અમેરિકાના હુમલાખોરે મેટા સ્માર્ટ ગ્લાસિસથી રેકી કરી હતી
હજી હમણાં આપણે ટેકનોવર્લ્ડમાં મેટા કંપનીના સ્માર્ટ ગ્લાસિસની - ખાસ કરીને અમેરિકામાં - વધતી લોકપ્રિયતા
વિશે વાત કરી હતી. હવે સમાચાર છે કે અમેરિકામાં ન્યૂઓર્લિઅન્સમાં ન્યૂ યરની ઉજવણી
દરમિયાન રસ્તે ચાલતા લોકો પર ટ્રક ફેરવીને ૧૪ લોકોની હત્યા કરનારા હુમલાખોરે મેટા
સ્માર્ટ ગ્લાસિસનો ઉપયોગ કર્યો હતો!
એફબીઆઇએ હમણાં જાહેર કરેલી વિગતો અનુસાર આ હુમલાખોરે હુમલાના મહિનાઓ પહેલાં
મેટા સ્માર્ટ ગ્લાસિસ પહેરીને, તેણે જ્યાં હુમલો કર્યો એ
વિસ્તારમાં સાયકલ પર રખડપટ્ટી કરી હતી. એ દરમિયાન તેણે સ્માર્ટ ગ્લાસિસની મદદથી
આખા વિસ્તારની ઇમેજિસ અને વીડિયો કેપ્ચર કર્યાં હતાં. એટલું જ નહીં હુમલો કરતી
વખતે પણ તેણે સ્માર્ટ ગ્લાસ પહેર્યા હતા. અલબત્ત ત્યારે તેના કેમેરા એક્ટિવેટ
કર્યા નહોતા. અને હુમલાની આખી ઘટાને સોશિયલ મીડિયા પર લાઇવ દર્શાવી નહોતી -
સ્માર્ટ ગ્લાસિસમાં એવું કરવાની પણ સગવડ છે.
હુમલાખોરે સાદા સ્માર્ટફોનથી હુમલાના સ્થળે ફરીને ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી
કરી હોત તો કદાચ અન્ય લોકોનું તેના તરફ ધ્યાન ખેંચાયું હોત (જોકે લોકોએ તેને
ટુરિસ્ટ માની લીધો હોત તેવી પણ સંભાવના છે). પરંતુ સ્માર્ટ ગ્લાસિસ હોવાને કારણે
સાયકલ ચલાવતાં ચલાવતાં, અન્ય કોઈ લોકોનું ધ્યાન
પોતાની ઓળખ બિલકુલ ખેંચ્યા વિના એ સહેલાઈથી આખા વિસ્તારની ફોટોગ્રાફી ને
વીડિયોગ્રાફી કરી શક્યો.
મેટા સ્માર્ટ ગ્લાસિસ વિશેના લેખમાં આપણે વાત કરી હતી કે જ્યારે ફ્રેમમાંનો
કેમેરા ચાલુ હોય ત્યારે ફ્રેમ પર લાઇટ ઓન થાય છે, જેને કારણે સામેની વ્યક્તિ જાણી શકે છે કે તેની ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી થઈ
રહી છે. પરંતુ હુમલાખોરે સાયકલ પર ફરતાં ફરતાં જ સ્માર્ટ ગ્લાસિસમાંનો કેમેરા ઓન
કર્યો હોવાથી તેમાં ઓન થયેલી લાઇટ તરફ કોઈનું ધ્યાન ગયું નહી હોય. હુમલા પછી
હુમલાખોર પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો અને પોલીસને તેના મૃતદેહ પાસેથી
સ્માર્ટ ગ્લાસિસ મળી આવ્યા હતા. નવી ટેકનોલોજીથી નવાં જોખમો ઊભાં થાય છે!