ગૂગલ મેપ્સમાં જાહેરાતોનો ઓવરડોઝ .
કલ્પના કરો કે તમે તમારા શહેરમાં કોઈ જગ્યાએ જવા માટે કારમાં ગૂગલ મેપ્સમાંની
નેવિગેશન સર્વિસનો લાભ લઈ રહ્યા છો. કારની ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમના સ્ક્રીન પર
ગૂગલ મેપ ડિસ્પ્લે થાય છે. તમારી કાર રસ્તા પર આગળ વધે છે તેમ તેમ, સ્ક્રીન પર મેપમાં કારનું લોકેશન દર્શાવતો બ્લૂ ડોટ પણ આગળ ખસતો જાય છે.
તમે જે રસ્તે જઈ રહ્યા છો, એ જ રસ્તે આગળ તમારું કોઈ
ફેવરિટ રેસ્ટોરાં પણ આવે છે. ગૂગલ જાણે છે કે તમે એ રેસ્ટોરાંની અવારનવાર મુલાકાત
લો છો. તમારી કાર એ તરફ આગળ વધે છે ત્યાં,
ગૂગલ મેપમાં એક પોપ-અપ
ઝબકે છે. એમાં, એ રેસ્ટોરાંમાં ચાલતી કોઈ
સ્પેશિયલ ઓફર બતાવવામાં આવે છે અને સાથોસાથ તમને તમારા રૂટમાં એક સ્ટોપ તરીકે એ રેસ્ટોરાં એડ કરી દેવાનું સૂચન પણ જોવા મળે છે!
આમ જુઓ તો વિવિધ ઓનલાઇન સર્વિસમાં
આપણા લોકેશન, હિસ્ટ્રી કે અન્ય કોન્ટેક્ટના આધારે આપણને જાહેરાતો બતાવવામાં આવે એ કોઈ નવી
વાત નથી. ગૂગલ સર્ચ/મેપમાં પણ જાહેરાતો હોય છે, પરંતુ કાર ચલાવતી વખતે મેપ્સના સ્ક્રીન પર આવી રીતે જાહેરાત ટપકી પડે એ જરા
વધુ પડતું કહેવાય.
હમણાં એક યૂઝરે તેમને જોવા મળેલી આવી જાહેરાત વિશે સોશિયલ મીડિયા પર લખ્યું
અને એ બાબતે યૂઝર્સના આકરા પ્રતિભાવ શરૂ થઈ ગયા. અન્ય એક મેપ સર્વિસ વેઝમાં આવી રીતે જાહેરાતો
બતાવવામાં આવે છે અને એ કંપની પણ ગૂગલની જ માલિકીની છે. એટલે ગૂગલ મેપ્સમાં આ રીતે
જાહેરાતો ઉમેરાય એ પણ બહુ નવાઈની વાત નથી. પરંતુ કોઈ તદ્દન અજાણ્યા બિઝનેસને
રૂટમાં એક પોઇન્ટ તરીકે ઉમેરવાનું સજેશન લોકોને અકળાવી રહ્યું છે.
જોકે હવે ગૂગલે આ વિશે સ્પષ્ટતા કરી છે કે નેવિગેશન દરમિયાન કોઈક લોકેશનને
પ્રમોટ કરવામાં આવશે ખરી, પરંતુ આવી જાહેરાતો પોપ-અપ
તરીકે બતાવવામાં આવતી નથી અને જો યૂઝર જે તે પોઇન્ટ પર ક્લિક કરે તો જ તેની વધુ
વિગતો જોવા મળે છે.
આ વિવાદથી એટલું તો સાબિત થઈ ગયું કે ગૂગલ મેપ્સમાં હવે કદાચ નવી રીતે અને વધુ
પ્રમાણમાં જાહેરાતો ઉમેરાશે. જોવાનું એ રહ્યું કે એપલ પણ આ જ રસ્તે ચાલીને એપલ મેપ્સમાં જાહેરાતો ઉમેરશે કે પછી એપલ મેપ્સમાં જાહેરાતો નથી એવું કહીને તે ગૂગલ મેપ્સ
કરતાં ચઢિયાતી સર્વિસ હોવાનો દાવો કરશે?!