OpenAI બાદ ક્રોમને ખરીદવા માટે યાહૂએ પણ દેખાડી તૈયારી…
Yahoo Ready to Buy Chrome: OpenAI બાદ હવે યાહૂ દ્વારા પણ ગૂગલ ક્રોમને ખરીદવા માટે રસ દેખાડવામાં આવ્યો છે. અમેરિકામાં ગૂગલનો એન્ટી-ટ્રસ્ટ કેસ ચાલી રહ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીશની ઇચ્છા છે કે ગૂગલ તેનું વેબ બ્રાઉઝર ક્રોમ કંપનીથી અલગ કરી નાખે. જો એન્ટી-ટ્રસ્ટ કેસનો ચૂકાદો ગૂગલની વિરુદ્ધ આવ્યો તો કંપનીએ ક્રોમને વેંચી દેવું પડશે. આથી હવે એને ખરીદવાની હરોળમાં યાહૂનો પણ સમાવેશ થયો છે. મોટાભાગની કંપની ક્રોમને ખરીદવા માટે તૈયાર છે કારણ કે દુનિયાભરમાં એનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.
યાહૂ માટે બની શકે ગેમ ચેન્જર
યાહૂના સર્ચ માટેના જનરલ મેનેજર બ્રાયન પ્રોવોસ્ટ દ્વારા એન્ટી-ટ્રસ્ટ ટ્રાયલમાં ટેસ્ટીફાઇ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે તેમની કંપની માટે ક્રોમને ખરીદવું ગેમ ચેન્જર બની શકે છે. સર્ચ માર્કેટમાં યાહૂનો શેર ત્રણ ટકા છે. જો ક્રોમને ખરીદી લેવામાં આવે તો સર્ચ માર્કેટમાં તેમનું પ્રભુત્વ ડબલ ડિજિટમાં થઈ જશે. ક્રોમના મહત્ત્વ વિશે બ્રાયન કહે છે, ‘વેબની દુનિયામાં ક્રોમ ખૂબ જ મહત્ત્વનું છે અને એને ખરીદવું કોઈના પણ માટે ગેમ ચેન્જર રહેશે.’
બ્રાયન દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે ગયા વર્ષથી યાહૂ પોતાનું બ્રાઉઝર બનાવવાની કોશિશ કરી રહ્યું છે. જોકે માટે પ્રોટોટાઇપ પર કામ ચાલી રહ્યું છે. જોકે ક્રોમને ખરીદી લેવામાં આવે તો તેમણે આ બ્રાઉઝર બનાવવાની જરૂર નહીં પડે. ક્રોમ ખરીદવા માટે યાહૂને એપોલો ગ્લોબલ મેનેજમેન્ટનો પણ સપોર્ટ છે આથી તેઓ આ કંપની ખૂબ જ સરળતાથી ખરીદી શકે છે. આ કંપની માટે ઘણાં બિલિયન ડોલર ચૂકવવા પડી શકે છે.
ક્રોમ ખરીદવા માટે તૈયાર છે ઘણી કંપની
યાહૂ એકમાત્ર નથી જેણે ક્રોમ ખરીદવા માટે તૈયારી દેખાડી છે. આ વિશે OpenAIના ચેટજીપીટીના ચીફ નિક ટર્લીએ કહ્યું કે ‘ક્રોમને ખરીદવા માટે અમે તૈયાર છીએ અને અમારી સાથે અન્ય પણ ઘણી કંપનીઓ છે જે એ ખરીદી શકે છે.’
AI સર્ચ કંપની પરપ્લેક્સિટીએ પણ ક્રોમ ખરીદવા માટે તૈયારી દેખાડી છે. આ કંપની સર્ચ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર છે. આથી ક્રોમને ખરીદી તેઓ સર્ચ માટ વધુ સારી રીતે AIનો ઉપયોગ કરી શકશે. તેમ જ ક્રોમને ખરીદવાથી સર્ચ એડ્વર્ટાઇઝિંગ અને AIની રેસમાં ખૂબ જ સરળતાથી આગળ નીકળી શકાય એમ છે.
આ પણ વાંચો: બહુ જલદી યૂઝર્સ હવે બ્રાઉઝર પરથી પણ કરી શકશે વોટ્સએપ કોલ…
ગૂગલે ક્રોમ વેચવા માટે દેખાડ્યો વિરોધ
ક્રોમ ખરીદવા માટે ઘણી કંપનીઓ તૈયાર છે, પરંતુ એમ છતાં ગૂગલ દ્વારા એને વેચવાનો વિરોધ કરવામાં આવ્યો છે. કંપનીને જબદરસ્તીથી ક્રોમ વેચી દેવાની ફરજ પાડવાથી વેબ બ્રાઉઝરની ઇકોસિસ્ટમને અસર પડી શકે છે ખાસ કરીને ઓપન-સોર્સ પ્લેટફોર્મને. ક્રોમની સાથે-સાથે આ અસર માઇક્રોસોફ્ટ એડ્જ, મોઝિલા ફાયરફોક્સ અને ઓપેરાને પણ પડી શકે છે. ગૂગલનું કહેવું છે કે જો એને વેંચી દેવામાં આવે તો નવો માલિક સર્ચ ડોમેનથી લઈને AI સુધીની દરેક વસ્તુ પર પોતાની મરજી મૂજબ કામ કરી શકશે. આથી માર્કેટમાં હરિફાઇ જે છે એ પણ નહીં રહે. જોકે કોર્ટ દ્વારા આ મુદ્દે શું ચૂકાદો લેવામાં આવે એના પર બધુ નિર્ભર છે.