હવે ખુદ ભગવાન તમારા દુઃખ-દર્દ સાંભળીને જવાબ આપશે, ટૅક્નોલૉજીની કમાલ
AI Jesus: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં કંઈ પણ શક્ય છે. હાલમાં જ સ્વિટ્ઝર્લેન્ડના એક ચર્ચમાં AI જીસસનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ભગવાન(ગોડ)ને પણ પૃથ્વી પર બોલાવી લેવામાં આવ્યા છે. આ AI જીસસ ચર્ચમાં લોકોના કન્ફેશન સાંભળશે. અત્યાર સુધી ચર્ચના પાદરી આ કન્ફેશન સાંભળતા હતા, પરંતુ હવે સીધા ભગવાન આગળ જ કન્ફેશન કરવામાં આવશે.
AI જીસસ
સ્વિટ્ઝર્લેન્ડના લુસર્નમાં આવેલા સેન્ટ પીટર્સ ચર્ચમાં AI જીસસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચર્ચના કન્ફેશન બોક્સમાં એક અલ્ટ્રા વાઇડ મોનિટર મૂકવામાં આવ્યું છે જેમાં જીસસની ઇમેજ દેખાશે. હોલોગ્રામની મદદથી રજૂ કરવામાં આવેલા આ જીસસ એક AI છે. લોકો જ્યારે કન્ફેશન કરવા આવશે અને તેમની સાથે વાત કરશે, ત્યારે તેમના સવાલ અને કન્ફેશનનું એનાલિસિસ કરીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તેમને ચોક્કસ ધર્મનો માર્ગ દર્શાવવામાં આવશે.
સોથી વધુ ભાષામાં વાત કરશે AI જીસસ
લુસર્ન યુનિવર્સિટીની રિયાલિટી રિસર્ચ લેબના એક પ્રોગ્રામ હેઠળ AI જીસસ બનાવવામાં આવ્યા છે. આ પ્રોગ્રામનું નામ 'ગોડ ઇન ધ મશીન' રાખવામાં આવ્યું છે. આ AI જીસસ એક નહીં, બે નહીં, પરંતુ સોથી વધુ ભાષાઓમાં વાત કરશે. આથી, કોઈ પણ દેશનો વ્યક્તિ ત્યાં આવીને પોતાની ભાષામાં વાત કરી શકશે. ચર્ચ દ્વારા જે શીખવવામાં આવે છે તે આધારે જ આ AI કામ કરશે અને વાત કરશે.
આ પણ વાંચો: ગૂગલના CEO સુંદર પિચાઈએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો, મસ્ક પણ જોડાયા કોન્ફરન્સ કોલમાં
મિક્સ રિએક્શન
AI જીસસને મિક્સ રિએક્શન મળ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમને ખૂબ સારી સલાહ મળી છે અને તેઓ AI જીસસની સમજશક્તિથી ખુશ છે. તો બીજી તરફ, કેટલાક લોકો કહી રહ્યા છે કે આ રિસ્પોન્સમાં માનવીય સ્પર્શ જોવા મળતો નથી. આથી, જેમને પરિવર્તન પસંદ છે, તેઓએ આ ટૅક્નોલૉજીને ઝડપી લીધી છે, પરંતુ જેમને પરિવર્તન પસંદ નથી, તેઓ તેની નિંદા કરી રહ્યા છે.