શોપિંગમાં મદદ કરશે એઆઈ
અત્યારે આપણે એમેઝોન જેવા ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ખરીદી કરવા જઇએ ત્યારે
જોઇતી વસ્તુના પેજ પર પહોંચ્યા પછી મોટા ભાગે આપણે એ પ્રોડક્ટ વિશે જુદા જુદા
લોકોના રિવ્યૂ પર નજર ફેરવતા હોઇએ છીએ. આ બધા રિવ્યૂ સાચા જ હોય એવું જરૂરી નથી, ઇન્ટરનેટ પર બધી જગ્યાની જેમ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સ પર પણ ફેક રિવ્યૂની
ભરમાર હોય છે. તેમ છતાં જેન્યુઇન બાયર્સના રિવ્યૂ આપણને જે તે પ્રોડક્ટ્સ ખરેખર
ખરીદવા જેવી છે કે કેમ તે નક્કી કરવામાં મદદ કરી શકે છે.
પ્રોડક્ટ જેમ વધુ પોપ્યુલર તેમ તેના વિશેના રિવ્યૂની સંખ્યા પણ વધુ હોય. આ
સ્થિતિમાં બધા રિવ્યૂ તપાસવા મુશ્કેલ બને. આથી હવે બધા રિવ્યૂનો એઆઇ જનરેટેડ
સારાંશ જોવા મળે છે. આથી આપણે એકાદ ફકરો વાંચીને પ્રોડક્ટ વિશે લોકોના સારા કે
નરસા અભિપ્રાય જાણી શકીએ છીએ.
હવે એમેઝોન પર એઆઇનો ઉપયોગ વિસ્તરી રહ્યો છે. કંપનીએ શોપિંગ સમયે આપણને મદદ
કરી શકે તેવો એઆઇ ચેટબોટ વિકસાવ્યો છે. નામ જરા વિચિત્ર છે, રફસ (Rufus)! આ ચેટબોટને શોપિંગ સબંધિત
બાબતોના જવાબ આપવા માટે જ ટ્રેઇન કરવામાં આવ્યો છે. એમેઝોનની એન્ડ્રોઇડ અને આઇફોન
એપમાં તેનો લાભ મળવા લાગ્યો છે. તમારી એપમાં આ ફીચર આવી જાય એ પછી કયા પ્રકારનું
ફ્રીઝ કે એસી ખરીદવું યોગ્ય રહેશે કે પછી સ્માર્ટવોચ ખરીદવી કે ફિટનેસ બેન્ડ એવી
મૂંઝવણ આ ચેટબોટને કહીને તમે તેના અભિપ્રાય મેળવી શકશો. સ્માર્ટફોન ખરીદવા માગતા
હો તો ડિસ્પ્લે સાઇઝ, સ્ટોરેજ, બેટરી, કેમેરા વગેરે ચોક્કસ પેરામીટર
મુજબ સારા ફોન સજેસ્ટ કરવાનું પણ આપણે આ ચેટબોટને પૂછી શકીશું. હાલમાં તે ફક્ત
ઇંગ્લિશમાં જવાબો આપે છે.
જોકે બધી બાબતમાં બને છે તેમ હજી આ ચેટબોટના જવાબો પર આંધળો વિશ્વાસ કરવા જેવો
નથી.