એન્ડ્રોઇડના કો-ફાઉન્ડર રિચ માઇનરે કહ્યું, ‘માઇક્રોસોફ્ટને 400 બિલિયન ડોલરનું નુકસાન, એ બિલ ગેટ્સની ભૂલ’
Microsoft loses 400 Billion Dollar: બિલ ગેટ્સને મોબાઇલ માર્કેટમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. આ નુકસાન તેમની પોતાની ભૂલને કારણે થયું હોવાનું એન્ડ્રોઇડના કો-ફાઉન્ડર રિચ માઇનરનું માનવું છે. માઇક્રોસોફ્ટ દ્વારા મોબાઇલ માર્કેટમાં પણ ઝંપલાવવામાં આવ્યું હતું. તેમણે વિન્ડોઝ ફોન કાઢ્યા હતા અને ત્યાર બાદ એન્ડ્રોઇડ ફોન પણ કાઢવાનું શરૂ કર્યું હતું. જોકે ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું.
400 બિલિયન ડોલરનું નુકસાન
બિલ ગેટ્સે સ્વીકાર્યું છે કે મોબાઇલ માર્કેટમાં માઇક્રોસોફ્ટને જે નુકસાન થયું છે એ કંપનીની અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ છે. આ નુકસાન અંદાજે 400 બિલિયન ડોલરનું થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માઇક્રોસોફ્ટ દ્વારા સ્માર્ટફોન માર્કેટમાં ખૂબ જ મોડેથી એન્ટ્રી કરવામાં આવી હતી અને એના કારણે નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રિચ માઇનરે શું કહ્યું?
એન્ડ્રોઇડના કો-ફાઉન્ડર રિચ માઇનરે આ વિશે સીધી બિલ ગેટ્સની ભૂલ કાઢી છે. તેમનું કહેવું છે કે મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં માઇક્રોસોફ્ટની નિષ્ફળતા માટે બિલ ગેટ્સ જવાબદાર છે. આ વિશે વાત કરતાં રિચ માઇનરે કહ્યું હતું કે ‘માઇક્રોસોફ્ટ કમ્પ્યુટરની જેમ મોબાઇલ માર્કેટને પણ કન્ટ્રોલ કરે એ માટે મેં એન્ડ્રોઇડ બનાવવા માટે ખૂબ જ મદદ કરી હતી. આથી બિલ ગેટ્સ જ્યારે એન્ડ્રોઇડ સામે કંપની હારી ગઈ એ વાત કહી રહ્યા છે ત્યારે મને ખૂબ જ હસવું આવ્યું. 2002માં ઓરેન્જ દ્વારા જ્યારે પહેલો વિન્ડોઝ ફોન કાઢવામાં આવ્યો હતો ત્યારે એમાં મેં મદદ કરી હતી. મને એ સમયે ચિંતા થઈ હતી કે કમ્પ્યુટરની જેમ મોબાઇલ માર્કેટને પણ માઇક્રોસોફ્ટ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવશે. આથી મારે એકદમ ઓપન ઓપરેટિંગ સિસ્ટમ બનાવવી હતી અને એન્ડ્રોઇડ આવ્યું. આથી હું બિલ ગેટ્સને જણાવવા માગું છું કે તેમને આ ભૂલનો જે અહેસાસ છે એના કરતાં વધુ મહેસૂસ કરવાની તેમણે જરૂર છે.’
ટેક્નોલોજીમાં ટાઇમિંગનું મહત્ત્વ
માઇક્રોસોફ્ટ દ્વારા સ્માર્ટફોનના માર્કેટમાં જ્યારે એન્ટ્રી કરવામાં આવી હતી એ સમય નક્કી કરવો ખૂબ જ મહત્ત્વનો હતો. એપલ દ્વારા 2007માં આઇફોનની શરૂઆત થઈ હતી. ગૂગલ દ્વારા એન્ડ્રોઇડને 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું. માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 7 ફોન 2010માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આથી એપલ અને એન્ડ્રોઇડ દ્વારા ત્યા સુધીમાં 99.9 ટકા ઓપરેટિંગ સિસ્ટમનું માર્કેટ પર કબજો કરી લેવામાં આવ્યો હતો. માર્કેટમાં મોડી એન્ટ્રી કરવાથી માઇક્રોસોફ્ટને ખૂબ જ નુકસાન થયું હતું.
ઓપન સોર્સ
રિચ માઇનરના કહ્યાં મુજબ તેઓ એન્ડ્રોઇડને ઓપન સોર્સ બનાવવા માગતા હતા. આથી કોઈ પણ કંપની અથવા તો ડેવલપર્સ તેમની જરૂરિયાત મુજબ એમાં બદલાવ કરી શકે અને યુઝર્સને બેસ્ટ વસ્તુ મળી રહે. માઇક્રોસોફ્ટ દ્વારા તેમની ઓપરેટિંગ સિસ્ટમને ઓપન નથી રાખવામાં આવતી. કમ્પ્યુટર સાથે એવું જ કરવામાં આવ્યું હતું અને મોબાઇલ સાથે પણ જો એવું થાય એ પહેલાં જ એન્ડ્રોઇડને લોન્ચ કરી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ભારતીય સેના સાથે કામ કરશે રોબોટિક ઘોડા, સર્વેઇલન્સથી માંડી લોજિસ્ટિક્સનું કામ સંભાળશે
ટેક ઇન્ડસ્ટ્રીની હરીફાઈ
રિચ માઇનરની કમેન્ટને કારણે ટેક ઇન્ડસ્ટ્રીમાં હરીફાઈ જે છે એમાં કેટલાક નિર્ણયો અને ટાઇમિંગ કેટલું મહત્ત્વનું છે એ જોવા મળે છે. બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટની કમાન બીજાને સોંપી દીધી છે, પરંતુ તેમણે જે નિર્ણય લીધા હતા એની અસર આજે પણ કંપની પર પડી રહી છે. આથી ભૂતકાળમાં લીધેલા નિર્ણય પણ કંપનીને વર્તમાનમાં ખૂબ જ અસર કરે છે. કોઈ પણ કંપની માટે ઇનોવેશન અને પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે એનાથી જ સફળતા મળે છે. ટેક ઇન્ડસ્ટ્રીમાં કટ્ટર હરીફાઈ જોવા મળે છે અને જે કંપની પાછળ રહી એ પાછળ રહી ગઈ સમજી લેવું.