વોટ્સએપ સ્ટેટસમાં હજી નવી સુવિધાઓ ઉમેરાઈ
વોટ્સએપમાં સ્ટેટસમાં બે નવી સુવિધા ઉમેરાઈ રહી છે. હવે લોકો અન્ય લોકોના
સ્ટેટસને લાઇક કરી શકશે. એ ઉપરાંત લોકો પોતાના સ્ટેટસમાં અન્ય યૂઝરનો ઉલ્લેખ કરી
શકશે.
આ બંને સુવિધાનું લાંબા સમયથી ટેસ્ટિંગ ચાલતું હતું અને હવે તે લગભગ સૌને
ઉપલબ્ધ થઈ ગઈ છે. આ સુવિધા વોટ્સએપની મોબાઇલ એપ તથા વેબ એપ્લિકેશન બંનેમાં મળશે.
સ્ટેટસ લાઇક કરવાની વાત કરીએ તો આપણે જ્યારે પોતાની વોટ્સએપ એપમાં અપડેટમાં
જઇને અન્ય લોકોના સ્ટેટસ જોતા હશું ત્યારે એ સ્ટેટસને રિપ્લાય કરવાના બોક્સની
બાજુમાં તેને લાઇક કરવાનું બટન પણ મળશે. તેને ક્લિક કરતાં, સ્ટેટસ ક્રિએટ કરનાર વ્યક્તિને તેની જાણ થાય છે કે કોઈએ સ્ટેટસને લાઇક કર્યું.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં પણ આવું ફીચર છે અને તેમાં કેટલા લોકોએ સ્ટેટસ લાઇક
કર્યું તે પણ જાણી શકાય છે. વોટ્સએપમાં એવી સંખ્યા જાણી શકાશે નહીં.
પોતાના સ્ટેટસમાં અન્ય લોકોને મેન્શન કરવાના ફીચરની વાત કરીએ તો વોટ્સએપ આ નવા
ફીચર મુજબ, એક સ્ટેટસમાં વધુમાં વધુ પાંચ
લોકોને મેન્શન કરવાની સુવિધા આપે છે. જ્યારે કોઈ યૂઝર પોતાના સ્ટેટસમાં આપણને
મેન્શન કરે ત્યારે વોટ્સએપ તેની આપણને જાણ કરે છે, જે ચેટમાં જોવા મળશે. એ પછી તમે એ સ્ટેટસને તમારા ઓડિયન્સ સાથે શેર કરી શકો
છો.
એ ખાસ ધ્યાન આપવા જેવું છે કે આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય તેવી વ્યક્તિ પણ
પોતાના સ્ટેટસમાં આપણને મેન્શન કરી શકે છે. જેમ કે આપણે કોઈ ગ્રૂપ કે કમ્યુનિટીમાં
મેમ્બર હોઇએ તો તેમાંના અન્ય યૂઝર, જેને આપણે પોતાના
કોન્ટેક્ટમાં સેવ કરેલ ન હોય એ પણ પોતાના સ્ટેટસમાં આપણો ઉલ્લેખ કરી શકે છે. આપણે
આવો ઉલ્લેખ ટાળવો હોય તો એ વ્યક્તિને બ્લોક કરવી પડે અથવા રિપોર્ટ કરવી પડે.