આનંદ મહિન્દ્રાનો મસ્કને સવાલ: સ્ટારશિપની ટિકિટ કેવી રીતે ખરીદી શકાશે?
Anand Mahindra On StarShip: મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટેસ્લા અને સ્પેસએક્સના ચેરમેન ઇલોન મસ્કને સવાલ કર્યો છે. ઇલોન મસ્ક અને આનંદ મહિન્દ્રા બન્ને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ સ્પેસએક્સ દ્વારા સ્ટારશિપનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ લેન્ડિંગને ઇતિહાસના પાનામાં યાદ રાખવામાં આવશે, કારણ કે રોકેટને સફળતાપૂર્વક ટાવર દ્વારા લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
સ્ટારશિપની સફળતા
સ્ટારશિપને રવિવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટને અવકાશમાં મોકલવા માટે રોકેટ બૂસ્ટરનો ઉપયોગ થાય છે, જે અવકાશમાં જતાં પહેલાં છૂટી પડે છે અને પૃથ્વી પર પરત ફરે છે. આ બૂસ્ટર ગમે તે જગ્યાએ નહીં, પરંતુ જે જગ્યાએથી લોન્ચ થયું હતું ત્યાં જ પરત ફર્યુ હતું. આ સાથે જ તેને લેન્ડિંગ-લોન્ચિંગ ટાવર દ્વારા પકડવામાં આવ્યું હતું. આ પ્રકારનો ટેસ્ટ જૂનમાં પણ કરવામાં આવ્યો હતો, પણ આ વખતનો ટેસ્ટ ખૂબ જ સફળ રહ્યો હતો.
પાંચમી કોશિશે મળી સફળતા
સ્ટારશિપની આ પાંચમી ટેસ્ટ છે. દરેક વખતે તેને અલગ-અલગ કારણસર ટેસ્ટ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે તે પાંચમી વાર અવકાશયાત્રા કરી રહ્યું છે. અઢાર મહિના પહેલાં પહેલી વાર તેને જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે લોન્ચ થતાંની સાથે જ તેમાં બ્લાસ્ટ થયો હતો. પરંતુ આ વખતે સ્ટારશિપે ટાવર પાસે લેન્ડિંગ કરવાની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ મેળવવામાં પાંચ ટેસ્ટનો સમય લાગ્યો હતો, પરંતુ ઇતિહાસના પાનામાં તેનો સમાવેશ થયો છે.
1973થી નાસા ના કરી શક્યું એ સ્ટારશિપે કર્યું
સોશિયલ મીડિયા પર લોકો આ સિદ્ધિને વધાવી રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યું છે કે 1973થી નાસા કાર્યરત છે અને લોકોના ટેક્સના પૈસાનો ઉપયોગ કરવા છતાં તેઓ આ સિદ્ધિ મેળવી શક્યા નથી, જે ઇલોન મસ્કે ફક્ત દસ વર્ષમાં મેળવી લીધી છે. આ સિદ્ધિએ ઘણા સેલિબ્રિટીઝને પણ પ્રભાવિત કર્યા છે અને તેમણે આ બાબતને વધાવી છે. આમાં આનંદ મહિન્દ્રાનો પણ સમાવેશ છે.
આનંદ મહિન્દ્રાનો સવાલ
આનંદ મહિન્દ્રાએ X પર વીડિયો શેર કરીને પોસ્ટ કર્યું કે, "આ રવિવારે મેં શાંતિથી મારા કાઉચ પર આરામ કર્યો હતો અને હું ખૂબ જ ખુશ હતો કે મને એક ઇતિહાસ બનતો જોવાનો અવસર મળ્યો. સ્પેસ ટ્રાવેલને રૂટિન બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આ એક્સપેરિમેન્ટ ખૂબ જ અદ્ભુત સાબિત થયું. ઇલોન મસ્ક, હું મારી ટિકિટ ક્યાંથી ખરીદી શકું છું?"