Get The App

AI બધું જાણે છે, પણ તેને પોતાને કોઈએ લાગણી કે સંવેદના નથી

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
AI બધું જાણે છે, પણ તેને પોતાને કોઈએ લાગણી કે સંવેદના નથી 1 - image


ચેટજીપીટી કે ડીપસીક જેવા કોઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ચેટબોટ સાથે આપણે વાતચીત કરીએ ત્યારે પહેલી નજરે આપણને એવું લાગે કે ચેટજીપીટી આપણી વાતચીત બરાબર તો ઠીક, ગજબની સમજદારી સાથે સમજે છે અને એ મુજબ એ આપણા સવાલોના જવાબ આપે છે કે અન્ય રીતે પ્રતિભાવ આપે છે.

હકીકત એ છે કે ચેટબોટ માટે આપણે આપેલા બધા ઇનપૂટ એક અર્થમાં કાળા અક્ષર ભેંસ બરાબર હોય છે. તેને આપણે જે કંઈ પૂછીએ તેનો અર્થ કે મર્મ આપણે જે રીતે સમજીએ છીએ તે રીતે તેને બિલકુલ સમજાતો નથી. ચેટબોટ માત્ર આપણે લખેલા કે કહેલા શબ્દોનો પોતાની મેમરી કે ડેટાબેઝમાં રહેલા શબ્દો સાથે ગાણિતિક રીતે તાળો બેસાડે છે. ફક્ત આ રીતે તે આપણે શું કહી રહ્યા છીએ તે ‘જાણે’ છે અને તેને જ આધારે, આપણે જે પૂછ્યું હોય તેના સંભવિત જવાબો શોધે છે અને આપણને આપે છે. આ બધું નકરી સંભાવનાઓના કોરાકટ ગણિતને આધારે થાય છે.

આપણે વાતચીત કરતી વખતે જુદી જુદી લાગણી કે સંવેદના અનુભવીએ છીએ, જ્યારે એઆઇ ચેટબોટ ભગવદ ગીતામાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞ જેવો કે કહો કે જડભરત જેવો રહે છે. તેને કશું પણ સમજાતું નથી કે તે કશું અનુભવતો નથી!

મજા એ છે કે આપણે ચેટબોટ સાથે કોઈ પણ લાગણીમાં તરબોળ થઈને વાતચીત કરીએ ત્યારે એ પણ સામો લગભગ એ જ રીતે પ્રતિસાદ આપી શકે છે. આપણે કોઈ જીવતીજાગતી, સમજદાર વ્યક્તિ સાથે સાથે વાત કરી રહ્યા હોઈએ એવો જ અનુભવ એ આપી શકે છે. કારણ એટલું છે કે તેની ટ્રેનિંગ એટલી પાવરફુલ છે! જોકે હવે ચેટબોટની ટેકનોલોજી ઘણી ઝડપથી આગળ વધી રહી છે. એટલે થોડા સમયમાં એ આપણે કહેલી વાતો ખરા અર્થમાં સમજે એવું પણ બની શકશે.

નવા સમયમાં એઆઇને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ગણીને, લાગણીમાં ઓળઘોળ થઈને તેની સાથે કલાકો સુધી ગપાટા મારવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, પણ એ જોખમી બની શકે છે - એઆઇને કશું સમજાતું નથી, પણ બધું યાદ બરાબર રહે છે.


Google NewsGoogle News