લેખકની મહેનત પાણીમાં; ગૂગલે 'Inappropriate' કહી લેખમાંથી 2 લાખથી વધુ શબ્દ લોક કર્યા
Google Drive: ગૂગલનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. Google પોતાના યુઝર્સને વિવિધ પ્રકારની સુવિધાઓ આપતુ રહે છે. Google ની એક સર્વિસ Google ડ્રાઇવ છે.
કોઈપણ કન્ટેન્ટને લખવામાં ઘણો સમય અને મહેનત લાગે છે. આવી સ્થિતિમાં, જો કોઈ દિવસ અચાનક કોઈ પ્લેટફોર્મ તમારા કન્ટેન્ટને Inappropriate ગણીને હટાવી દે કે લોક કરી દે તો તમે શું કરશો?
આવી જ એક ગૂગલ ડ્રાઇવને લગતી ચોંકાવનારી ઘટના ત્યારે સામે આવી જ્યારે અમેરિકન મહિલા લેખિકા (K Renee) રેનીએ ગૂગલ ડ્રાઇવમાંથી 2 લાખથી વધુ શબ્દો લોક કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગૂગલે લેખકની સામગ્રીને અયોગ્ય જાહેર કરી છે.
એક અહેવાલ મુજબ, કે રેની તેની રોમેન્ટિક નવલકથાઓ માટે જાણીતી છે અને તે હંમેશા તેની સ્ટોરીઓ માટે ગૂગલ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરે છે. જ્યારે કે રેનીએ Google ડ્રાઇવ ખોલી, ત્યારે તે ઍક્સેસ કરી શકી નહી. વારંવાર પ્રયાસ કરવા છતાં તે લોગ ઇન કરી શકી ન હતી. પાછળથી તેણે જોયું કે Google તેના કન્ટેન્ટને Inappropriate તરીકે લેબલ કરી રહ્યું છે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૂગલે ક્યારેય લેખકને કહ્યું નથી કે તેણે પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
2 લાખ 22 હજાર શબ્દો ગુમાવ્યા
મળતી માહિતી મુજબ, રેની એક સાથે 10 પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી હતી, પરંતુ એક્સેસ ગુમાવ્યા બાદ તેણે તેના 2 લાખ 22 હજાર શબ્દો ગુમાવી દીધા. આ બધી અલગ અલગ ફાઈલો ફોલ્ડરોમાં હતી. ગૂગલે પગલાં લેતાની સાથે જ તેના આ શબ્દો લોક થઈ ગયા છે. ફોન અને ટેબ્લેટથી પણ રેની તેના કન્ટેન્ટનું એક્સેસ નથી મેળવી શકી.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રેનીને અગાઉ કોઈ ચેતવણી મળી ન હતી કે તેણે કોઈ નિયમનો ભંગ કર્યો હોય. અહેવાલો કહે છે કે Google તેના પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલા કન્ટેન્ટ પર નજીકથી નજર રાખે છે અને ચકાસે છે કે, શું સાચું છે અને શું ખોટું છે. જો તમે તમારો ડેટા સુરક્ષિત રાખવા માંગો છો, તો તમારે આ માટે અલગ-અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ.
ગૂગલ ડ્રાઇવ પર આ પ્રકારની સમસ્યા પહેલા પણ બની છે. નિષ્ણાંતો સલાહ આપે છે કે યુઝર્સે કોઈપણ એક ક્લાઉડ સ્ટોરેજ પર નિર્ભર ન રહેવું જોઈએ. જો તમારી બધી મહત્ત્વપૂર્ણ ફાઈલો એક જગ્યાએ રહે છે, તો ભવિષ્યમાં તમારી સાથે પણ આવું થઈ શકે છે. તેથી યુઝર્સ કોઈપણ સમયે તેમનો મહત્ત્વપૂર્ણ ડેટા ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં, યુઝરે એકથી વધુ ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરવો જોઈએ.