મોબાઇલ ચોરીથી બચવા એન્ડ્રોઇડમાં AI આધારિત ફીચર : ઓફલાઇન અને રીમોટ લોક સાથે વધુ સિક્યોર એન્ડ્રોઇડ
AI Offline Lock feature:સ્માર્ટફોન વધુને વધુ સ્માર્ટ થઈ રહ્યાં છે અને દરેક વસ્તુ ડિજિટલાઇઝ થઈ રહી છે ત્યારે યુઝરે તેના મોબાઇલને સાચવવો ખૂબ જ જરૂરી છે. લાયસન્સ અને આધાર કાર્ડ ખોવાઈ જતાં એ જલદી મળી જાય છે, પરંતુ મોબાઇલ ખોવાતા એને શોધવો સહેલો નથી. આથી જ એમના તમામ ડેટાને ખૂબ જ સાચવીને રાખવું જરૂરી છે. આઇફોનમાં ડેટાને ડિલીટ કરવા અથવા તો એને લોક કરવાનો ઓપ્શન હતો, પરંતુ હવે એન્ડ્રોઇડ યુઝર્સ પણ રીમોટલી તેમના મોબાઇલને લોક કરી શકે છે. આ માટે એન્ડ્રોઇડની સિક્યોરિટીમાં પણ ખૂબ જ સુધારો કરવામાં આવ્યો છે.
AI સિક્યોરિટી
એન્ડ્રોઇડમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોરી કરતી વખતે ફોનને જે રીતે ઝૂંટવી લેવામાં આવે છે, ત્યારે જે ફોનની મૂવમેન્ટ થાય છે, એના આધારે એક એડિશનલ લોક ફીચર એડ કરવામાં આવ્યું છે. મોબાઇલના સેન્સર આ મૂવમેન્ટને ધ્યાનમાં લેશે અને મોબાઇલને લોક કરી દેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરત તમામ ફીચર અને એપ્લિકેશન્સને બંધ કરી દેશે, જેથી પર્સનલ ડેટાનો ઉપયોગ નહીં થઈ શકે. મોબાઇલને બાઇક પરથી ઝૂંટવીને લઈ જાય અથવા તો કારમાંથી લઈ જાય જેવા ઘણાં મૂવમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓફલાઇન ડિવાઇઝ લોક
મોબાઇલ ચોરી કર્યા બાદ, ચોર સૌથી પહેલું કામ સિમ કાર્ડ કાઢવાનું અને મોબાઇલને ઇન્ટરનેટથી દૂર રાખવાનું કરે છે. આથી ગૂગલ દ્વારા એક નવું ઓફલાઇન ડિવાઇઝ લોક ફીચર રજૂ કરવામાં આવ્યું છે. જો મોબાઇલ ચોક્કસ સમય કરતાં વધુ સમય માટે ઇન્ટરનેટથી ડિસકનેક્ટેડ હશે, તો આ લોક ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે. આ લોક એક વાર એક્ટિવેટ થઈ ગયા બાદ, ચોર પણ મોબાઇલને એક્સેસ નહીં કરી શકે. આથી, મોબાઇલ એકદમ સિક્યોર થઈ જશે.
રીમોટ લોક
ગૂગલ દ્વારા તેની રીમોટ લોક સિક્યોરિટીમાં સુધારો કરવામાં આવ્યો છે. ગૂગલની ફાઇન્ડ માય ડિવાઇઝ અથવા તો ગૂગલ એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી હોય, તો યુઝર હવે મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને પણ તેની ડિવાઇઝ લોક કરી શકશે. આ ફીચર દ્વારા યુઝરને વધુ એક સિક્યોરિટી ફંક્શન મળ્યું છે, જેથી તેના ડેટા વધુ સિક્યોર રહેશે.
ક્યારે આવશે આ ફીચર?
એન્ડ્રોઇડ દ્વારા આ ફીચર કયા મોબાઇલમાં અથવા તો કયા વર્ઝનમાં આપવામાં આવશે, એની કોઈ જાહેરાત કરવામાં નથી આવી. જો કે, ગૂગલ પ્લે સર્વિસને ઇન્સ્ટોલ રાખવું અને ઇન્સ્ટોલ હોય, તો એને અપડેટ રાખવું. આ ફીચર યુઝર માટે લોન્ચ કરવામાં આવતાં, જો આ સર્વિસ અપડેટેડ હશે, તો ઓટોમેટિક એ યુઝરના મોબાઇલમાં એ ફીચર એક્ટિવેટ થઈ જશે. ગૂગલ આ ફીચર દરેક એન્ડ્રોઇડ વર્ઝન માટે શરૂ કરશે, કારણ કે એ ગૂગલ પ્લે સર્વિસ બેઝ્ડ ફીચર છે.