Get The App

એરટેલનું AI ટૂલ: સ્પેમ કોલ્સ અને મેસેજને કરશે બ્લોક, પરંતુ પ્રાઇવસીને લઈને ઊભા થયા સવાલ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
એરટેલનું AI ટૂલ: સ્પેમ કોલ્સ અને મેસેજને કરશે બ્લોક, પરંતુ પ્રાઇવસીને લઈને ઊભા થયા સવાલ 1 - image


Airtel AI Tool: એરટેલ દ્વારા હાલમાં જ નવું AI સ્પેમ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂલ સ્પેમ કોલને અટકાવવા અને યુઝર્સને સારો એક્સપિરિયન્સ મળે એ માટે બનાવવામાં આવ્યું છે. જો કે આ ટૂલને લઈને એક્સપર્ટ દ્વારા ઘણાં સવાલો ઊભા કરવામાં આવ્યા છે. પ્રાઇવસીને લઈને તેમને ખૂબ જ ચિંતા થઈ રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દ્વારા હાલમાં જ ટેલિકોમ કંપનીઓ માટે નિયમ બનાવવામાં આવ્યો છે કે સ્પેમ કોલ અને મેસેજ અટકાવવાની જવાબદારી હવે તેમની રહેશે.

શું છે આ ટૂલ?

AI સ્પેમ ટૂલ એક એવું ટૂલ છે જેની મદદથી એરટેલ કંપની ફ્રોડ કોલ્સ અને મેસેજને બ્લોક કરશે અને યુઝરને એ વિશે માહિતી આપશે કે આ સ્પેમ કોલ હોઈ શકે છે. આ ટૂલ પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને યુઝર માટે ઉપલબ્ધ છે અને એ માટે કોઈ પણ ચાર્જ આપવાની જરૂર નથી. જો કે આ ફીચર હાલ સ્માર્ટફોન માટે જ ઉપલબ્ધ છે, પરંતુ કંપની બેઝિક ફોન પર કેવી રીતે આ ટૂલનો ઉપયોગ કરી શકાય એ માટે ફોક્સ કરી રહી છે.

કેમ ટૂલ બનાવવાની જરૂર પડી?

ભારતભરમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ એક વ્યક્તિને દિવસમાં ત્રણ વાર સ્પેમ ફોન અથવા તો મેસેજ આવે છે. 96 ટકા લોકોએ DND રજિસ્ટર કર્યું હોવા છતાં તેમને આ પ્રકારના ફોન આવે છે. આથી આ સ્પેમને અટકાવવા માટે AI ટૂલની જરૂર પડી છે. આ ટૂલ ફોન અને મેસેજને એનાલાઇઝ કરશે અને ત્યાર બાદ યુઝરને માહિતી આપશે.

એરટેલનું AI ટૂલ: સ્પેમ કોલ્સ અને મેસેજને કરશે બ્લોક, પરંતુ પ્રાઇવસીને લઈને ઊભા થયા સવાલ 2 - image

કેવી રીતે સ્પેમ કોલ અને મેસેજને ઓળખવામાં આવશે?

સ્પેમ કોલ અને મેસેજને ઓળખવા માટે એરટેલ દ્વારા બે સિસ્ટમ બનાવવામાં આવી છે. એક નેટવર્ક લેયર સિસ્ટમ છે જે ફોન અને મેસેજને ફિલ્ટર કરશે અને બીજું છે IT સિસ્ટમ લેયર. કંપની એવો દાવો કરી રહી છે કે તેમનું AI બે મીલીસેકન્ડમાં 250 પેરામિટર્સને ચેક કરશે. એમાં કોલ કેટલા-કેટલા સમય બાદ કરવામાં આવે છે, કેટલી જલદી સિમ કાર્ડ ચેન્જ કરી અન્ય મોબાઇલમાં નાખવામાં આવે છે, ફોનના લોકેશન કેટલા જલદી બદલાય છે, સિમ ક્યાંથી ખરીદવામાં આવ્યો, ફોન કેટલી મિનિટ સુધી ચાલે છે, તેમ જ જે નેટવર્ક પરથી ફોન થાય છે એ નેટવર્કનો ઉપયોગ કેટલા સમયથી થાય છે વગેરે જેવી બાબતો પર ફોક્સ કરવામાં આવશે. આ તમામ માહિતી ચેક કરવામાં આવશે અને તેમાં કોઈ પણ ગરબડ લાગી કે તરત જ યુઝરને એ વિશે જાણ કરવામાં આવશે. તેમ જ એક જ KYC પર કેટલા નંબર રજિસ્ટર થયા છે અને એક જ જગ્યાએથી ફોન થાય છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે. આ સાથે જ મેસેજમાં આવતી લિન્કને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવેલી URLના ડેટાબેઝ સાથે ચેક કરવામાં આવશે.

આ પણ વાંચો: એપલ વોચના ECG ફીચરે એક વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો, હાર્ટબીટ રેગ્યુલર ન હોવાથી તરત ડોક્ટરનો સંપર્ક કરવા કહ્યું...

આ ટૂલનું પરિણામ કેવું છે?

એરટેલ કંપનીનું કહેવું છે કે તેમના આ ટૂલ દ્વારા અત્યાર સુધીમાં સ્પેમ કોલ્સ અને મેસેજને ઓળખવામાં અનુક્રમે 97 ટકા અને 99.5 ટકા સફળતા મળી છે. આ મોડલ હજી લર્નિંગ પ્રોસેસમાં છે અને આગામી ચારથી છ અઠવાડિયામાં 3 ટકાની જે સફળતા મળવાની બાકી છે એ પણ કંપનીને મળી જશે એવો દાવો કરવામાં આવ્યો છે.

ટ્રૂ-કોલર સાથે સરખામણી?

ટ્રૂ-કોલર પણ સ્પેમ ફોન ઓળખવામાં મદદ કરે છે, પરંતુ એ માટે ઇન્ટરનેટ અને યુઝર દ્વારા રિપોર્ટ કરવું જરૂરી છે. જો કે એરટેલના ટૂલમાં એવી કોઈ જરૂરિયાત નહીં પડે. તેમ જ કંપની આપમેળે કામ કરશે અને યુઝરે એ માટે કંઈ ચેક પણ કરવું નહીં પડે. આ બધું નેટવર્ક પ્રોવાઇડર દ્વારા કરવામાં આવશે અને તેઓ જ ફોન અને મેસેજને પણ બ્લોક કરી દેશે. આથી યુઝર માટે વધુ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: હાઇપરસોનિક જેટ છે ભવિષ્ય : એક કલાકમાં લંડનથી ફ્લાઇટ પહોંચી જશે દિલ્હી

પ્રાઇવસી પર સવાલ

એરટેલના આ ટૂલને લઈને એક્સપર્ટ દ્વારા પ્રાઇવસીને લઈને સવાલ કરવામાં આવી રહ્યા છે. AIને ટ્રેઇન કરવા માટે અથવા તો વધુ સારી રીતે કામ કરી શકે એ માટે ડેટાની જરૂર પડે છે. આથી એક્સપર્ટ સવાલ કરી રહ્યા છે કે યુઝરના ડેટાનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જો કે આ માટે એરટેલ દ્વારા પહેલેથી કહી દેવામાં આવ્યું છે કે તેઓ ફોન પર શું વાત થઈ રહી છે વગેરે જેવા ડેટાને મોનિટર નહીં કરે. ફક્ત એક ફોન પછી બીજો કોલ કેટલા સમયે થઈ રહ્યો છે અને એ કેટલી મિનિટ સુધી ચાલે છે વગેરે જેવી માહિતીનો જ ઉપયોગ કરવામાં આવશે. જો કે આ વિશે પણ એક્સપર્ટ દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે કે આ માહિતીનો પણ ઉપયોગ કરવા માટે એરટેલ દ્વારા યુઝરની પરવાનગી લેવી જરૂરી છે કારણ કે કેટલી મિનિટ અને કયા લોકેશન પરથી ફોન થાય છે વગેરે જેવી માહિતીનો તો ઉપયોગ કરવામાં આવશે.


Google NewsGoogle News