એપલ બાદ ગૂગલના પ્રોડક્શન પ્લાનમાં બદલાવ: પિક્સેલ હવે વિયેતનામની જગ્યાએ ભારતમાં મેન્યુફેક્ચર થઈ શકે છે
Google Pixel Production in India: એપલે અમેરિકાના આઇફોન માટે ચીનમાંથી તેનું પ્રોડક્શન હવે શિફ્ટ કરીને ભારતમાં કરવાનું નક્કી કર્યું છે. એ જ રીતે, ગૂગલ પણ તેના પિક્સેલ મોડલને વિયેતનામની જગ્યાએ ભારતમાં શિફ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ માટે ગૂગલ હાલમાં ડિક્સન ટેક્નોલોજીસ અને ફોક્સકોન સાથે વાતચીત કરી રહી છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ હવે આ વિશે કોઈ પણ રિસ્ક લેવા માગતી નથી, તેથી અમેરિકાના-ચીન સંબંધો વધુ ખરાબ થાય એ પહેલાં આ નિર્ણય લઈ શકાય છે.
પિક્સેલ સ્માર્ટફોન બનશે ભારતમાં
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિયેતનામ પર 46 ટકા અને ભારત પર 26 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. આથી, ગૂગલ હવે વિયેતનામની જગ્યાએ ભારતમાં તેનું પ્રોડક્શન શરૂ કરવાનું વિચારી રહી છે. આ સાથે, 10 ટકા વધારાની ઇમ્પોર્ટ ડ્યુટી 90 ટકા હોલ્ડ પર રાખવામાં આવી છે. દુનિયાભરના શેરમાર્કેટમાં કડાકો આવ્યો છે ત્યારે ભારતનું શેરમાર્કેટ ખૂબ જ સારી રીતે રિકવર કરી રહ્યું છે. પિક્સેલ ફોન હાલમાં ભારતમાં જે પણ બને છે, તે ભારતમાં જ વેચવામાં આવે છે.
ભારતમાં 70 ટકા પિક્સેલનું પ્રોડક્શન
તમિલનાડુમાં આવેલા ફોક્સકોનના પ્લાન્ટમાં પિક્સેલના જૂના ફોન મેન્યુફેક્ચર કરવામાં આવે છે, જ્યારે નોઇડામાં આવેલા ડિક્સનના પ્લાન્ટમાં નવા મોડલ મેન્યુફેક્ચર કરવામાં આવે છે. ડિક્સને 2023ના ડિસેમ્બરથી ભારતમાં પ્રોડક્શનની શરૂઆત કરી હતી. બીજી તરફ, ફોક્સકોન દ્વારા ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું છે. ગૂગલ છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતમાં પ્રોડક્શન વધારી રહ્યું છે. જોકે, અમેરિકાએ ટેરિફ વધાર્યા બાદ હવે પ્રોડક્શન શિફ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.
અમેરિકામાં કરવામાં આવશે એક્સપોર્ટ
ગૂગલ દ્વારા ભારતમાં પ્રોડક્શન શિફ્ટ કર્યા બાદ તે ફોનને અમેરિકામાં એક્સપોર્ટ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં ભારત પ્રથમ ક્રમે બનવા માગે છે, અને એપલ અને ગૂગલ પ્રોડક્શન શિફ્ટ કરી રહ્યા હોવાથી ભારતના આ મિશનને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે. અમેરિકામાં પિક્સેલનું વેચાણ 14 ટકા વધ્યું છે, અને તેથી હવે તેનું પ્રોડક્શન વધારવામાં આવી રહ્યું છે.