એરટેલ તેની મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ વિંક બંધ કરે છે
તમે એરટેલની મોબાઇલ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં અમુક નિશ્ચિત પ્લાનમાં વિવિધ ઓટીટી પ્લેટફોર્મ્સના સબસ્ક્રિપ્શન્સ ઉપરાંત ‘વિંક’ નામની મ્યુઝિક સર્વિસનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. વિંકની મ્યુઝિક એપ આમ તો કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરીને તેમના મૂડ અને ચોઇસ અનુસાર અલગ અલગ પ્રકારના મ્યુઝિકની મજા લઈ શકે છે.,પરંતુ જો તમને એરટેલના પ્લાનનો લાભ મળતો હોય તો વિંકના પેઇડ સબસ્ક્રાઇબર તરીકે તમે વિંકમાંથી વિવિધ મ્યુઝિક ફાઇલ્સ પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકો છો અને તેને ઓફલાઇન પણ પ્લે કરી શકો છો.
હવે સમાચાર છે કે એરટેલ કંપની તેની આ વિંક મ્યુઝિક એપ બંધ કરી રહી છે. વિંકની ટીમમાં સામેલ તમામ એમ્પ્લોઇને એરટેલ તેના અન્ય ઓપરેશન્સમાં સમાવી લેશે. બીજી તરફ આપણા જેવા યૂઝર, જેમને એરટેલ મારફત વિંક મ્યુઝિક એપનો લાભ મળે છે તેમને હવે વિંકને બદલે એપલ મ્યુઝિક સર્વિસનો લાભ મળશે! એરટેલ કંપનીએ એપલ સાથે ટાઇઅપ કર્યું છે તેને કારણે ભારતમાં એરટેલના યૂઝર્સને એપલ મ્યુઝિક તથા એપલ ટીવી પ્લસનો લાભ મળશે.
અલબત્ત એપલની સર્વિસિસ એરટેલના યૂઝર્સ માટે
તદ્દન ફ્રી રહેવાને બદલે ભારે ડિસ્કાઉન્ટ સાથે ઓફર થાય તેવી શક્યતા છે. એપલની
ઓફર્સનો લાભ માત્ર એરટેલના મોબાઇલ સબસ્ક્રાઇબર્સ અથવા એરટેલ એક્સ્ટ્રીમ કસ્ટમર્સને
મળશે.
ભારતમાં પાછલા એકાદ દાયકામાં સંખ્યાબંધ મ્યુઝિક
સ્ટ્રીમિંગ સર્વિસ લોન્ચ થઈ પરંતુ હવે લગભગ બધી ટકી રહેવાની મથામણ કરી રહી છે. ખાસ
કરીને સ્પોટિફાય, એમેઝોન મ્યુઝિક અને એપલ મ્યુઝિક જેવી પરદેશની
સ્ટ્રીમિંગ એપમાં મોટે પાયે ઇન્ડિયન મ્યુઝિકનો લાભ મળવાનું શરૂ થતાં ભારતની
મ્યુઝિક એપ માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ. થોડા સમય પહેલાં ટાઇમ્સ ગ્રૂપની ગાના
મ્યુઝિક એપ ટાઇમ્સ ગ્રૂપની જ અન્ય એક કંપનીને ફક્ત રૂપિયા પચીસ લાખમાં વેચાઈ ગઈ!