SpaceX ના સ્ટારશિપમાં લોન્ચિંગ બાદ બ્લાસ્ટ, ઈલોન મસ્કે કહ્યું - 'ભલે સફળ ન થયાં પણ મજા તો આવી'
Elon Musk's SpaceX Rocket Blast: ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા ટેક્સાસથી લોન્ચ કરવામાં આવેલું સ્ટારશિપ રોકેટ લોન્ચિંગની થોડી જ ક્ષણોમાં અવકાશમાં ધડાકાભેર બ્લાસ્ટ થઈ ગયું હતું. આ દુર્ઘટનાથી એરલાઈન્સને પણ અસર થઈ હતી. મેક્સિકોના અખાત પર એરલાઇન ફ્લાઇટ્સને કાટમાળથી બચવા માટે રૂટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
લોન્ચિંગના આઠ મિનિટમાં જ સંપર્ક ગુમાવ્યો
સ્પેસએક્સ મિશન કંટ્રોલે તેના સાઉથ ટેક્સાસ રોકેટ લોન્ચ પેડ પરથી સાંજે ગુરૂવાર 5:38 કલાકે ઉડાન ભર્યાના આઠ મિનિટમાં જ નવી અપગ્રેડ કરેલી સ્ટારશિપ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો. આ મિશનમાં સિમ્યુલેટેડ ઉપગ્રહોનું પ્રથમ પરીક્ષણ પેલોડ પણ હતું. પરંતુ કોઈ ક્રૂ સામેલ ન હતો.
આ પણ વાંચોઃ કેનેડામાં સ્પાઉસ વિઝા પર જતાં લોકો માટે ખુશીના સમાચાર, સરકારે OPWના નિયમોમાં કર્યા સુધારા
મસ્કે આપી જાણકારી
ઈલોન મસ્કે આનો એક વીડિયો પણ રજૂ કર્યો છે, જેમાં હૈતીની રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સ ઉપર આકાશમાં નારંગી રંગની લાઈટ્સની લાંબી લાઈન દેખાય છે. એવું લાગે છે કે આગના ગોળા નીચે પડી રહ્યા છે. ચારેકોર ધુમાડો જોવા મળ્યો છે. મસ્કે આ નિષ્ફળતાને પણ સાહજિકતાથી લેતાં કેપ્શન લખી હતી કે, 'સફળતા અનિશ્ચિત છે, પણ મનોરંજન નિશ્ચિત છે.' એમેઝોનના સ્થાપક અને અબજોપતિ જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિને બુધવારે તેના વિશાળ ન્યૂ ગ્લેન રોકેટને પ્રથમ વખત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું.
સ્પેસએક્સના કોમ્યુનિકેશન્સ મેનેજર ડેન હુઓટે જણાવ્યું હતું કે, 'અમે રોકેટ સાથેનો તમામ સંપર્ક ગુમાવી દીધો હતો. તેના ઉપલા તબક્કામાં ખામી જોવા મળી હતી. અગાઉ પ્રથમ સ્ટેજનું સ્ટારશિપ મિશન માર્ચમાં નિષ્ફળ થયુ હતું.' ઉલ્લેખનીય છે, અવકાશમાં જ અવકાશયાન બ્લાસ્ટના કારણે હવાઈ પરિવહન માટે અડચણો ઉભી કરી હોવાની ઘટના ભાગ્યે જ બનતી હોય છે.