એમેઝોનની મહત્ત્વપૂર્ણ જાહેરાત: વર્ષે 3 બિલિયન ડૉલર બચાવવા માટે 14,000 મેનેજમેન્ટ કર્મચારીઓને છૂટા કરશે
Amazon Layoffs: એમેઝોન દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે હજારો લોકો નોકરીથી હાથ ધોઈ બેસશે. એમેઝોન કંપનીના સીઇઓ એન્ડી જેસ્સીએ જાહેરાત કરી છે કે તેઓ 2025ની શરુઆત થાય ત્યાં સુધીમાં 14,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે. દુનિયાભરની કંપનીઓ એક પછી એક કર્મચારીઓને છૂટા કરી રહી છે. ધીમે-ધીમે દુનિયાભરના વિવિધ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે.
પૈસાનો બચાવ
એન્ડી જેસ્સી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કંપનીએ 2025ની શરુઆત થાય ત્યાં સુધીમાં 14,000 કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે. આ કર્મચારીઓ મોટાભાગે મેનેજમેન્ટ લેવલના હશે. દરેક ડિપાર્ટમેન્ટના મેનેજર પર તેની અસર જોવા મળશે. કોઈ ચોક્કસ ડિપાર્ટમેન્ટના જ મેનેજર નહીં પરંતુ તમામ ડિપાર્ટમેન્ટના મેનેજરને છૂટા કરવામાં આવશે. આ લોકોને છૂટા કરવાનું કારણ ફક્ત પૈસા છે. કંપની એક વર્ષમાં 3 બિલિયન અમેરિકન ડૉલર બચાવવાનું પ્લાનિંગ કરી રહી છે. જો કે, એક વાત નક્કી છે કે ફ્રન્ટ-લાઇન સ્ટાફને નહીં, પરંતુ ઑફિસમાં બેસીને કામ કરતાં કૉર્પોરેટ લેવલના મેનેજરને છૂટા કરવામાં આવશે.
શું છે ફ્રન્ટ-લાઇન સ્ટાફ?
ફ્રન્ટ-લાઇન સ્ટાફ એટલે કે કંપનીના ગોડાઉનથી લઈને ડિલિવરી ઘર સુધી પહોંચાડતા દરેક વ્યક્તિને ફ્રન્ટ-લાઇન વર્કર્સ કહેવામાં આવે છે. ખરું કામ આ જ વ્યક્તિઓ કરે છે. એમેઝોનમાં પંદર લાખ કર્મચારીઓમાંથી અંદાજે દસ લાખ ફ્રન્ટ-લાઇન વર્કર્સ છે. આથી આ 14,000 જોબ પાંચ લાખ કૉર્પોરેટ કર્મચારીઓમાંથી જવાની છે. પ્રોડક્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ અને એન્જિનિયરિંગ ડિવિઝનમાંથી આ સ્ટાફ ઓછો કરવામાં આવતાં કામ પણ વધુ સરળતાથી થશે એવું એમેઝોનનું માનવું છે કારણ કે જેટલા ઓછા મેનેજર એટલું ઓછું રિપોર્ટિંગ.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા કમાણીમાં મુશ્કેલી: મસ્કના નવા નિયમો
સૌથી મોટું સ્ટાર્ટ-અપ
એમેઝોન દુનિયાની સૌથી મોટી સ્ટાર્ટ-અપ કંપની હોય તે રીતે કામ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. મેનેજમેન્ટ લેવલને હટાવી દેવાથી નિર્ણય તરત લેવામાં આવશે અને કર્મચારીઓ સાથે સીધા સંપર્કમાં રહીને કામ પણ સારી રીતે થશે. નિર્ણય લેવા માટે જે પણ અડચણો આવતી હતી તે દૂર કરવાની કંપની કોશિશ કરી રહી છે. આથી એક સ્ટાર્ટ-અપ કંપનીની જેમ શરુઆત કરવા જઈ રહી છે, જેમાં મહત્ત્વના નિર્ણય એક જ વ્યક્તિ દ્વારા લેવામાં આવે છે અને દરેક વ્યક્તિ તેની નીચે કામ કરે છે.