈલ વિશે
પૃથ્વી-2 મિસાઈલની રેન્જ 350 કિમી છે. તેમાં 500 થી 1000 કિલોગ્રામ ન્યુક્લિયર હથિયારો લગાવી શકાય છે. તે દુશ્મનની એન્ટી બેલેસ્ટિક મિસાઈલ ટેક્નોલોજીને છેતરવામાં સક્ષમ છે. તે ભારતની તમામ મિસાઇલોમાંની સૌથી નાની અને હલકી મિસાઇલ છે. તેનું વજન 4600 કિલોગ્રામ છે. લંબાઈ લગભગ 8.56 મીટર છે.
તેમાં અનેક પ્રકારના હથિયારો લગાવી શકાય છે. હાઈ એક્સપ્લોસિવ, પેનેટ્રેશન, કલસ્ટર મ્યુનિશન, ફ્રેગમેન્ટેશન, થર્મોબેરિક, કેમિકલ વેપન અને ટેક્ટિકલ ન્યૂક્લિયર વેપન લગાવી શકે છે. પૃથ્વી-2 મિસાઈલ સ્ટ્રેપ-ડાઉન ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ પર કામ કરે છે. લોન્ચ કરતી વખતે 8x8 ટાટા ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચરની મદદ લેવામાં આવે છે.
વાસ્તવમાં પૃથ્વી-2 મિસાઈલનું સાચું નામ SS-250 છે. તે ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવી હતી. જ્યારે પૃથ્વી-1 આર્મી માટે અને પૃથ્વી-3 નેવી માટે બનાવવામાં આવી હતી. આ મિસાઈલ સિસ્ટમના આધારે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ પ્રલય મિસાઈલ, પૃથ્વી એર ડિફેન્સ (PAD) એટલે કે પ્રદ્યુમન બેલિસ્ટિક મિસાઈલ ઈન્ટરસેપ્ટરનો કોન્સેપ્ટ બનાવ્યો હતો. PAD એવી મિસાઈલો છે જે વાતાવરણની બહાર જઈને દુશ્મનની મિસાઈલોને નષ્ટ કરી શકે છે. તે પણ 6174 કિમી પ્રતિ કલાકની ઝડપે.