ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ બાદ હવે ChatGPT પણ થયું ડાઉન
ChatGPT Outage: સોશિયલ મીડિયા કંપની મેટાની સર્વિસ હાલમાં જ બંધ થઈ જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સર્વિસ બંધ થઈ ગઈ હતી. જો કે એવું નથી કે ફક્ત સોશિયલ મીડિયા જ બંધ થયું હોય. દુનિયાની મોટાભાગની સર્વિસ ગમે તે કારણસર બંધ થઈ શકે છે. હાલમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ChatGPT ડાઉન થયું હતું. આ સર્વિસ દુનિયાભરના યુઝર્સ માટે બંધ થઈ હતી. ChatGPTનો ઉપયોગ હવે વધી ગયો છે અને જ્યારે એ સર્વિસ ડાઉન થાય છે ત્યારે એની અસર જોવા મળે છે.
યુઝર્સમાં વધ્યું ફ્રસ્ટ્રેશન
ChatGPTમાં ટેક્નિકલ ઇશ્યુ આવ્યો હતો. આ ઇશ્યુને કારણે યુઝર્સમાં ઘણું ફ્રસ્ટ્રેશન જોવા મળ્યું હતું. આ ફ્રસ્ટ્રેશનનું એક કારણ મેટા કંપની પણ હતું. ChatGPT બંધ થયું એના થોડા કલાકો પહેલાં જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પણ બંધ થયું હતું. એ શરુ થતાં જ ChatGPTમાં ટેક્નિકલ ઇશ્યુ આવ્યો હતો. પરિણામે યુઝર્સના ફ્રસ્ટ્રેશન લેવલમાં વધારો થયો હતો.
ઍપ્લિકેશન પણ થઈ ઓફલાઇન
ChatGPTમાં ટેક્નિકલ ઇશ્યુ આવતાં તેની દરેક સર્વિસ બંધ થઈ હતી. આ સર્વિસમાં વેબસાઇટથી લઈને ઍપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે. ઍપ્લિકેશન કામ ન કરતી હોવાથી યુઝરને પહેલા ખબર નહોતી પડી રહી કે શું થઈ રહ્યું છે. જો કે કંપની દ્વારા સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવતા યુઝરને ખબર પડી હતી કે સર્વિસ ડાઉન છે.
કંપનીએ શું કહ્યું?
ChatGPT ડાઉન થતાં જ કંપનીએ સ્ટેટમેન્ટ જાહેર કરતાં કહ્યું હતું કે, "હાલમાં ChatGPTમાં આઉટેજ જોવા મળી રહ્યો છે. ઇશ્યુ શું છે એ અંગે અમને જાણ થઈ ગઈ છે અને અમે એને ફિક્સ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આ માટે અમને માફ કરશો. અમે તમને આ વિશે અપડેટ કરતાં રહીશું."
ટૅક્નોલૉજીનો વધુ પડતો ઉપયોગ
આ આઉટેજથી ઘણાં લોકો ફ્રસ્ટ્રેશનમાં જોવા મળ્યા હતા કારણ કે તેમનું કામ નહોતું થઈ રહ્યું. આ આઉટેજથી એ વાત તો નક્કી છે કે ટૅક્નોલૉજીનો ઉપયોગ હવે વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે. આ તમામ યુઝર્સ સોશિયલ મીડિયા પર તેમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ChatGPT ઓફલાઇન થતાં ઘણાં યુઝર્સે ફરિયાદ પણ કરી હતી. ફ્રી અને પેઇડ વર્ઝન બન્નેની સર્વિસ પર અસર પડી હતી.
એપલની ડિવાઇઝ પર ભવિષ્યમાં થશે અસર?
એપલની ડિવાઇઝ મેકબુક અને આઇફોનમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ આપવામાં આવી છે. આ અપડેટમાં એપલ ઇન્ટેલિજન્સના નવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં હવે વોઇસ આસિસ્ટન્ટની મદદથી ChatGPTનો પણ ઉપયોગ કરી શકાશે. એટલે કે એમાં ChatGPT ઇન્ટિગ્રેશન આપી દેવામાં આવ્યું છે. આથી ભવિષ્યમાં ChatGPT ડાઉન થશે ત્યારે એપલની ડિવાઇઝમાં આવેલ એપલ ઇન્ટેલિજન્સને તેની અસર થશે કે નહીં એ જોવું રહ્યું.