વિજ્ઞાનીઓએ ગુરુ જેવો જ વિશાળ ગ્રહ શોધ્યો, હાઈડ્રોજનથી સમૃદ્ધ હોવાનો દાવો, નાસાને મોટી સફળતા
NASA: નાસાના વિજ્ઞાનીઓએ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા ગુરુ જેવો જ એક વિશાળ ગ્રહ શોધ્યો છે. આ ગ્રહનો વ્યાસ ગુરુ જેટલો જ છે પરંતુ તેનું દળ ગુરુ કરતા છ ગણુ વધુ છે. તેમજ આ ગ્રહનું વાતાવરણ પણ ગુરુની જેમ હાઈડ્રોજનથી સમૃદ્ધ છે. આ ગ્રહને તેના તારની આસપાસ પરિક્રમણ કરતા લગભગ 250 વર્ષ જેટલો સમય લાગે છે. આ ગ્રહ તેના તારાથી પૃથ્વીથી સૂર્યના અંતર કરતા 15 ગણા વધુ અંતરે છે.
વિજ્ઞાનીઓએ કહી આ વાત
વિજ્ઞાનીઓને લાંબા સમયથી શંકા છે કે એક મોટો ગ્રહ 12 પ્રકાશ-વર્ષ દૂર તારાની પરિક્રમા કરી રહ્યો છે, પરંતુ તે આટલો મોટો હોવાની અપેક્ષા નહોતી. જર્મનીમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર એસ્ટ્રોનોમીની એલિઝાબેથ મેથ્યુઝની આગેવાની હેઠળની એક આંતરરાષ્ટ્રીય ટીમે ગયા વર્ષે ટેલિસ્કોપ દ્વારા એકત્રિત કરેલા ફોટોનો અભ્યાસ કર્યા પછી બુધવારે નેચર જર્નલમાં તારણ પ્રકાશિત કર્યા.